IND vs SA: આ ભારતીય બોલરની ધાર થઈ ગઈ ‘નકામી’, એક વર્ષથી ચાલી રહી છે આવી જ પરીસ્થિતિ, બીજી વનડેમાં થશે ફેરફાર?
ભારતીય ટીમે (Team India) પ્રથમ વનડેમાં સાઉથ આફ્રિકાની પ્રથમ 3 વિકેટ માત્ર 68 રનમાં ઝડપી લીધી હતી, પરંતુ ત્યારપછી બીજી વિકેટ 49મી ઓવરમાં મળી અને ત્યાં સુધીમાં સ્કોર 272 રન થઈ ગયો હતો.
ટીમ ઈન્ડિયા (Team India) ને દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટ શ્રેણીમાં લીડ લીધા બાદ 1-2થી હારી ગયેલી ભારતીય ટીમે વનડે શ્રેણીમાં ખરાબ શરૂઆત કરી હતી અને પ્રથમ મેચ 31 રનથી હારી હતી. ભારતીય ટીમ ની હારનું મોટું કારણ ટીમની નબળી બેટિંગ હતી, જેણે સારી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો ન હતો, પરંતુ ટીમની બોલિંગ પણ ઓછી જવાબદાર નહોતી, જે મધ્ય ઓવરોમાં વિકેટ લેવામાં નિષ્ફળ રહી હતી. ખાસ કરીને ટીમના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) નું ફોર્મ ફરી પ્રશ્નના ઘેરામાં આવ્યું છે અને ભૂતપૂર્વ ભારતીય ઓપનર અને કોમેન્ટેટર આકાશ ચોપરા (Aakash Chopra) એ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલરની આકરી ટીકા કરતા કહ્યું છે કે, તેની બોલિંગની મને હવે ધાર નથી.
પાર્લના બોલેન્ડ પાર્કમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભુવનેશ્વર કુમારને કોઈ સફળતા મળી ન હતી. તેણે જસપ્રીત બુમરાહ સાથે નવા બોલથી શરૂઆત કરી અને પહેલા સ્પેલમાં ચુસ્ત બોલિંગ કરી. પરંતુ તે પછીના સ્પેલમાં વધુ પ્રભાવ પાડી શક્યો નહીં. ભુવનેશ્વરને સ્વિંગના અભાવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો દ્વારા સરળતાથી રમાડવામાં આવ્યો હતો અને ખાસ કરીને છેલ્લી ઓવરોમાં રાસી વાન ડેર ડુસેનને નિશાન બનાવવામાં આવ્યો હતો. ભુવનેશ્વરે તેની 10 ઓવરમાં 64 રન આપ્યા અને ખાલી હાથે પરત ફર્યો.
લાંબા સમય થી એક જ સમસ્યા
ટીમની હાર બાદ પરિણામની સમીક્ષા કરતા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ પણ ભુવનેશ્વરના પ્રદર્શન પર ટિપ્પણી કરી હતી. આકાશ ચોપરાએ તેની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં અનુભવી ભારતીય ફાસ્ટ બોલર વિશે કહ્યું, “ભુવનેશ્વર કુમાર શરૂઆતમાં સારો દેખાતો હતો પરંતુ તે પછી ધાર દેખાતી નથી. આ એક સમસ્યા છે જે ચાલુ રહે છે. એવું નથી કે ઈજાના કારણે તે દેખાતો નથી, પરંતુ દોઢ વર્ષ થઈ ગયું છે. આપણે હજુ ભુવનેશ્વર કુમારનો શ્રેષ્ઠ દેખાવ જોવાનો બાકી છે.”
આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ભારતીય ટીમ બીજી વનડેમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે? ટીમ ઈન્ડિયામાં ભુવનેશ્વરના વિકલ્પ તરીકે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલર પણ છે, જેઓ સારી ગતિ ધરાવે છે અને બાઉન્સરનો વધુ સારો ઉપયોગ કરી શકે છે.
દબાણ સર્જી ના શક્યા ભારતીય બોલર
ભારતીય ટીમે પ્રથમ બોલિંગ કરી હતી અને જસપ્રિત બુમરાહે પાંચમી ઓવરમાં જ યામન માલનની વિકેટ લીધી હતી, જ્યારે રવિચંદ્રન અશ્વિને ક્વિન્ટન ડી કોકને લાંબો સમય ટકી રહેવા દીધો ન હતો. આ પછી વેંકટેશ અય્યરે એડન માર્કરમને રનઆઉટ કર્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 18 ઓવરમાં માત્ર 68 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી ટેમ્બા બાવુમા અને વાન ડેર ડુસેને ચોથી વિકેટ માટે 204 રન જોડ્યા અને મેચ ભારતના હાથમાંથી છીનવી લીધી.