Breaking News : રોહિત શર્માના નામ પરથી રાખવામાં આવ્યું વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડનું નામ, IPL 2025 વચ્ચે મોટું સન્માન
IPL 2025 દરમિયાન રોહિત શર્માને એક મોટું સન્માન મળ્યું છે. વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડના નામ બદલવામાં આવ્યા છે. જેમાં એક સ્ટેન્ડનું નામ રોહિત શર્માના નામ પર રાખવામાં આવ્યું હતું.

વાનખેડે સ્ટેડિયમના સ્ટેન્ડના નામ રોહિત શર્મા, અજિત વાડેકર અને શરદ પવારના નામ પર રાખવામાં આવ્યા છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ મંગળવારે વાનખેડે સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડનું નામ બદલી નાખ્યું. મુંબઈ ક્રિકેટ એસોસિએશને સ્ટેન્ડનું નામ વર્તમાન ટેસ્ટ અને વનડે કેપ્ટન રોહિત શર્મા, ભૂતપૂર્વ કેપ્ટન અજિત વાડેકર અને ભૂતપૂર્વ બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારના નામ પર રાખ્યું છે.
કયા સ્ટેન્ડના નામ બદલવામાં આવ્યા?
દિવેચા પેવેલિયનના લેવલ-3 ને હવે “રોહિત શર્મા સ્ટેન્ડ” કહેવામાં આવશે. ગ્રાન્ડ સ્ટેન્ડનું લેવલ-3 “શરદ પવાર સ્ટેન્ડ” તરીકે ઓળખાશે. ગ્રાન્ડ સ્ટેન્ડનું લેવલ-4 “અજીત વાડેકર સ્ટેન્ડ” તરીકે ઓળખાશે. તમને જણાવી દઈએ કે આ ત્રણેય દિગ્ગજોએ મુંબઈ ક્રિકેટને આગળ વધારવામાં મોટું યોગદાન આપ્યું છે. રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમનો વર્તમાન કેપ્ટન છે અને મુંબઈ ઈન્ડિયન્સને પાંચ વખત IPL જીત અપાવનાર કેપ્ટન છે. રોહિતે પોતાની કારકિર્દીની શરૂઆત વાનખેડેથી કરી હતી.
ROHIT SHARMA STAND IN WANKHEDE
MCA AGM has approved the stand for World Cup winning Captain Rohit Sharma at Wankhede. [@pdevendra From Express Sports] pic.twitter.com/RM0yG67xtx
— Johns. (@CricCrazyJohns) April 15, 2025
અજિત વાડેકર-શરદ પવારના નામનું સ્ટેન્ડ
અજિત વાડેકર એવા કેપ્ટન હતા જેમણે 1971માં વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડમાં ભારતને પહેલીવાર ટેસ્ટ શ્રેણી જીત અપાવી હતી અને 37 ટેસ્ટ મેચ રમી હતી. શરદ પવાર ભૂતપૂર્વ BCCI પ્રમુખ અને ICC ચેરમેન રહી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટે નવી ઊંચાઈઓ સ્પર્શી હતી. MCA પ્રમુખ અજિંક્ય નાઈકે નિર્ણય બાદ કહ્યું, “આ નિર્ણયો મુંબઈ ક્રિકેટના દિગ્ગજો પ્રત્યેના અમારા આદર અને ભવિષ્યમાં વધુ મજબૂતાઈ સાથે આગળ વધવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.”
વાનખેડેનું ઐતિહાસિક મહત્વ
વાનખેડે સ્ટેડિયમ ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિષ્ઠિત મેદાનોમાંનું એક છે, જ્યાં 2011ના વર્લ્ડ કપ ફાઈનલ જેવા ઐતિહાસિક મેચ રમાયા છે. હવે અહીં સ્ટેન્ડનું નામકરણ કરવાનો પ્રયાસ એ ક્રિકેટ જગતના આ મહાન હસ્તીઓના યોગદાનને હંમેશા યાદ રાખવાનો છે.
આ પણ વાંચો: IND vs BAN : કોહલી-બુમરાહ બાંગ્લાદેશ સામેની ODI શ્રેણીમાં નહીં રમે? રોહિતના રમવા પર પણ પ્રશ્નાર્થ