T20 World Cup 2021: 6,6,6,6,4,4,4… ફખર ઝમાને મેદાનમાં મચાવ્યુ તોફાન, 15 બોલમાં રમતને અલગ બનાવી દીધી!
PAK vs AUS, 2nd Semi-Final: ફખર ઝમાને ઓસ્ટ્રેલિયા સામે 32 બોલમાં અણનમ 55 રન બનાવ્યા.
T20 વર્લ્ડ કપ 2021 (T20 World Cup 2021) ની બીજી સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાન (Pakistan) ના બેટ્સમેનોએ ફરી એકવાર પોતાને સાબિત કરી દર્શાવ્યા છે. પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા (Australia) સામે 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. મુશ્કેલ પીચ પર પણ પાકિસ્તાની બેટ્સમેનોએ નિર્ભયતાથી બેટિંગ કરી હતી. ખાસ કરીને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અને ફખર ઝમાને (Fakhar Zaman) બેટિંગ કરીને કાંગારૂ બોલરોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. ફખર અને મોહમ્મદ રિઝવાન બંનેએ અડધી સદી ફટકારી હતી. રિઝવાને 52 બોલમાં 67 રન અને ફખર ઝમાને 32 બોલમાં 55 રન બનાવ્યા હતા.
મોહમ્મદ રિઝવાનની અડધી સદીની ઇનિંગ્સે પાકિસ્તાનને સારી શરૂઆત અપાવી હતી, તો બીજી તરફ ફખર ઝમાનની ઝડપી હિટના કારણે પાકિસ્તાનનો સ્કોર 170થી આગળ વધી ગયો હતો. રસપ્રદ વાત એ છે કે એક સમયે ફખર ઝમાન પાકિસ્તાન માટે વિલન સાબિત થઈ રહ્યો હતો અને ચાહકો તેને સોશિયલ મીડિયા પર ઘણું ખરુ ખોટું કહી સંભળાવતા હતા. પરંતુ અચાનક તેણે જોરદાર બેટિંગ કરી અને ગાળોને તાળીઓમાં બદલી નાખી.
ફખર ઝમાને ગાંઠ વાળી લીધી
બાબર આઝમના આઉટ થયા બાદ ફખર ઝમાન ક્રિઝ પર ઉતર્યો હતો. ફખર ઝમાનને ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર એડમ ઝમ્પાએ ફસાવી દીધો હતો. તે દરેક રન લેવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. હાલત એવી હતી કે ફખરે પહેલા 17 બોલમાં માત્ર 17 રન જ બનાવ્યા હતા, પરંતુ તે પછી આ ખેલાડીએ એ રીતે ગિયર બદલ્યો કે ઓસ્ટ્રેલિયન બોલરો પણ દંગ રહી ગયા. ફખર ઝમાને મિચેલ સ્ટાર્કની 2 ઓવરમાં ત્રણ સિક્સર ફટકારી અને માત્ર 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. ઝમાને પોતાની ઇનિંગમાં 4 સિક્સ અને 3 ફોર ફટકારી હતી. ફખર ઝમાને તેના છેલ્લા 15 બોલમાં 38 રન બનાવ્યા હતા.
Back to Back SIXES !!! Rocking shots , Rocking SIX for ROCKING KFC Zingers!!! Fakhar Zaman Rocks !!!#KFCHitForSix #PAKvAUS #KFCArabia pic.twitter.com/6HnDLsO0Ho
— Tariq Sheikh (@tariq26141) November 11, 2021
સ્ટીવ સ્મિથે જીવતદાન આપ્યું
તમને જણાવી દઈએ કે જ્યારે ફખર ઝમાન 40 રનના સ્કોર પર હતો ત્યારે સ્ટીવ સ્મિથે તેનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો. આ પછી આ પાકિસ્તાની બેટ્સમેને છેલ્લી ઓવરમાં બે સિક્સર ફટકારીને પાકિસ્તાનને 176 રન સુધી પહોંચાડ્યું હતું. કેચ ચૂકી ગયા પછી, ફખર ઝમાને વધુ 15 રન બનાવ્યા, જે ઓસ્ટ્રેલિયા માટે ભારે પડી શકે છે.