ક્રિકેટના મેદાનમાં આ ખેલાડીઓએ ગુમાવ્યો પોતાનો જીવ, 1 ભારતીય પણ આ યાદીમાં સામેલ
ક્રિકેટના મેદાન પર અનેકવાર એવી ઘટનાઓ બની છે જેના કારણે કોઈ ખેલાડીએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. કેટલાક ખેલાડીઓને શરીરના ભાગે બોલ વાગવાથી તો કોઈનું ચાલુ મેચ દરમિયાન હાર્ટ એટેકના કારણે મોત થયું હતું.
ક્રિકેટની રમતમાં ઘણી વાર એવી ઘટનાઓ બનતી હોય છે જે ક્રિકેટ (cricket) અને તેની સાથે જોડાયેલ ખેલાડીઓ માટે દુઃસ્વપ્ન બની જતી હોય છે. જેમાં સૌથી આઘાતજનક ઘટના છે ક્રિકેટના મેદાનમાં ક્રિકેટરનું મૃત્યુ. આટલી બધી સુરક્ષા અને સુવિધા હોવા છતાં કેટલાક એવા ક્રિકેટરો છે જેમણે મેદાનમાં પોતાનો જીવ (death) ગુમાવ્યો હતો.
ઇજાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો
ક્રિકેટના મેદાનમાં ઈજા થવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. અનેકવાર નાની-મોટી ઈજાના કારણે ખેલાડીઓએ ચાલુ મેચ દરમિયાન મેદાન છોડવું પડતું હોય છે, તો ઘણીવાર ઇજાના કારણે ખેલાડીએ લાંબા સમય સુધી મેદાનથી દૂર રહેવું પડે છે. ઇજાના કારણે કેટલાક ખેલાડીઓનું કરિયર પણ સમાપ્ત થઈ ચૂક્યું છે તો અમુક ખેલાડીઓએ ઇજાના કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.
ભારતના રમણ લાંબાનું મોત
મેદાનમાં ઇજા બાદ પોતાનો જીવ ગુમાવનાર ખેલાડીઓની લિસ્ટમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ છે, જેમનું નામ રમણ લાંબા છે. ભારત માટે 32 ODI અને 4 ટેસ્ટ રમનાર રમણ લાંબાનું 20 ફેબ્રુઆરી 1998 ના રોજ બાંગ્લાદેશ સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે માથાના ભાગમાં બોલ વાગતા ઈજાને કારણે મૃત્યુ થયું હતું.
જન્મદિવસના ત્રણ દિવસ પહેલા ફિલિપ હ્યુજીસનું મોત
25 નવેમ્બર 2014ના રોજ સિડનીમાં એક મેચ દરમિયાન યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ફિલિપ હ્યુજીસને માથાના ભાગે બોલ વાગ્યો અને તે જમીન પર પડી ગયો હતો, જે બાદ તેણે તુરંત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફિલિપની ખોપરીમાં ફ્રેક્ચર થયું હતું અને મગજની નસ ફાટી ગઈ હતી. બે દિવસની સારવાર બાદ તેના 26મા જન્મદિવસના ત્રણ દિવસ પહેલા જ ફિલિપ હ્યુજીસનું મોત થયું હતું.
ઈંગ્લેન્ડના પાંચ ખેલાડીઓએ ગુમાવ્યો જીવ
ક્રિકેટના મેદાનમાં રમતી વખતે ઈંગ્લેન્ડના સૌથી વધુ પાંચ ખેલાડીઓનું મૃત્યુ થયું છે. જેમાં જૈસ્પર વિનાલ, જોર્જ સમર, એન્ડી ડકલ, વિલફ સ્લેક અને ઇયાન ફોલેનું નામ સામેલ છે.
પાકિસ્તાનના બે ખેલાડીઓનું થયું મોત
પાડોશી દેશ પાકિસ્તાનના બે ખેલાડીઓ અબ્દુલ અઝીઝ અને વસીમ રઝાનું પણ મેદાનમાં ઇજાના કારણે મોત થયું હતું. અબ્દુલ અઝીઝનું છાતીના ભાગમાં બોલ વાગવાથી મોત થયું હતું જ્યારે વસીમ રઝાનું 23 ઓગસ્ટ 2006ના મેચ દરમિયાન હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : INDA vs PAKA, Emerging Asia Cup 2023: હંગરગેકરે મચાવ્યો તરખાટ, ભારત સામે પાકિસ્તાન ઓલઆઉટ, 206 રનનુ આપ્યુ લક્ષ્ય
છેલ્લે વર્ષ 2015માં થયું ક્રિકેટરનું મોત
ક્રિકેટના મેદાનમાં છેલ્લે વર્ષ 2015માં નામીબિયન ક્રિકેટર રેમન્ડ વાન સ્કૂરનું મોત થયું હતું. ચાલુ મેચ દરમિયાન સ્ટ્રોક આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ પાંચ દિવસ બાદ 20 તેનું અવસાન થયું હતું. આ સિવાય દક્ષિણ આફ્રિકાના ડેરિન રેન્ડલનું બેટિંગ દરમિયાન બોલ વાગવાને કારણે મોત થયું હતું.