IND vs BAN : બ્રેટ લી જે આખી કરિયરમાં ન કરી શક્યો તે આ ભારતીય ફાસ્ટ બોલરે કરી બતાવ્યું
મયંક યાદવે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. મયંક યાદવે તેની પહેલી જ ઓવરમાં એક સિદ્ધિ હાંસલ કરી હતી જે બ્રેટ લી તેની સમગ્ર કારકિર્દીમાં કરી શક્યો ન હતો.
ગ્વાલિયરના ન્યૂ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ફાસ્ટ બોલર મયંક યાદવે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. મયંક યાદવ તેની ઝડપી ગતિ માટે જાણીતો છે. તેણે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી જ ઓવરમાં ઘાતક બોલિંગ કરી હતી. આ દરમિયાન, તેણે એક સિદ્ધિ હાંસલ કરી જે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લી તેની સમગ્ર T20 કારકિર્દીમાં ક્યારેય કરી શક્યો ન હતો.
કરિયરની શરૂઆત મેડન ઓવરથી કરી
મયંક યાદવે પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત મેડન ઓવરથી કરી હતી. તેણે તેની પ્રથમ ઓવરમાં એક પણ રન ન આપ્યો. T20 ક્રિકેટમાં મેડન ઓવર બોલિંગ કરવી ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ મયંક યાદવે તેની પહેલી જ આંતરરાષ્ટ્રીય ઓવરમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીની ગણતરી વિશ્વના સૌથી ઝડપી બોલરોમાં થાય છે. પરંતુ તેણે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ક્યારેય મેડન ઓવર ફેંકી નથી.
આ કમાલ કરનાર ભારતનો પાંચમો બોલર
તમને જણાવી દઈએ કે, મયંક યાદવ ભારતનો પાંચમો બોલર છે જેણે પોતાની T20 ઈન્ટરનેશનલ કરિયરની શરૂઆત મેડન ઓવરથી કરી છે. આ પહેલા ભારત તરફથી અજીત અગરકર, ખલીલ અહેમદ, નવદીપ સૈની અને અર્શદીપ સિંહ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અજિત અગરકરે 2006માં સાઉથ આફ્રિકા સામે આ કારનામું કર્યું હતું, ખલીલ અહેમદે 2018માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કર્યું હતું, નવદીપ સૈનીએ પણ વેસ્ટ ઈન્ડિઝ સામે 2019માં આ કમાલ કર્યો હતો અને અર્શદીપ સિંહે 2022માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ કરિયરની શરૂઆત મેડન ઓવરથી કરી હતી.
0⃣0⃣0⃣0⃣0⃣0⃣ – A maiden over to kick off Mayank Yadav’s international career
: Jio Cinema pic.twitter.com/iLgBRrd1uW
— CricTracker (@Cricketracker) October 6, 2024
બીજી ઓવરમાં જ કારકિર્દીની પ્રથમ વિકેટ લીધી
મયંક યાદવે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ મેળવવા માટે માત્ર 8 બોલ લીધા હતા. તેણે ટીમ ઈન્ડિયા માટે પહેલી વિકેટ મહમુદુલ્લાહના રૂપમાં મેળવી હતી. તમને જણાવી દઈએ કે, મયંક યાદવ ભારતના સૌથી ઝડપી બોલરોમાંથી એક છે. તેણે IPL 2024માં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ મેચમાં પણ મયંક યાદવે જોરદાર ઝડપી બોલિંગ કરી હતી.
આ પણ વાંચો: IND vs BAN : હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડ્યો, બન્યો નંબર 1