INDA vs PAKA, Emerging Asia Cup 2023: હંગરગેકરે મચાવ્યો તરખાટ, ભારત સામે પાકિસ્તાન ઓલઆઉટ, 206 રનનુ આપ્યુ લક્ષ્ય
Emerging Asia Cup 2023: કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાન-એ ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ હરીસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ.હંગરગેકરે પાંચ વિકેટ ઝડપી હતી.
ઇમર્જિંગ એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ રહી છે. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં આ મેચ રમાઈ રહી છે. પાકિસ્તાન-એ ક્રિકેટ ટીમના કેપ્ટન મોહમ્મદ હરીસે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. હંગરગેકરે પાકિસ્તાન સામે તરખાટ મચાવતી બોલિંગ કરી હતી. હંગારગેકરે પાકિસ્તાનની શરુઆત ખરાબ કરી દીધી હતી. હંગરગેકરે પાંચ વિકેટ ઝડપી હતી. પાકિસ્તાનની ટીમ 48 ઓવરની રમત રમીને 205 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી.
પાકિસ્તાન-એ ટીમે બેટિંગની શરુઆત ટોસ જીતીને કરતા 9 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. હંગારગેકરે ઓપનર સહિત શરુઆતની બંને વિકેટ ઝડપી લઈને પાકિસ્તાનની શરુઆત ખરાબ કરી દીધી હતી. 78 રનના સ્કોર પર જ પાકિસ્તાનની અડધી ટીમ ભારતીય બોલરો સામે પેવેલિયન પરત ફરી હતી. હંગરગેકરે 8 ઓવર કરીને 5 વિકેટ પોતાના નામે કરી હતી.
ભારતીય બોલરોએ દેખાડ્યો દમ
ભારત-એ ટીમના બોલરોએ શાનદાર બોલિંગ શરુઆતથી કરી હતી. ઓપનર સઈમ ઐયુબે 11 બોલનો સામનો કર્યો હતો. પરંતુ ભારતીય બોલર સામે તે એક પણ રન નોંધાવી શક્યો નહોતો. તે હંગારગેકરનો શિકાર થયો હતો અને ધ્રુવ જૂરેલના હાથમાં કેચ ઝડપાયો હતો. જે વખતે પાકિસ્તાનનો સ્કોર 9 રન હતો. ઈનીંગની ચોથી ઓવરમાં પ્રથમ વિકેટ બીજા બોલ પર ઝડપ્યા બાદ, ઓવરના અંતિમ બોલ પર ઓમર યુસુફનો શિકાર કર્યો હતો. યુસુફ પણ 4 બોલનો સામનો કરીને શૂન્ય રનમાં જ પરત ફર્યો હતો. પાકિસ્તાનનો બીજો ઓપનર શાહિબજાદા ફરહાને 35 રન નોંધાવ્યા હતા. જેને રિયાન પરાગે પોતાનો શિકાર બનાવ્યો હતો.
હસીબુલ્લાહ ખાન 27 રન નોંધાવીને પરત ફર્યો હતો. જેને માનવ સુથારે બોલ્ડ કર્યો હતો. માનવ સુથારે કામરાન ગુલામને ધ્રુવ જૂરેલના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ગુલામ 15 રન નોંધાવીને પરત ફર્યો હતો. સુકાની મોહમ્મદ હરીસ 14 રન નોંધાવીને સુથારનો શિકાર થયો હતો. યશ ઢૂલે તેનો કેચ ઝડપ્યો હતો. મુબાસીર ખાનને નિશાંત સંધૂએ લેગ બિફોર કર્યો હતો. તેણે 28 રન નોંધાવ્યા હતા. આમ પાકિસ્તાનની ટીમ પુરી 50 ઓવર રમ્યા પહેલા જ ઓલ આઉટ થઈને પરત ફરી હતી. 205 રન નોંધાવીને ટીમ સમેટાઈ ગઈ હતી.