IND VS NZ: હર્ષલ પટેલે કહ્યુ, હું ટૅલેન્ટેડ નથી, આ સ્ફોટક ખેલાડીએ બદલી નાંખ્યુ પોતાનુ જીવન
હર્ષલ પટેલે (Harshal Patel) ન્યૂઝીલેન્ડ સામે રાંચી T20માં ડેબ્યુ કર્યું હતું અને તે મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો.
ન્યુઝીલેન્ડ (New Zealand) સામેની રાંચી ટી-20 મેચમાં ટીમ ઈન્ડિયા (Team India) એ એકતરફી જીત મેળવીને શ્રેણી પોતાને નામે કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે બીજી T20માં 20 ઓવરમાં 6 વિકેટે 153 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે કેએલ રાહુલ (KL Rahul) અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) ની અડધી સદીના આધારે 17.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ભારતીય ટીમની જીતનો હીરો બન્યો ફાસ્ટ બોલર હર્ષલ પટેલ (Harshal Patel), જેણે રાંચીમાં ડેબ્યૂ કર્યું હતું અને પહેલી જ મેચમાં આ ખેલાડીએ પોતાની તાકાત દેખાડી હતી.
જો કે મેન ઓફ ધ મેચ પસંદ થયા બાદ હર્ષલ પટેલે ચોંકાવનારી વાત કહી હતી. પટેલે કહ્યું કે તે ટેલેન્ટેડ ખેલાડી નથી. આ સાથે હર્ષલ પટેલે પોતાની સફળતા પાછળ વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી એબી ડી વિલિયર્સનો મોટો હાથ જણાવ્યો હતો.
હું ટેલેન્ટેડ નથી, ડી વિલિયર્સની સલાહથી બધું બદલાઈ ગયુંઃ હર્ષલ પટેલ
મેન ઓફ ધ મેચ જીતવા પર ખુશી વ્યક્ત કરતા હર્ષલ પટેલે કહ્યું, ‘તમે આનાથી સારી શરૂઆત ના માંગી શકો. મારી પ્રક્રિયા ધીમી રહી છે. હું એટલો પ્રતિભાશાળી નથી પણ મેં મારી ભૂલોમાંથી શીખ્યો છુ. ભૂલ કર્યા પછી, મને ખબર પડી છે કે હું શું કરી શકું છું અને શું કરી શકતો નથી. મારી સફર શાનદાર રહી છે. મેં ઘણા પાઠ શીખ્યા છે. ક્રિકેટ પછી પણ તે જીવનભર મારી સાથે રહેશે.
હર્ષલ પટેલે તેની સફળતામાં એબી ડી વિલિયર્સનો મોટો હાથ હોવાનું જણાવ્યું હતું. હર્ષલ પટેલે કહ્યું, ‘આઈપીએલ 2021ની શરૂઆત પહેલા મેં ડી વિલિયર્સ સાથે વાતચીત કરી હતી. ડી વિલિયર્સે મને સલાહ આપી કે બેટ્સમેનોને તેમની સારી બોલિંગ કરવા દો, ત્યાંથી તમને વિકેટ મળશે. ડી વિલિયર્સે કહ્યું હતુ કે બોલર સારા બોલ પર બાઉન્ડ્રી માર્યા બાદ પોતાની લાઇન-લેન્થ બદલી નાખે છે, આ એક મોટી ભૂલ છે. તમારે બેટ્સમેનને ખરાબ નહી સારા બોલ પર શોટ મારવા માટે આમંત્રિત કરવો પડશે, ત્યાં તમે વિકેટ મેળવી શકો છો.
2012માં IPLની પ્રથમ સિઝન રમનાર હર્ષલ પટેલને ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવામાં 9 વર્ષ લાગ્યા હતા. 2021માં હર્ષલ પટેલે સૌથી વધુ 32 વિકેટ લઈને પર્પલ કેપ જીતી હતી. જે બાદ તેને ન્યુઝીલેન્ડ ટી20 સીરીઝ માટે પસંદગીકારોએ તક આપી હતી. હર્ષલ પટેલે ડેરેલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સની વિકેટ લઈને શાનદાર રીતે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું.