PM Modi એ શેર કર્યો અમદાવાદની મુલાકાતનો Video, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા
India Vs Australia, 4th Test: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનિઝ અમદાવાદ ટેસ્ટની શરુઆતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
બોર્ડર ગાવાસ્કર ટ્રોફી 2023 ની અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચની શરુઆતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની એલ્બનિઝ ઉપસ્થિત રહ્યા હતા. બંનેની ઉપસ્થિતીએ મેચને વિશેષ બનાવી હતી. બંને દેશના વડાપ્રધાન વિશેષ ડિઝાઈન કરેલ ગોલ્ફ કાર્ટમાં સવાર થઈને મેદાનમાં ચક્કર લગાવ્યુ હતુ. વડાપ્રધાન મોદી અને એન્થોનીની હાજરીએ ગુરુવારની સવાર અમદાવાદ માટે શાનદાર બનાવી હતી. વડાપ્રધાન મોદીએ પણ પોતાની આ મુલાકાતને લઈ અમદાવાદના સ્ટેડિયમનો વિડીયો શેર કર્યો હતો.
વડાપ્રધાન મોદી બુધવારે જ ગુજરાત આવી પહોંચ્યા હતા. સવારે અમદાવાદ ટેસ્ટ શરુ થવા પહેલા તેઓએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમની સાથે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની પણ હતા. બંનેએ દર્શકોનુ અભિવાદન ઝીલ્યુ હતુ અને બાદમાં બંને ટીમના ખેલાડીઓને મેદાનમાં મળ્યા હતા.
PM Modi એ શાનદાર વિડીયો શેર કર્યો
વડાપ્રધાન મોદી ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શરુ થયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની શરુઆતમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાનની પળોનો વડાપ્રધાન મોદીએ 2 મિનિટ અને 13 સેકન્ડનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. વડાપ્રધાને વિડીયો શેર કરતા લખ્યુ છે કે, અમદાવાદમાં એક યાદગાર સવાર! ભારત અને ઓસ્ટ્રેલિયા દોસ્તીને વધારે તાકાત મળે.
A memorable morning in Ahmedabad! More power to the India-Australia friendship. pic.twitter.com/xdT0j8o1qm
— Narendra Modi (@narendramodi) March 9, 2023
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના સુકાની રોહિત શર્માને ટેસ્ટ કેપ આપી હતી. આ સમયે ઓસ્ટ્રેલિયાને વડાપ્રધાન એન્થોનીએ ઓસ્ટ્રેલિયન ટીમના સુકાની સ્ટીવ સ્મિથને ટેસ્ટ કેપ આપી હતી.
વડાપ્રધાને રોમાંચક રમતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
મોદીએ ટ્વીટ કર્યું અને લખ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ એક ઝુનુન છે. ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચનો થોડો ભાગ જોવા માટે, પોતાના સારા મિત્ર પીએમ એન્થોની અલ્બેનિઝ સાથે અમદાવાદ આવીને ખુશ છું. મને વિશ્વાસ છે કે આ એક રોમાંચક રમત રહેશે.
પીએમ મોદીએ બીજા ટ્વીટમાં સ્ટેડિયમ અને ત્યાંના કાર્યક્રમોની કેટલીક વધુ તસવીરો શેર કરી.તેમણે લખ્યું છે કે અમદાવાદની કેટલીક વધુ ઝલક. ચારેય બાજુએ ક્રિકેટ. વડાપ્રધાન મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોનીએ મેચ નિહાળવા દરમિયાન સેલ્ફી લીધી હતી. મેચ દરમિયાન બંને વડાપ્રધાન સાથે ચા પિતા હોવાની તસ્વીર પણ ખૂબ વાયરલ થઈ હતી.