IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ટેસ્ટ પર સંકટ, મેચ રમાશે કે કેમ? જાણો શું કહ્યું સૌરવ ગાંગુલીએ
ભારતીય ટીમ (Team India) માં ગુરુવારે વધુ એક કોરોના સંક્રમણનો મામલો સામે આવ્યો છે. આ વખતે ટીમના બીજા ફિઝીયોથેરાપીસ્ટ યોગેશ પરમારનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે.
હાલમાં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમી રહેલી ભારતીય ટીમ (Indian Cricket Team)માં ભયનો માહોલ ફેલાયો છે. ગુરુવારે ટીમના બીજા ફિઝિયો યોગેશ પરમારનો (Yogesh Parmar) કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવતા ચિંતા છવાઈ છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી ટેસ્ટ શુક્રવારથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે શરૂ થનારી છે.
પરંતુ ભારતીય ટીમમાં કોરોનાનો વધુ એક કેસ આવ્યા બાદ આ મેચ પર કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ કહ્યું કે ઈંગ્લેન્ડ સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ યોજાશે કે નહીં તે બાબતે તેઓ અનિશ્ચિત છે.
મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને બોલિંગ કોચ ભરત અરુણનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ સપોર્ટ સ્ટાફના અન્ય એક સભ્યનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ટીમને ગુરુવારે પ્રેક્ટિસ સત્ર રદ કરવું પડ્યું હતું. કોલકાતામાં ‘મિશન ડોમિનેશન’ પુસ્તકના વિમોચન વખતે ગાંગુલીએ કહ્યું હતું કે ‘આ સમયે અમને ખબર નથી કે મેચ થશે કે નહીં. આશા છે કે મેચ થશે.
ટીમ પાસે નથી ફિઝીયો
ખેલાડીઓના આરટી-પીસીઆર પરીક્ષણના પરિણામો પર હજુ રાહ જોવાઈ રહી છે. પરમાર પોઝિટિવ આવતા ટીમ પાસે હવે એક પણ ફિઝીયો નથી. શાસ્ત્રીને ઓવલ ટેસ્ટ મેચ દરમિયાન ચેપ લાગ્યા બાદ ચીફ ફિઝિયો નીતિન પટેલ આઈસોલેશનમાં હતા. જાણવા મળ્યું છે કે BCCIએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ને ફિઝીયોની સેવાઓ પૂરી પાડવા માટે કહ્યું છે. મીડિયા રિપોર્ટનુસાર બોર્ડના સૂત્રોને ટાંકીને કહ્યું કે RT-PCR ટેસ્ટનું પરિણામ દિવસ પછી આવશે, જેના આધારે મેચનો નિર્ણય લેવામાં આવશે.
રૂમમાં રહેશે ખેલાડી
ખેલાડીઓને પોતપોતાના રૂમમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. શાસ્ત્રી અને પટેલ ઉપરાંત ફિલ્ડિંગ કોચ આર. શ્રીધર અને બોલિંગ કોચ અરુણ પણ લંડનમાં ક્વોરન્ટાઈનમાં છે. ભારતે ઓવલમાં પાંચમા દિવસે મેચ જીતી ત્યારે માત્ર બેટિંગ કોચ વિક્રમ રાઠોડ ટીમ સાથે હતા.
તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના તમામ સભ્યોને સંપૂર્ણ રસી આપવામાં આવી છે. શાસ્ત્રી ટીમ હોટેલમાં તેમના પુસ્તક લોન્ચિંગ ઈવેન્ટ બાદ લક્ષણો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં લોકોને બહારથી આવવાની મંજૂરી આપવામાં આવી હતી. અરુણ, પટેલ અને શ્રીધરે પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે.