Ashes 2023 : બે ટેસ્ટમાં હાર બાદ ઈંગ્લેન્ડને વધુ એક ઝટકો, વાઇસ કેપ્ટન થયો સીરિઝથી બહાર
એશિઝ સીરિઝમાં ઈંગ્લેન્ડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. પહેલી બે ટેસ્ટમાં હાર અને હવે વાઇસ કેપ્ટનના સીરિઝમાંથી બહાર થવાથી ટીમનું એશિઝ જીતવાનું સપનું ચકનાચૂર થઈ શકે છે.
ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ એશિઝ સીરિઝની ત્રીજી ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની ટીમને મોટો ફટકો લાગ્યો છે. ટીમનો વાઇસ કેપ્ટન ઓલી પોપ ઇજાના કારણે એશિઝ સીરિઝની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. ICC અને England Cricketના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
ખભાની ઇજાના કારણે થયો બહાર
ઈંગ્લેન્ડની ટીમનો વાઇસ કેપ્ટન ઓલી પોપ ખભાની ઇજાના કારણે એશિઝ સીરિઝની આગામી મેચોમાંથી બહાર થઈ ગયો છે. આ પહેલા પણ બે વખત ઓલી પોપ ખભાની ઈજાના આક્રને બહાર થઈ ચૂક્યો છે. ગઇકાલે ઓલી પોપનું ચેકઅપ અને સ્કેન કરવામાં આવ્યું હતું જેમાં તેની ઈજા અંગે જાણ થઈ હતી. પોપ હવે આ સીરિઝમાં ટીમનો ભાગ નહીં હોય.
Gutted for you, @OPope32 😢
Get well soon 💪#Ashes | #ENGvAUS
— England Cricket (@englandcricket) July 4, 2023
પોપની સર્જરી કરવામાં આવશે
ઓલી પોપને ખભામાં મેજર ઇન્જરી થઈ છે, જેથી હવે તેની સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ તે ઈંગ્લેન્ડની મેડિકલ ટીમના માર્ગદર્શન હેઠળ રિકવરીની પ્રક્રિયા શરૂ કરશે. તેમના રિપોર્ટ બાદ જ પોપની વાપસી અંગે જાણકારી આપવામાં આવશે.
લોર્ડસ ટેસ્ટમાં થઈ હતી ઇજા
ઓલી પોપને લોર્ડસ ટેસ્ટના પહેલા દિવસે ઇજા થઈ હતી. ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ફિલ્ડિંગ દરમિયાન બોલ રોકવાના પ્રયાસ દરમિયાન તે ઇજાગ્રસ્ત થયો હતો. ઈજા છતાં તેણે મેચમાં પોતાનું યોગદાન આપ્યું હતું અને ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં મહત્વપૂર્ણ 42 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં તે માટ ત્રણ રન જ બનાવી શક્યો હતો.
🚨 JUST IN: England lose key batter to injury ahead of the third #Ashes Test!#WTC25 #ENGvAUShttps://t.co/IbQBcIzqJZ
— ICC (@ICC) July 4, 2023
બે ટેસ્ટની ચાર ઇનિંગમાં 90 રન બનાવ્યા
એશિઝ 2023માં પહેલી બંને ટેસ્ટમાં ઓલી પોપનું પ્રદર્શન સામાન્ય છતાં ઉપયોગી રહ્યું હતું. પોપે બે ટેસ્ટની ચાર ઇનિંગમાં 22.50ની એવરેજથી 90 રન બનાવ્યા હતા, જેમાં પહેલી ટેસ્ટની બે ઇનિંગમાં મળી 45 અને બીજી ટેસ્ટની બંને ઇનિંગમાં મળીને 45 રન બનાવ્યા હતા.
આ પણ વાંચોઃ Viral: ઘરમાં દીકરી સાથે ક્રિકેટ રમતો જોવા મળ્યો કેન વિલિયમ્સન, જુઓ Video
ઈંગ્લેન્ડ માટે જીત જરૂરી
એશિઝ 2023ની પહેલી બે ટેસ્ટમાં હાર સાથે ઈંગ્લેન્ડની ટીમ પર હવે આગામી મેચમાં જીત મેળવી સીરિઝમાં ટકી રહેવાનું દબાણ ગયું છે. ઈંગ્લેન્ડ સીરિઝમાં 0-2 થી પાછળ ચાલી રહ્યું છે. હજી સીરિઝમાં ત્રણ ટેસ્ટ મેચો બાકી છે અને ઈંગ્લેન્ડ પાસે સિરીઝ જીતવાનો પણ મોકો છે. પરંતુ તેના માટે તેમણે ત્રણેય મેચમાં જીત મેળવવી પડશે. આ પહેલા સીરિઝમાં ટકી રહેવા માટે તેમણે ત્રીજી ટેસ્ટમાં જીત મેળવવી જરૂરી છે.