પહેલા BCCI એ બાંગ્લાદેશી ક્રિકેટરને રમવાની મંજૂરી આપી, દેશભરમાં વિરોધ વધ્યો તો હવે હકાલપટ્ટી કરી… ભૂલ કોની SRK ની કે BCCIની ?- વાંચો
ટાટા IPL 19 ના મિનિઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સે જ્યારથી બાંગ્લાદેશી ક્રિકેટર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડથી વધુ કિંમતે ખરીદ્યો ત્યારથી શાહરૂખને ટ્રોલ કરાઈ રહ્યો છે. કેટલાક ભાજપના નેતાઓએ તો તેની દેશભક્તિ પર સવાલ ખડા કરતા તેને ગદ્દાર કરાર પણ આપી દીધો. જો કે સૌથી મોટો સવાલ તો એ છે કે SRK ની ટીમે બાંગ્લાદેશી ક્રિકેટરને ત્યારે ખરીદ્યો જ્યારે BCCI એ મંજૂરી આપી. તો સૌથી મોટી ભૂલ કોની BCCIની કે SRK ની..- ચાલો સમજીએ વિગતવાર

ભારતમાં આગામી 26 માર્ચથી ટાટા IPL 19ની શરૂઆત થઈ રહી છે, જેમા કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના માલિકે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખમાં ખરીદ્યો હતો. જેવો SRK ની ટીમે મિનિ ઓક્શન દરમિયાન તેને ખરીદ્યો ત્યારથી દેશભરમાં KKRની ટીમના માલિક SRK નો વિરોધ શરૂ થઈ ગયો. આખરે ભારે વિરોધ બાદ BCCI એ આ ખેલાડીને નહીં રમાડવાનો નિર્ણય કર્યો છે અને હવે તેને KKR ની ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે. જો કે હાલ તો આ તમામ વિવાદ શાંત થઈ ગયો છે. જે દેશમાં નિર્દોષ હિંદુઓને કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા પ્રતાડિત કરવામાં આવતા હોય, તેમની નિર્મમ હત્યા કરી દેવામાં આવતી હોય- એ દેશના ખેલાડીઓ માટે પણ આ દેશમાં કોઈ સ્થાન ન જ હોવુ જોઈએ. બાંગ્લાદેશના ખેલાડીઓને ત્યાં સુધી IPL માં ન રમાડવા જોઈએ જ્યાં સુધી બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ પર કરવામાં આવતા હુમલાઓ સંપૂર્ણપણે બંધ ન થાય.
ભારતમાં IPL જેવી લીગમાં બાંગ્લાદેશી ખેલાડીઓનુ લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવે છે. આ વખતે પણ IPL ના મિનિ ઓક્શનમા કોલકાતા નાઈટ રાઈડર્સે બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને 9 કરોડ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL ઈતિહાસમાં મુસ્તફિઝુર પ્રથમ એવો બાંગ્લાદેશી ખેલાડી બન્યો જેમને સૌથી વધુ કિમતે ખરીદવામાં આવ્યો હતો. જોકે વિવાદ થતા તેને હવે પડતો મુકાયો છે અને ટીમમાંથી દૂર કરવામાં આવ્યો છે.
KKR એ મુસ્તફિઝુરને ખરીદતા દેશભરમાં ટ્રોલ થયો શાહરૂખ ખાન
બાંગ્લાદેશી ક્રિકેટરને ખરીદવા માટે કેટલાક નેતાઓ અને ધર્મગુરુઓએ કોલકાતા નાઈટ રાઈડરના માલિક શાહરૂખ ખાન પર ટીકાનો મારો વરસાવ્યો. તેમને સવાલો પૂછવામાં આવ્યા કે તે બાંગ્લાદેશના ખેલાડીને તેની ટીમમાં કેવી રીતે સામેલ કરી શકે જ્યાં લઘુમતી હિંદુઓની વગર વાંકે નિર્મમ હત્યા કરવામાં આવી રહી છે? ભાજપના નેતા સંગીત સોમે તો શાહરૂખ ખાનને દેશનો ગદ્દાર કહેવામાં જરા પણ મોડુ ન કર્યુ. તેમણે તો ત્યાં સુધી ધમકી આપી કે જો મુસ્તફિઝુર રહેમાન ભારત આવશે તો તેઓ તેને ઍરપોર્ટમાંથી બહાર પણ નહીં આવવા દે. જગદ્દગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ પણ કહ્યુ કે શાહરૂખ ખાનનું વર્તન હંમેશાથી દેશવિરોધી રહ્યુ છે અને તેઓ તેના ચરિત્રને શંકાની દૃષ્ટિએ જુએ છે. કથાવાચક દેવકીનંદન ઠાકુરે કહ્યુ જ્યારે બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યા થઈ રહી છે, તેમના ઘરો સળગાવાઈ રહ્યા છે તો એવા સમયે એ જ દેશના ખેલાડીને પોતાની ટીમમાં રમાડવો અમાનવીય અને સંવેદનહિન છે. મહારાષ્ટ્રના લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને પણ નિવેદન આપ્યુ કે જે દેશમાં લઘુમતી હિંદુઓ સુરક્ષિત નથી, ત્યાંના ખેલાડીઓને રમાડવાથી ખોટો સંદેશ જશે અને શાહરૂખ ખાને તેની ટીમમાંથી મુસ્તફિઝુર રહેમાનને તેની ટીમમાંથી બહાર કરી દેવો જોઈએ.
સોશિયલ મીડિયા પર પણ શાહરૂખ ખાનની ભારે ટીકા થઈ રહી છે. જો કે શાહરૂખ ખાન એકલા KKR ટીમના માલિક નથી. કેકેઆર ટીમ જે નાઈટ રાઈડર્સ સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમીટેડ કંપનીને આધિન આવે છે તેમા SRK સહિત અભિનેત્રી જુહી ચાવલા અને તેના પતિ જય પટેલ પણ સહમાલિક છે. આ સમગ્ર મામલે માત્ર શાહરૂખ ખાનને ટાર્ગેટ કરવામાં આવે છે, તેનુ એક કારણ કદાચ એ પણ છે કે તે ખુદ મુસ્લિમ છે.
કેકેઆરની ટીમમાં બાંગ્લાદેશી બોલરની પસંદગી માટે એકમાત્ર શાહરૂખ ખાનને દોષી ગણવા, કે તેની દેશભક્તિ સામે સવાલ ઉઠાવતા પહેલા થોડા સવાલ IPLની ગવર્નિંગ બોડીને પણ કરવા જોઈએ. BCCIના શિર્ષ નેતૃત્વને પણ સવાલ થવા જોઈએ અને સરકારને પણ સવાલ પૂછાવો જોઈએ કે શા માટે BCCI દ્વારા તેના ઓકેશનની મંજૂરી આપવામાં આવી? માન્યુ કે BCCI એક સ્વાયત્ત સંસ્થા છે પરંતુ તે ભારત સરકારથી ઉપર તો નથી. ભારતની વિદેશ નીતિથી ઉપર તો કોઈ સંસ્થા ન હોઈ શકે.
IPL માં ક્યા દેશોના ખેલાડી રમશે તે નક્કી કરવાની સત્તા માત્ર BCCI પાસે હોય છે
જો બાંગ્લાદેશી ક્રિકેટર પર પ્રતિબંધ BCCI એ જ લગાવવાનો હતો તો પછી શાહરૂખ ખાનને ટ્રોલ કરવાથી શું? IPL માં શાહરૂખ ખાન નક્કી નથી કરતા કે ક્યા દેશોના ખેલાડી IPL માં રમશે, ખેલાડીઓને રમાડવાનો નિર્ણય માત્ર BCCI દ્વારા લેવામાં આવતો હોય છે જો BCCI કોઈ દેશના ખેલાડીને IPLમાં રમવાની પરવાનગી નથી આપતુ તો એ દેશના ખેલાડી ઓક્શન લિસ્ટનો જ હિસ્સો નથી બનતા. આ મામલે પણ BCCI એ જ પહેલા બાંગ્લાદેશના ખેલાડીઓને IPL માં રમવાની પરવાનગી આપી હતી. જે બાદ જ SRKની ટીમે મુસ્તફિઝુર રહેમાનને ઓક્શન દરમિયાન ખરીદી શકી.
શાહરૂખ ખાનને મુસ્લિમ હોવાના નાતે ટાર્ગેટ નથી કરાયો
હાલ તો BCCI એ મુસ્તફિઝુર રહેમાનને ન રમાડવાનો નિર્ણય કર્યો છે અને સમગ્ર વિવાદ શાંત થયો છે. જો કે શાહરૂખને ટાર્ગેટ કરાયો તેની પાછળનું કારણ સમગ્ર બોલિવુડનું સિલેક્ટીવ આઉટ્રેજ પણ જવાબદાર છે. આજે બોલિવુડનો એકપણ કલાકાર બાંગ્લાદેશી હિંદુઓની થઈ રહેલી નિર્મમ હત્યા પર એક શબ્દ સુદ્ધા નથી બોલતો કે ના તો તેના માટે All Eyes On Bangladesh જેવા ટ્રેંડમાં સામેલ થાય છે.
આ જ બોલિવુડના કલાકારો છે- જેઓ વર્ષ 2024માં જ્યારે ઈઝરાયેલ હમાસને ખતમ કરવા માટે ગાઝા પર હુમલા કરી રહ્યુ હતુ ત્યારે સમગ્ર બોલિવુડ All Eyes On Rafah નું સમર્થન કરી રહ્યુ હતુ. એ સમયે આલિયા ભટ્ટે ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટમાં લખ્યુ હતુ, “દરેક બાળક પ્રેમ, સલામતી, શાંતિ અને એક સુખમય જીવનનો હક્કદાર છે અને તે ગાઝામાં થઈ રહેલા હુમલાનો વિરોધ કરે છે. કરીના કપૂર ખાને લખ્યુ હતુ, “ગાઝામાં નિર્દોષ બાળકોની હત્યા બંધ થવી જોઈએ.” દિયા મિર્ઝાએ પણ All Eyes On Rafahના ગ્લોબલ ટ્રેન્ડનું સમર્થન કર્યુ હતુ. એ સહિત પ્રિયંકા ચોપડા,રિચા ચઢ્ઢા, ક્રિકેટર રોહિત શર્માની પત્ની રિતીકા સજદેહ, તૃપ્તિ ડિમરી, સમન્થા રૂથ પ્રભુ, રકુલ પ્રિત સિંહ, વરુણ ધવન, રશ્મિકા મંદાના, નોરા ફતેહી, ઝરીન ખાન, સોનમ કપૂર, કૃતિ ખરબંદા સહિત બોલિવુડના અનેક નાના-મોટા કલાકારોએ પેલેસ્ટાઈનના મુદ્દે All Eyes On Rafahના પિક્ચરની પોસ્ટ કરી હતી. અલઝઝીરાના રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયામાં 4 કરોડ 60 લાખ વાર All Eyes On Rafahની AI જનરેટેડ તસવીરને શેર કરવામાં આવી હતી.
બાંગ્લાદેશી ક્રિકેટર મામલે આજે શાહરૂખ ખાનને ટ્રોલ કરવામાં આવ્યો— એ જ શાહરૂખ ખાને 2014માં પેલેસ્ટાઈનના બાળકો માટે પ્રાર્થના કરી હતી અને લખ્યુ હતુ કે બાળકોની હત્યાથી કોઈ હલ ઉકેલ નહીં આવે. પરંતુ આજે લોકો એ પણ જોઈ રહ્યા છે કે તે બાંગ્લાદેશના મુદ્દે મૌન છે. અને આને જ તો સિલેક્ટીવ આઉટ્રેડ કહેવામાં આવે છે. પરંતુ કહેવાતા કિંગખાને બાંગ્લાદેશમાં હિંદુઓની થઈ રહેલી નૃસંશ હત્યા પર સંવેદનાનો એક શબ્દ પણ લખ્યો નથી.
