RCB અને DC ને મોટો ફટકો પડ્યો ! ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ સ્ટાર ખેલાડીઓએ પોતાના નામ પાછા ખેંચી લીધા
મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. હવે આ સીઝન શરૂ થાય તે પહેલાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો સહન કરવો પડશે.

મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝન 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ સીઝન શરૂ થાય તે પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો સહન કરવો પડશે. આરસીબીની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
DC માંથી કોણ બહાર થયું?
બીજીબાજુ દિલ્હી કેપિટલ્સ સાથે પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. તેમની અનુભવી ખેલાડી એનાબેલ સધરલેન્ડ પણ WPLની આગામી સીઝનમાં રમતી નહીં જોવા મળે. બંને ખેલાડીઓએ વ્યક્તિગત કારણોસર પોતાના નામ પાછા ખેંચી લીધા છે.
પેરીના સ્થાને કોણ રમશે?
RCB એ પેરીના સ્થાને સયાલી સતઘરેને સાઇન કરી છે. સતઘરે ₹30 લાખની કિંમતે RCB ટીમમાં જોડાશે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સે સધરલેન્ડની જગ્યાએ ઓસ્ટ્રેલિયન લેગ-સ્પિનર અલાના કિંગને ટીમમાં એડ કરી છે.
ઓસ્ટ્રેલિયન સ્પિનર WPL ની છેલ્લી સીઝનમાં UP વોરિયર્સ ટીમનો ભાગ હતી. તેણે તેના કરિયરમાં અત્યાર સુધી 27 T20I મેચ રમી છે અને 27 વિકેટ લીધી છે. કિંગ ₹60 લાખની કિંમતે DC માં જોડાશે.
યુપી વોરિયર્સને પણ આંચકો લાગ્યો
વધુમાં યુપી વોરિયર્સને પણ મોટો ઝટકો લાગ્યો છે. લેફ્ટ આર્મ મીડિયમ પેસર તારા નોરિસ પણ WPL 2026 માં રમશે નહીં. નોરિસ 18 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન નેપાળમાં યોજાનારી 2026 ICC મહિલા T20 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે USA ની નેશનલ ટીમમાં જોડાયેલી હતી.
પરિણામે, તારા નોરિસ WPL 2026 માંથી બહાર થઈ ગઈ છે. યુપી વોરિયર્સે તેના સ્થાને અનકેપ્ડ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ચાર્લી નોટની જાહેરાત કરી છે. નોટને ₹10 લાખની કિંમતે સાઇન કરવામાં આવી છે.
એલિસ પેરીની ખોટ વર્તાશે
એલિસ પેરીની વાત કરીએ તો, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમમાં એક મહત્વપૂર્ણ ખેલાડી છે. તે અત્યાર સુધીની ત્રણેય WPL સીઝનમાં RCB માટે રમી ચૂકી છે.
આ સમય દરમિયાન, તેણે 25 મેચમાં 64.80 ની સરેરાશથી 972 રન બનાવ્યા છે. બોલિંગની વાત કરીએ તો, એલિસ પેરીએ કુલ 14 વિકેટ પણ લીધી છે. આથી, આગામી સિઝનમાં RCB ને એલિસ પેરીની ખોટ વર્તાશે.
