IND vs WI: પ્રેક્ષકો T20 Series નહી રહી શકે ઉપસ્થિત, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આપી મોટી જાણકારી
કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમવાની છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રણ મેચની T20 શ્રેણી (India vs West Indies T20 Series) પણ દર્શકો વિના રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ 4 ફેબ્રુઆરીએ આ માહિતી આપી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાવાની છે. બંગાળ સરકારે કોરોના નિયમોમાં રાહત આપતા સ્ટેડિયમમાં 75 ટકા દર્શકોની હાજરીને મંજૂરી આપી છે. પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ દર્શકો માટે દરવાજા ખોલશે નહીં. આ પહેલા યોજાનારી ODI શ્રેણી પણ દર્શકો વગરની હશે. ODI શ્રેણીની મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં યોજાવાની છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં સૌરવ ગાંગુલીએ કોલકાતામાં ઓડિયન્સ એન્ટ્રીના સવાલ પર કહ્યું, ‘હું ઓન રેકોર્ડ કહી રહ્યો છું. અમે ઈડન ગાર્ડન્સમાં દર્શકોને ત્રણ T20 મેચો માટે મંજૂરી આપી રહ્યાં નથી. જનતા માટે કોઈ ટિકિટ હશે નહીં. સ્ટેડિયમમાં ફક્ત બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ અને વિવિધ એકમોના પ્રતિનિધિઓને જ પ્રવેશ આપવામાં આવશે. આવા સમયે અમે દર્શકોને મંજૂરી આપીને ખેલાડીઓના સ્વાસ્થ્યને જોખમમાં ન નાખી શકીએ. કોઈ ટિકિટ આપવામાં આવશે નહીં. જો કે અમારી પાસે બંગાળ સરકારની પરવાનગી છે, પરંતુ BCCI ખેલાડીઓના સ્વાસ્થ્યને જોખમમાં નાખવા માંગતું નથી.
T20 સિરીઝ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી T20 સિરીઝ શરૂ થવાની છે. આ પહેલા 6 થી 11 ફેબ્રુઆરી દરમિયાન ODI શ્રેણીની મેચો રમાવાની છે. આ માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત પહોંચી ગઈ છે. સાથે જ ભારતીય ખેલાડીઓ પણ અમદાવાદમાં છે અને પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે ટીમ ઈન્ડિયામાં કોરોનાના કેસો સામે આવ્યા છે. ત્રણ ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ પણ કોરોનાની ઝપેટમાં છે.
કોરોના પોઝિટિવ મળી આવેલા ખેલાડીઓના નામોમાં શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. આ સિવાય ફાસ્ટ બોલર નવદીપ સૈની અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપ પણ પોઝિટિવ છે. જો કે તેમ છતાં બીસીસીઆઈએ સીરીઝના શેડ્યૂલમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોરોના કેસ સામે આવ્યા બાદ મયંક અગ્રવાલ અને ઈશાન કિશનને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.