Breaking News : BCCI ફરી એકવાર માલામાલ થયું, હવે આ કંપની સાથે કરોડોનો કરાર કર્યો
અપોલો ટાયર્સની સાથે કરોડોની ડીલ સાઈન કર્યા બાદ હવે બીસીસીઆઈ પર ફરી પૈસાનો વરસાદ થયો છે. આ ડીલને લઈ સત્તાવાર જાહેરાત 25 નવેમ્બરના સવારે 11 કલાકે થશે.

BCCI ક્રિકેટ જગતમાં સૌથી પૈસાદાર બોર્ડ છે અને સ્પોન્સરશિપ દ્વારા દર વર્ષે તેની કમાણી કરોડોમાં થાય છે. હાલમાં બોર્ડે અપોલો ટાયર્સની સાથે જર્સી સ્પોન્સરશીપને લઈ ડીલ કરી હતી. આ ડીલ બાદ તેની કમાણીમાં કરોડો રુપિયાનો વધારો થયો છે. હવે ફરી એક વખત બીસીસીઆઈએ નવી કંપની સાથે ડીલ કરી છે જેના કારણે તેમણે પોતાની કમાણીમાં કરોડો રુપિયાનો વધારો થવાનો છે. બીસીસીઆઈને હવે એશિયન પેઈન્ટસના રુપમાં એક નવો સ્પોન્સર મળ્યો છે.
સત્તાવાર જાહેરાત 25 નવેમ્બરના રોજ
બીસીસીઆઈએ એશિયન પેઈન્ટસને પોતાનો નવો પાર્ટનર બનાવ્યો છે. આ ડીલને લઈ સત્તાવાર જાહેરાત 25 નવેમ્બરના સવારે 11 કલાકે થશે. એશિયન પેઈન્ટસ હવે બીસીસીઆઈના અનેક નવા પાર્ટનર્સના લિસ્ટમાં સામેલ થયા છે. જેમાં કેંપા, એટમબર્ગ અને એસબીઆઈ લાઈફ સહિત મોટી કંપનીઓના નામ સામેલ છે. તમને જણાવી દઈએ કે, એશિયન પેઈન્ટસની સાથે આ ડીલ કરોડો રુપિયાની માનવામાં આવી રહી છે. બીસીસીઆઈને કેંપાથી 48 કરોડ, એટમબર્ગથી 41 કરોડ અને એસબીઆઈ લાઈફથી 47 કરોડ રુપિયા મળે છે. એશિયન પેઈન્ટસ સાથે જોડાયા બાદ બીસીસીઆઈની ઓફિશિયલ પાર્ટનરશીપથી કુલ કમાણી અંદાજે 180 કરોડ રુપિયા થઈ ગઈ છે.
બીસીસીઆઈએ એપોલો ટાયર્સ સાથે 3 વર્ષનો કરાર કર્યો
ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ થયા પછી, ડ્રીમ11 એ ટીમ ઈન્ડિયા માટે તેની જર્સી સ્પોન્સરશિપ પાછી ખેંચી લીધી. જેના કારણે ભારતીય ટીમ કોઈપણ જર્સી સ્પોન્સરશિપ વિના એશિયા કપમાં રમતી જોવા મળી હતી. ત્યારબાદ એપોલો ટાયર્સની સાથે બીસીસીઆઈએ ડીલ સાઈન કરી હતી. તેની સાથે આ કોન્ટ્રાક્ટ 3 વર્ષનો છે. આ ડીલ કુલ 579 કરોડ રુપિયાની છે. એપોલો ટાયર્સ ટીમ ઈન્ડિયાની જર્સી સ્પોન્સર છે તેમજ વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ સાથે તે જર્સી સ્પોન્સર પણ જોવા મળી રહ્યો છે. હવે એશિયન પેઈન્ટસ પણ બીસીસીઆઈનો એક સ્પોન્સર બની ગયું છે.
