IND vs SA: રોહિત શર્માને લઇ ટળી વન ડે ટીમ પસંદગી, 4 વર્ષે આ દિગ્ગજની વાપસી થશે
ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે સોમવાર સુધીમાં ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની હતી, પરંતુ તે હાલ માટે 3-4 દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની ટેસ્ટ શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા (Team India) એ તેમની સામે 3 મેચની વનડે શ્રેણી પણ રમવાની છે. આ સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત સોમવાર સુધીમાં થવાની હતી પરંતુ હવે તેને 3-4 દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, નવા વનડે કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોહિત શર્મા હજી સંપૂર્ણ રીતે ફિટ નથી અને તે આ સિરીઝમાં રમી શકશે કે નહીં તે અંગે ચિત્ર સ્પષ્ટ નથી. આ જ કારણ છે કે BCCIએ પસંદગી સમિતિની બેઠક સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
રોહિત શર્માને હેમસ્ટ્રિંગમાં ઈજા છે અને તે બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં છે. રોહિત શર્મા ફિટ દેખાઈ રહ્યો છે પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને જોતા BCCI તેની ઈજા વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગે છે. મીડિયા અહેવાલ મુજબ, રોહિત શર્મા દક્ષિણ આફ્રિકાની વનડે શ્રેણીમાં રમશે કે નહીં તે 30 કે 31 ડિસેમ્બર સુધીમાં નક્કી થઈ શકે છે. જો રોહિત શર્મા વન ડે સીરીઝ માટે અયોગ્ય જણાય છે તો કેએલ રાહુલ (KL Rahul) ટીમની કમાન સંભાળી શકે છે.
શું અશ્વિન ODI ટીમમાં વાપસી કરશે?
BCCI ના એક અધિકારીએ નામ ન આપવાની શરતે સમાચાર એજન્સીને જણાવ્યું, ટીમ પસંદગી પ્રથમ ટેસ્ટ પછી કરવામાં આવશે. આ બેઠક 30 કે 31 ડિસેમ્બરે યોજાઈ શકે છે. રોહિત શર્મા ફિટનેસ પર કામ કરી રહ્યો છે પરંતુ હેમસ્ટ્રિંગની ઈજા અન્ય કોઈપણ ઈજાથી અલગ છે
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ પણ ઈજાના કારણે વનડે શ્રેણી રમી શકશે નહીં અને આવી સ્થિતિમાં આર અશ્વિન (Ashwin) ODI ટીમમાં વાપસી કરી શકે છે. તમને જણાવી દઈએ કે અશ્વિને છેલ્લી વનડે મેચ વર્ષ 2017માં રમી હતી. તાજેતરમાં જ તેણે T20 ક્રિકેટમાં પણ પુનરાગમન કર્યું હતું.
અશ્વિન ઉપરાંત યુવા ખેલાડીઓ ઋતુરાજ ગાયકવાડ અને વેંકટેશ અય્યરને પણ ODI ટીમમાં તક મળી શકે છે. બંને ખેલાડીઓએ વિજય હજારે ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના પછી તેમને ODI ટીમમાં જગ્યા મળવાની વાત કહેવામાં આવી રહી છે. એવા અહેવાલો છે કે પસંદગી સમિતિની બેઠકમાં મિડલ ઓર્ડર બેટ્સમેન શાહરૂખ ખાનના નામ પર પણ ચર્ચા થઈ શકે છે. વિજય હજારે ટ્રોફીમાં શાહરૂખ ખાને પોતાની વિસ્ફોટક બેટિંગના આધારે તમિલનાડુને ફાઇનલમાં જગ્યા અપાવી હતી.