IND vs ENG: ઝાહિર ખાનની ટીમ ઇન્ડીયાને સલાહ, આ બોલરને આરામ આપી જાડેજા સાથે અશ્વિનનો સમાવેશ કરો
ભારતીય ટીમ (Team India) માં ચોથા ટેસ્ટના માટે ટીમમાં પરિવર્તન નિશ્વિત માનવામાં આવે છે. જોકે કયો ખેલાડી ટીમમાં આવવા જોઇએ અને કોને બહાર કરવો જોઇએ, તેને લઇને સૌ કોઇ પોત પોતાના સલાહ-સૂચન આપી રહ્યા છે.
ઇંગ્લેન્ડ (England) સામેની ચોથી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (Indian Cricket Team) માં કયા ખેલાડીને સ્થાન મળે છે અને કોને નહી. તે અંગે દરેક વ્યક્તિ પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે. સામાન્ય ભારતીય ચાહકથી લઈને ભારત અને ઈંગ્લેન્ડના ક્રિકેટ નિષ્ણાતોને કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે. જેમાં દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન (R Ashwin) નું નામ સૌથી વધુ લેવામાં આવી રહ્યું છે.
અશ્વિનનું રમવું નિશ્ચિત છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર ઝાહીર ખાને (Zaheer Khan) બોલિંગમાં વધુ એક ફેરફાર સૂચવ્યો છે. ઝાહીર માને છે કે, ટીમ ઇન્ડિયાએ ફાસ્ટ બોલરોના વર્કલોડ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેથી ઓવલ ટેસ્ટમાં એક ઝડપી બોલરને આરામ આપવો જોઈએ.
ઝાહીર ખાને ટીમ ઈન્ડિયાને યુવા ઝડપી બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) ને ચોથી ટેસ્ટમાં આરામની સલાહ આપી છે. ઝાહીર માને છે કે સિરાજને આરામ આપીને શાર્દુલ ઠાકુરને ટીમમાં સ્થાન આપવું જોઈએ. જેનાથી બેટિંગમાં પણ મદદ ઉમેરાશે.
મીડિયા રિપોર્ટનુસાર વાત કરતા ઝાહીર કહ્યું, જો તમે બેટિંગમાં યોગદાનના દ્રષ્ટિકોણથી જોતા હોય તો, તમે સિરાજ વિશે પણ વિચારી શકો છો. જે વર્કલોડ મેનેજમેન્ટ અને બેટિંગ સ્ટ્રેન્થનુ કામ કરશે. શાર્દુલ એવી વ્યક્તિ છે જેનો ઉપયોગ બોલર અને ઓલરાઉન્ડર તરીકે થઈ શકે છે અને તમને બેટિંગમાં વધારાનો ટેકો આપે છે.
અશ્વિન અને જાડેજાને મળે સાથે જ તક
આ સાથે ઝાહીરે અશ્વિનને સામેલ કરવાની પણ વાત કરી હતી. ઝાહીરે કહ્યું કે ઈશાંત શર્માને છેલ્લી મેચના પ્રદર્શનના આધારે પડતો મુકવો જોઈએ. ઝાહીર માને છે કે ભારતીય ટીમે અશ્વિન અને રવિન્દ્ર જાડેજા સાથે ઓવલની પીચ પર એટેક કરવો જોઈએ. તેમણે કહ્યું, અહીં એક તક છે અને તેનો લાભ લેવો જોઈએ અને મને લાગે છે કે આ ફેરફાર (અશ્વિનને ટીમમાં લાવવો) થવો જોઈએ.
તમારે પહેલા જોવું પડશે કે જાડેજા કેટલો ફિટ છે. પણ જો તે રમી રહ્યો હોય તો પણ ભારતે આ ભિન્નતા અજમાવવી જોઈએ. કારણ કે જો તમે ઓવલનો ઈતિહાસ જોશો તો બીજી ઈનિંગમાં સ્પિનરનું વર્ચસ્વ રહેશે.
અશ્વિન સિરીઝમાં નથી રમ્યો ટેસ્ટ
પાંચ મેચની શ્રેણી હાલમાં 1-1 થી બરાબરી પર છે. નોટિંગહામમાં પ્રથમ ટેસ્ટ ડ્રો રહી હતી, જ્યારે ભારતે લોર્ડ્સ ટેસ્ટ 151 રનથી જીતી હતી. ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડે જબરદસ્ત વાપસી કરી અને ભારતને ઈનિંગ્સ અને 76 રનથી હરાવ્યું. આ ત્રણેય ટેસ્ટ મેચમાં અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું નથી જેના વિશે ટીમ ઇન્ડીયા પર ઘણા સવાલો ઉભા થયા હતા. ખાસ કરીને લીડ્સની હાર બાદ અશ્વિનના સમાવેશની માગ થઇ રહી છે.