એક જ T20 મેચમાં 3 સદી… સ્ટીવ સ્મિથની ટીમે ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરીને ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડ્યો
અમેરિકામાં રમાઈ રહેલી મેજર લીગ ક્રિકેટ (MLC) માં એક એવો રોમાંચક મુકાબલો જોવા મળ્યો કે, જેણે T20 ક્રિકેટના ઇતિહાસના તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. એક જ મેચમાં 3 સદી અને T20 ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ થવા જેવા અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ આ મેચમાં નોંધાયા છે.

‘મેજર લીગ ક્રિકેટ’ જે અમેરિકામાં રમાતી ફ્રેન્ચાઇઝી આધારિત T20 લીગ છે, તેની ચોથી સીઝનનો એલિમિનેટર મુકાબલો MI ન્યૂયોર્ક અને વોશિંગ્ટન ફ્રીડમ વચ્ચે 16 જુલાઈની સવારે રમાયો હતો. આ મેચમાં T20 ક્રિકેટના કેટલાક નવા રેકોર્ડ બનતા જોવા મળ્યા છે.
T20 ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર
MI ન્યૂયોર્કની ટીમે મુકાબલામાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા 20 ઓવર્સમાં 266 રનનો સ્કોર બનાવ્યો હતો, જેના પછી વોશિંગ્ટન ફ્રીડમે પણ ટાર્ગેટનો 18.4 ઓવરમાં પીછો કરી લીધો. આ સાથે જ આ T20 ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ બની ગયો.
આ મુકાબલામાં કુલ ત્રણ ખેલાડીઓએ સદીની ઇનિંગ રમી. T20 ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર કોઈ મુકાબલામાં એવું જોવા મળ્યું છે, જ્યારે ત્રણ ખેલાડી સેન્ચુરી લગાવવામાં સફળ રહ્યા છે.
The unstoppable Smudge pic.twitter.com/EgrorF53Qg
— Cognizant Major League Cricket (@MLCricket) July 16, 2026
વોશિંગ્ટન ફ્રીડમે તોડ્યો પંજાબ કિંગ્સનો રેકોર્ડ
MI ન્યૂયોર્કની ટીમે એલિમિનેટર મુકાબલામાં ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા કેપ્ટન નિકોલસ પૂરનની 106 રનની સદીની ઇનિંગ ઉપરાંત કાયરન પોલાર્ડના 64 અને ડી-કોકના 51 રનની ઇનિંગના દમ પર 20 ઓવરમાં 266 રનનો સ્કોર બનાવ્યો હતો.
આ પછી ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વોશિંગ્ટન ફ્રીડમની શરૂઆત સારી રહી નહોતી, જેમાં તેમણે 10ના સ્કોર પર પોતાની 2 વિકેટ ગુમાવી દીધી હતી.
89 બોલમાં 241 રનની ભાગીદારી
અહીંથી તેમના કેપ્ટન અને શાનદાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે એન્ડ્રીઝ ગૌસ સાથે ત્રીજી વિકેટ માટે માત્ર 89 બોલમાં 241 રનની ભાગીદારી કરીને મુકાબલાને સંપૂર્ણપણે એકતરફી કરી દીધો. સ્મિથના બેટથી અણનમ 110 રનની ઇનિંગ જોવા મળી તો ગૌસે 132 રનની ઇનિંગ રમી.
આ સાથે જ T20 ક્રિકેટમાં વોશિંગ્ટન ફ્રીડમની ટીમે હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. અગાઉ પંજાબ કિંગ્સની ટીમના નામે હતો, જ્યારે તેમણે દિલ્હી કેપિટલ્સ સામેના મુકાબલામાં 265 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો.
Andries Gous becomes the first American batter in MLC to smash a century pic.twitter.com/nE23V2F6lv
— Cognizant Major League Cricket (@MLCricket) July 16, 2026
T20 ક્રિકેટમાં હાઇએસ્ટ ચેઝ ટાર્ગેટ
- વોશિંગ્ટન ફ્રીડમ – 267 રન (Vs MI ન્યૂયોર્ક)
- પંજાબ કિંગ્સ – 265 રન (Vs દિલ્હી કેપિટલ્સ)
- પંજાબ કિંગ્સ – 262 રન (Vs કોલકાતા નાઇટ રાઇડર્સ)
- સાઉથ આફ્રિકા – 259 રન (Vs વેસ્ટઇન્ડીઝ)
‘એન્ડ્રીઝ ગૌસ’ બન્યો MLC માં સદી લગાવનાર પહેલો ‘અમેરિકન ખેલાડી’
MLC માં અત્યાર સુધી વિદેશી ખેલાડીઓનો દબદબો વધુ જોવા મળ્યો છે પરંતુ હવે તેમાં યજમાન દેશ અમેરિકાના પણ એક શાનદાર પ્લેયરનું નામ જોડાઈ ગયું છે, જે એન્ડ્રીઝ ગૌસનું છે.
વોશિંગ્ટન ફ્રીડમ તરફથી રમી રહેલા ગૌસ પહેલો અમેરિકન ખેલાડી બની ગયો છે કે, જે MLC માં સદીની ઇનિંગ રમવામાં સફળ રહ્યા છે. ગૌસના બેટથી 51 બોલમાં 132 રનની ઇનિંગ જોવા મળી, જેમાં તેણે 10 ચોગ્ગા અને 12 છગ્ગા લગાવ્યા.
