સિડની ટેસ્ટમાં ઐતિહાસિક બદલાવ! 138 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ટીમે આ કામ કર્યું, કેપ્ટન સ્મિથે પણ ઉઠાવ્યા સવાલ
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ક્રિકેટ ઇતિહાસમાં આવું કામ પહેલા ક્યારેય કરેલું નથી.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક સમયે સ્પિનરો માટે સ્વર્ગ ગણાતા સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આજે એક અનોખો અને અનિચ્છનીય રેકોર્ડ જોવા મળ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી પાંચમી ટેસ્ટ માટે તેની ટીમમાં કોઈપણ નિષ્ણાત સ્પિનરનો સમાવેશ કર્યો નથી. 138 વર્ષમાં આવું પહેલી વાર બન્યું છે કે, ઓસ્ટ્રેલિયાએ સિડની ગ્રાઉન્ડ પર સ્પિનર વિના ટેસ્ટ મેચ રમી છે.
ટીમ પસંદગીને લઈને સ્ટીવ સ્મિથ મૂંઝાયો
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથે ટીમ પસંદગીના નિર્ણય અંગે સમજાવતા કહ્યું કે, તેને આ પરિસ્થિતિમાં ધકેલી દેવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર બ્યુ વેબસ્ટરને ટીમમાં જોડવામાં આવ્યો હતો, જ્યારે ઓફ સ્પિનર ટોડ મુર્ફીને બહાર રાખવામાં આવ્યો હતો.
પિચની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા સ્મિથે કહ્યું, “મને સ્પિનર વિના રમવાનું પસંદ નથી પરંતુ જો પિચ એવી રીતે તૈયાર કરવામાં આવી રહી હોય કે, જ્યાં સ્પિનર્સ માટે કોઈ મદદ ન હોય અને ફક્ત સીમ તેમજ તિરાડો જ ભૂમિકા ભજવે, તો કેપ્ટન પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.”
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટા બદલાવ તરફ ઈશારો
આ નિર્ણય ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં મોટા બદલાવ તરફ ઈશારો કરે છે. આ સિરીઝ દરમિયાન સ્પિનરોની ભૂમિકા સતત ઘટતી નજરે પડી છે. બ્રિસબેન ટેસ્ટમાં અનુભવી નાથન લાયનને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.
મેલબોર્ન અને સિડનીમાં ટોડ મુર્ફીને તક મળી નહોતી, જ્યારે ઇંગ્લેન્ડની સ્થિતિની વાત કરીએ તો મહેમાન ટીમે પણ પોતાના મુખ્ય સ્પિનર શોએબ બશીરને સિડની ટેસ્ટમાંથી બહાર રાખ્યો. હવે આનો અર્થ એ થાય છે કે, બશીર એક પણ બોલ નાખ્યા વિના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી પરત ફરશે.
સિરીઝમાં ઝડપી બોલરોનો દબદબો
સિરીઝની પહેલી ચાર ટેસ્ટના આંકડા દર્શાવે છે કે, સ્પિનરો માટે પરિસ્થિતિ કેટલી પડકારજનક રહી છે. અત્યાર સુધીમાં સ્પિનરો મળીને માત્ર 9 વિકેટ જ લઈ શક્યા છે. મેલબોર્નમાં રમાયેલ ચોથી ટેસ્ટ માત્ર બે દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જ્યાં ઝડપી બોલરોનો દબદબો જોવા મળ્યો હતો.
સ્મિથના જણાવ્યા અનુસાર, આજકાલની પિચ પર સ્પિનનો સામનો કરવો એ સરળ બની ગયું છે, જ્યારે સીમ બોલરો સામે રન બનાવવું મુશ્કેલ બની ગયું છે.
સ્મિથે ચિંતા વ્યક્ત કરી
કેપ્ટન સ્મિથે વધુમાં કહ્યું કે, જ્યારે પિચ સ્પિનરોને મદદ કરતી નથી, ત્યારે તેઓ ઝડપથી રન લીક કરી શકે છે. સ્મિથે એ પણ કહ્યું કે, “મેચમાં સ્પિનરોની ભૂમિકા મહત્ત્વની હોય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં સ્પિનર્સ સાથે બોલિંગ કરાવવી એનું કોઈ ખાસ કારણ નજરે પડતું નથી.”
સ્પિન બોલિંગનું ભવિષ્ય શું?
સિડનીની પિચ સ્પિનરો માટે મદદરૂપ માનવામાં આવતી હતી પરંતુ હવે સીમ બોલરોને ત્યાં વધુ ફાયદો મળી રહ્યો છે. આ ફેરફાર ક્રિકેટ નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય છે, કારણ કે તે રમતના પરંપરાગત ફોર્મેટ અને સ્પિન બોલિંગના ભવિષ્ય પર પ્રશ્નો ઊભા કરે છે.
