Breaking News: ‘છેતરપિંડી, શારીરિક શોષણ…’ RCBના આ ધુરંધર પર લાગ્યા સનસનાટીભર્યા આરોપો, મહિલાએ CMને ફરિયાદ કરી
ઉત્તર પ્રદેશની એક મહિલાએ યુપી સીએમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આરસીબી તરફથી રમતા સ્ટાર બોલર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગથી પ્રખ્યાત થયેલ ભારતીય ક્રિકેટર યશ દયાલ એક મોટા વિવાદમાં ફસાઈ ગયો છે. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર યશ દયાલ પર એક મહિલાએ જાતીય શોષણ, હિંસા અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
પીડિત મહિલાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ ડાબોડી ફાસ્ટ બોલર સામે કાર્યવાહીની માંગ કરી છે. પીડિત મહિલાએ આ ન્યાય માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્ય પોલીસને અપીલ કરી છે.
પીડિત મહિલાએ સીએમ હેલ્પલાઇન પોર્ટલ પર ફરિયાદ નોંધાવી અને તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા. મહિલાએ આ પોસ્ટમાં દયાલ સાથેનો પોતાનો ફોટો પણ શેર કર્યો છે.
ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો છે કે, તે છેલ્લા 5 વર્ષથી ક્રિકેટર સાથે સંબંધમાં હતી પરંતુ આ ખેલાડીએ લગ્નની લાલચ આપીને તેની સાથે ભાવનાત્મક, માનસિક અને શારીરિક શોષણ કર્યું.
બીજી મહિલાઓ સાથે પણ નકલી સંબંધો બનાવ્યા
મહિલાએ પોતાની ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો છે કે, ક્રિકેટર તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. તેને શારીરિક હિંસા અને માનસિક ત્રાસનો પણ સામનો કરવો પડ્યો છે. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે, ક્રિકેટરે આ જ રીતે બીજી ઘણી મહિલાઓ સાથે નકલી સંબંધો બનાવ્યા હતા.
પીડિતાએ પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે કે, 14 જૂને મહિલા હેલ્પલાઇન પર કેસની ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી, ત્યારબાદ તેને સીએમ હેલ્પલાઇનની મદદ લેવી પડી.
SHOCKING
A girl named Ujjwala Singh from Uttar Pradesh has filed an FIR against Yash Dayal for alleged physical and mental harassment. pic.twitter.com/USCvoKYRcM
— ` (@WorshipDhoni) June 28, 2025
યશ દયાલનું કોઈ જ નિવેદન નહી
પીડિતાએ પોતાના આરોપોમાં ક્યાંય પણ ક્રિકેટરનું નામ નથી લખ્યું પરંતુ તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં યશ દયાલ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. જો કે, આ મામલે યશ દયાલ તરફથી અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા કે નિવેદન આવ્યું નથી.
પીડિત મહિલાએ 21 જૂને સીએમ હેલ્પલાઇન પર આ ફરિયાદ નોંધાવી હતી અને પછી 25 જૂને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આના એક દિવસ પછી યશ દયાલે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો, જેના પર લખ્યું હતું – ‘નિડર’.
ત્યારબાદ ફરિયાદીએ પોસ્ટ થકી દયાલ પર નિશાન સાધ્યું અને ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, જો તે નિર્ભય છે તો તેને સત્યનો સામનો કરવો જોઈએ. યશ દયાલ સાથે પીડિત મહિલાના કેટલાક ફોટા પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા છે.