IND VS AUS: પેટ કમિન્સ ને હવે કેપ્ટન પદેથી હટાવી દેવાશે? પૂર્વ સ્ટાર ખેલાડીએ નિવૃત્તી જોવાની ઈચ્છા દર્શાવી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને હવે કેપ્ટનશિપના ભારથી મુક્ત કરવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. ત્યાં પૂર્વ વિકેટકીપરે બોલર તરીકે જ રિટાયર થતો જોવાની ઈચ્છા રાખી છે.

બોર્ડર ગાવાસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝ ની પ્રથમ બંને ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. હવે ઓસ્ટ્રેલિયાનુ મીડિયા અને દિગ્ગજો આ માટે જુદા જુદા નિવેદનો કરી રહ્યા છે. આ દરમિયાન હવે પૂર્વ વિકેટકીપર ઈયાન હીલીએ પણ પોતાની ઈચ્છાઓનો રાગ આલાપ્યો છે. શરુઆતની બંને ટેસ્ટ મેચ હાર બાદ હીલીએ પણ પેટ કમિન્સને કેપ્ટનશિપથી દૂર કરવાની ચર્ચાઓમાં સૂર પૂરાવવા સાથે બોલર તરીકે રિટાયર થતો જોવાની ઈચ્છા દર્શાવી છે.
સિરીઝની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ હતી. જ્યાં ભારતે ઓસ્ટ્રેલિયાને એક ઈનીંગ અને 132 રનથી હાર આપી હતી. બીજી ટેસ્ટ મેચ દિલ્લીમાં રમાઈ હતી. જેમાં ભારતે 6 વિકેટથી વિજય મેળવ્યો હતો. ભારતે બેટિંગ અને બોલીંગ બંને વિભાગમાં શાનદાર પ્રદર્શન કરીને આ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા બંને વિભાગમાં ઉણુ ઉતર્યુ હતુ.
કમિન્સને લઈ હીલી આમ કહ્યુ
ઓસ્ટ્રેલિયાના એક રેડિયો સાથે ખાસ વાતચિતમાં હીલીએ પોતાની ઈચ્છાઓ રજૂ કરી હતી. હિલીએ કહ્યું,”હું નથી ઈચ્છતો કે પેટ કમિન્સ લાંબા સમય સુધી કેપ્ટનશિપના ભાર હેઠળ દબાઈ જાય. હું બોલર તરીકે તેની કારકિર્દીનો અંત જોવા માંગુ છું. કેપ્ટનશિપના કારણે તમારા પર વધુ દબાણ હોય છે અને ચાર-પાંચ વર્ષ લાંબો સમય હોય છે”.
આગળ વાત કરતા કમિન્સના વિકલ્પને લઈને નામ બતાવ્યુ હતુ. તેઓએ ટ્રેવિસ હેડને સુકાન સોંપવાને લઈ સારો વિકલ્પ ગણાવ્યો હતો. હેડને નાગપુર ટેસ્ટમાં કમિન્સે બહાર બેસાડ્યો અને જેને લઈ ચર્ચાઓ ખૂબ થઈ હતી. ઈયાન હીલીએ કહ્યું કે “અત્યારે કમિન્સ પરિવારમાં સમસ્યાઓ છે, તેથી જ હું તેને બોલર તરીકે તેની કારકિર્દી પૂરી કરે તે જોવા માંગુ છું”.
ત્રીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં
ઈન્દોરમાં રમાનારી સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં કેપ્ટન પેટ કમિન્સ ઉપલબ્ધ નહીં હોય. કમિન્સની માતાની તબિયત વધારે ખરાબ હોવાને લઈ તે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. શરુઆતમાં તે ઈન્દોર ટેસ્ટ પહેલા ભારત ફરવાનો હતો, પરંતુ હવે માતા પાસે થોડો વધારે સમય વિતાવવા માટે ઘરે જ રોકાશે. કમિન્સે સિડનીમાં માતા પાસે વધારે સમય રહેવાનો નિર્ણય કર્યો છે. જે હવે સીધો અમદાવાદ ટેસ્ટ દરમિયાન ભારત આવશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.