Breaking News Asian Games 2026: ભારત-પાકિસ્તાન ફાઈનલ પહેલા મોટો વિવાદ ટળ્યો, મોહસિન નકવીને લઈને આવ્યું મોટું અપડેટ
એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે. આ મેચ પહેલા PCB વડા મોહસીન નકવી અંગે એક મોટી અપડેટ સામે આવી છે. જે બાદ એક મોટો વિવાદ ટળી ગયો છે.

જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026ની મેન્સ ક્રિકેટ ઇવેન્ટની ગોલ્ડ મેડલ મેચ શનિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બે કટ્ટર હરીફો ફાઇનલમાં પહોંચ્યા બાદ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાની ટક્કર કરતાં વધુ ચર્ચા એ વાતની થઈ રહી છે કે શું મેડલ સમારોહ દરમિયાન ફરી કોઈ વિવાદ થશે?
મેડલ વિતરણનો વિવાદ
સૌથી મોટો સવાલ એ છે કે જો એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી મેડલ વિતરણ સમારોહમાં મેડલ આપવા માટે સ્ટેજ પર આવે છે, તો શું ટીમ ઈન્ડિયા ફરી એકવાર તેમનો બહિષ્કાર કરશે? હવે આ મામલે એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ભારત-પાકિસ્તાન ફાઇનલ પહેલા વિવાદ ટળી ગયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા અને પાકિસ્તાની સરકારના ગૃહમંત્રી મોહસીન નકવી શનિવારના ફાઇનલ માટે નાગોયામાં હાજર રહેશે નહીં. ભારતીય ટીમ સામે તાજેતરમાં લેવામાં આવેલા કડક વલણ બાદ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા (OCA) ના એશિયન ગેમ્સ જેવા મલ્ટી-સ્પોર્ટ પ્લેટફોર્મ પર પણ પોતાના વલણ પર અડગ રહેશે. જો નકવી પોડિયમ પર હોત અને ભારતીય ખેલાડીઓએ મેડલ સ્વીકારવાનો ઇનકાર કર્યો હોત, તો તેનાથી એક મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ થયો હોત. હવે, મેચથી નકવીના દૂર રહેવાના સમાચાર સાથે, એવું લાગે છે કે પ્રેઝેન્ટેશન સેરેમની કોઈપણ વિવાદ વિના પૂર્ણ થશે.
એશિયા કપમાં સ્ટેજ પર નકવીનું બે વાર અપમાન થયું
ભારતીય ક્રિકેટ ટીમનો મોહસીન નકવીથી અંતરનો ઇતિહાસ અગાઉની ટુર્નામેન્ટમાં સ્પષ્ટ જોવા મળ્યો છે. 2025ના મેન્સ એશિયા કપ દરમિયાન, ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. પરિણામે, ટીમ ઇન્ડિયાને હજુ સુધી એશિયા કપ મળી નથી. જે બાદ મહિલા એશિયા કપમાં પણ આવું જ થયું. પ્રેઝેન્ટેશન સેરેમની દરમિયાન મોહસીન નકવી ટ્રોફી રજૂ કરવા માટે સ્ટેજ પર ઉભા હતા, પરંતુ ભારતીય કેપ્ટન અને ખેલાડીઓએ તેમના તરફથી એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, આયોજકોએ ફક્ત રનર-અપ ટીમને મેડલ આપીને સમારોહનો ઉતાવળમાં અંત લાવવો પડ્યો.
