Temba Bavuma: ટેમ્બા બાવુમાની ફક્ત હાઈટ ઓછી છે, પણ પ્રદર્શન આકાશ જેટલું ઊંચું
ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપ હેઠળ, દક્ષિણ આફ્રિકાએ વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ જીત્યા પછી, બાવુમાની કપ્તાનીમાં ભારતને ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું. કેપ્ટન બાવુમાએ એ કરી બતાવ્યું એ અન્ય કોઈ ના કરી શક્યું.

ટેમ્બા બાવુમાની હાઈટ ઓછી છે, પણ તેની કેપ્ટનશિપ, તેની રમત, તેનું પ્રદર્શન આકાશને આંબી ગયું છે. ભારત સામે ગુવાહાટી ટેસ્ટ જીતીને દક્ષિણ આફ્રિકાના કેપ્ટન બાવુમાએ ઇતિહાસ રચ્યો છે. તેની કેપ્ટનશિપ હેઠળ એક એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જેની દક્ષિણ આફ્રિકા 25 વર્ષથી ઝંખના કરી રહ્યું હતું.
ટેમ્બા બાવુમાએ ઇતિહાસ રચ્યો
ટેમ્બા બાવુમાની કેપ્ટનશીપમાં દક્ષિણ આફ્રિકાએ ગુવાહાટીમાં ટેસ્ટ મેચ જીતી લેતાની સાથે જ તેમણે શ્રેણી પણ જીતી લીધી, જે ક્લીન સ્વીપ હતી. 25 વર્ષમાં પહેલીવાર કોઈ દક્ષિણ આફ્રિકાના કેપ્ટને ભારતીય ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે. આ પહેલા, બાવુમાએ 27 વર્ષમાં પહેલીવાર દક્ષિણ આફ્રિકાને ICC ટુર્નામેન્ટમાં વિજય અપાવ્યો હતો.
બાવુમા એક પણ ટેસ્ટ મેચ હાર્યો નથી
ટેમ્બા બાવુમા એક પણ ટેસ્ટ મેચ હાર્યો નથી. કેપ્ટન તરીકે તે રેડ-બોલ ફોર્મેટમાં અજેય છે. દક્ષિણ આફ્રિકાએ બાવુમાની કેપ્ટનશીપ હેઠળ 12 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 11 જીતી છે, જ્યારે એક ડ્રો રહી છે. ભારતમાં શ્રેણી જીતવી એ એક મોટી સિદ્ધિ છે. જોકે, બાવુમાએ ભારતમાં શ્રેણી જીતવા માટે એક શાનદાર રણનીતિ ઘડી. તેણે પાકિસ્તાનનો પ્રવાસ કરવાને બદલે ભારતમાં દક્ષિણ આફ્રિકા A માટે રમવાનું પસંદ કર્યું. તે ભારતીય પરિસ્થિતિઓને સમજતો હતો, અને જુઓ કે તેણે કોલકાતા અને ગુવાહાટીમાં કેવું શાનદાર પ્રદર્શન કર્યું.
ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા આ રીતે જીત્યું
ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને 489 રન બનાવ્યા હતા. સેનુરન મુથુસામીએ 109 અને માર્કો યાનસને 93 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાનો પહેલો દાવ ફક્ત 201 રનમાં જ સમેટાઈ ગયો હતો. જયસ્વાલે 58 રન, સુંદરે 48 રન બનાવ્યા હતા. જવાબમાં માર્કો યાનસને 6 વિકેટ અને હાર્મરે 3 વિકેટ લીધી હતી. બીજા દાવમાં દક્ષિણ આફ્રિકાએ 5 વિકેટે 260 રન બનાવ્યા હતા અને ભારત બીજા દાવમાં ફક્ત 140 રન જ બનાવી શક્યું હતું. દક્ષિણ આફ્રિકા 408 રનથી જીત્યું હતું. સિમોન હાર્મરે સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. કેશવ મહારાજે 2 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: Gautam Gambhir: બીજી વખત ક્લીન સ્વીપ, શું ગૌતમ ગંભીર હવે રાજીનામું આપશે? ભારતીય કોચે આપ્યો જવાબ
