Shani Panoti 2022: આ ત્રણ રાશિ શનિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ, જાણો શનિ પનોતી છતા કોને લાભ થવાના યોગ
Shani Panoti 2022: જેમની કુંડળી અનુસાર શનિ (Shani Maharaj) અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી (Shani Panoti) દરમિયાન વધુ તકલીફ કે પીડા આપે છે પરંતુ જેમની કુંડળીમાં શનિ યોગકારક કે શુભ બનતો હોય તેમને પનોતીમાં પણ આજ શનિ પ્રગતિ કરાવે છે

લેખક- જ્યોતિષી- ચેતન પટેલ
Shani Panoti 2022: વિક્રમ સંવત 2078 ચૈત્ર વદ ચૌદશ શુક્રવાર તારીખ. 29-04-2022 ને સવારે 7-54 મિનિટે શનિદેવ મકર રાશિ છોડી કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 30 મહિના એટલે કે અઢી વર્ષ માટે કુંભ રાશિમાં ભ્રમણ શરૂ કરશે તે જ સમયે ચંદ્ર મીનનો હોવાથી નાની મોટી પનોતી (Nani-Moti Panoti) અને તેના પાયા નીચે મુજબ રહેશે. ઘણા લોકોના દિલમાં આ સવાલ હશે કે કોને પનોતી આવશે અને કોને ઉતરશે, કઈ રાશિનાં લોકોને હવે રાહત થશે. તો આ બધાનો જવાબ તમને આ લેખમાં મળી રહેશે.
ત્રણ રાશિના રોકાયેલા કાર્યો પૂર્ણ થશે
આ ત્રણ રાશિઓ જેવીકે મિથુન અને તુલા રાશિ અઢી વર્ષની નાની પનોતીમાંથી મુક્ત થશે તેમજ ધન રાશિ સાડા સાતી પનોતીમાંથી મુક્ત થશે અને તેની સાથે શનિ પીડા અને બંધનોમાંથી મુક્ત થઇ રાહત અનુભવશે રોકાયેલા કાર્યો પૂર્ણ થવા લાગશે.જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિને કાર્ય અને સફળતા ના દેવતા ગણેલ છે પનોતી દરમિયાન શનિ દેવ તમામ વ્યક્તિને પોતાના કાર્યો અનુસાર સારું-નરસું ફળ આપે છે શાસ્ત્ર માં અનેક લોકો ને શનિના પરચા મળ્યા હોય તેમાં રાજા વીર વિક્રમાદિત્ય ,રાજા હરિશ્ચંદ્ર અને લંકા પતિ રાવણ પણ શનિ મહારાજના પ્રકોપથી બચી શક્યા નથી
શનિ જાતકને પનોતી સમય દરમિયાન દંડ કે લાભ આપે છે
મુખ્યત્વે પનોતી જેઓને પણ અશુભ બનતી હોય તેમને શનિની પીડા કષ્ટ અને માર સહન કરવાનું આવે છે ,જેમાં મુખ્યત્વે ધન નાશ દેવું કર્જ ઘર-પરિવારમાં ક્લેશ, લગ્ન વિલંબ કે લગ્નજીવનમાં સમસ્યા, ભાઈભાંડુ વચ્ચે ઘર્ષણ વેપાર ધંધા નોકરી મા રુકાવટ કે નુકસાન બાપદાદાની જમીન જાગીર પ્રોપર્ટીમાં કોર્ટ કચેરી કે બંધનો આવે અચાનક સોદા રોકાઈ જાય કે ટુટી જાય , શારીરિક રીતે વાયુને લગતા રોગો જેવા કે પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ,જોઈન્ટ પ્રોબ્લેમ, વા અન્ય માનસિક રોગો જેવી બાબતો પણ સંભવી શકે માટે જેમની કુંડળી અનુસાર શનિ અશુભ બનતો હોય કે શત્રુ ક્ષેત્રી હોય તેમને પનોતી દરમિયાન વધુ તકલીફ કે પીડા આપે છે પરંતુ જેમની કુંડળીમાં શનિ યોગકારક કે શુભ બનતો હોય તેમને પનોતીમાં પણ આજ શનિ પ્રગતિ કરાવે છે
પાંચમાંથી ચાર રાશિને પનોતી છતાં આર્થિકલાભ થઈ શકે તેવા યોગ
અઢી વર્ષની નાની પનોતી
કર્ક રાશિ : શનિ આઠમો થતા અઢી વર્ષની નાની પનોતી રૂપા ના પાયે શરૂ થશે જે નાની મોટી તકો અને નાના મોટા આર્થિક લાભ અપાવે પરંતુ માનસિક અને શારીરિક સમસ્યા પણ કરી શકે
વૃશ્ચિક રાશિ: શનિ ચોથો થતાં અઢી વર્ષની નાની પનોતી રૂપાના પાયે શરૂ થતી હોવાથી વેપાર-ધંધા નોકરીમાં લાભ થાય પરંતું શારીરિક અને માનસિક તકલીફો રૂકાવટ કે બંધન પણ આવી શકે
સાડા સાતી મોટી પનોતી
મકર રાશિ: શનિ બીજો થતાં સાડાસાતી પનોતીનો છેલ્લો અને અંતિમ ત્રીજો અઢી વર્ષનો તબક્કો તાંબા ના પાયે શરૂ થશે વેપાર ધંધા નોકરી અને આર્થિક બાબતોના લાભ મળે પરંતુ શારીરિક અને માનસિક ચિંતા રહ્યા કરે વધુ મહેનત પરિશ્રમ એ ફળ મળતું જણાય
કુંભ રાશિ: શનિ પહેલા ભાવે શરૂ આવતા સાડાસાતી પનોતીનો બીજો તબક્કો રૂપાના પાયે પસાર થશે જેથી વેપાર ધંધા નોકરી કે અન્ય આર્થિક કાર્યોમાં બંધનો રુકાવટો નહિરહે મોટા નુકશાન નહિ થઈ શકે પરંતુ માનસિક શારીરિક અને આર્થિક સંકટ તકલીફો અને ચિંતા ઉભી થાય , ઘર માં વાદવિવાદ ઘર્ષણ કે વિખવાદ થાય
મીન રાશિ : શનિ બારમા ભાવે ભ્રમણ શરૂ કરતા સાડાસાતી પનોતી નો પ્રથમ તબક્કો સોનાના પાયે પસાર થતો હોવાથી કષ્ટદાયક તમામ બાબતોમાં રહે જેવીકે ધંધામાં તકલીફ નોકરીમાં રુકાવટ અને આર્થિક સંકટ કે આકસ્મિક ખર્ચા કે અણધાર્યા નુકસાન આવી શકે તેમજ શારીરિક માનસિક ચિંતા અને બેચેની આપે
જે રાશિના જાતકો ને શનિની પનોતી શરૂ થતી હોય તેમણે અને જેને શનિની પીડા કષ્ટ અને માર નો અનુભવ થતો હોય તેમણે અચૂક શનિ પીડા કષ્ટ નિવારણ કરવું જોઈએ કેમકે શનિદેવ તમામ કાર્ય ને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્યથી ખુશ થઈ રાહત આપે છે અને જેથી પીડા કે નુકસાની માંથી બચી શકાય છે. જે પ્રકારે શનિ પનોતી વાળી કર્ક વૃશ્ચિક તેમજ મકર કુંભ અને મીન રાશિઓ માટે અશુભ બને છે તેમને તથા જેને ઉપરોક્ત શનિની પીડાના કષ્ટો અનુભવ માં આવતા હોય તેમણે ઉપાયો કરવા જોઈએ,
શનિ પનોતીની પીડામાંથી મુક્તિનાં ઉપાય
આ અંગે વધુમાં જ્યોતિષી ચેતનભાઇ એ જણાવ્યું કે શનિમહારાજને અવગણ્યા. વગર શ્રઘ્ધાથી શનિ પીડા કષ્ટ નિવારણ ના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પીડામાંથી મુક્તિ અને રાહત મેળવી શકાય છે
સૌથી પ્રથમ શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય, સંધ્યા સમયે કે રાત્રે સુતા પહેલા એક ત્રણ કે સાત હનુમાન ચાલીસા કરવા
- નિલાંજનમ્ સમાભાસમ રવિ પુત્ર યમાગ્રજમ છાયા માર્તન્ડ સંભૂતમ્ તમ નમામિ શનૈશ્વરમ!!(પીડા નિવારણ ની પ્રાર્થના સાથે ૧ માળા કરવી)
- ॐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ રોજ નિયમિત એક માળા કરવી
- શનિ યંત્ર પ્રતિષ્ઠા કરી ઉપાસના કરવી
- શનિવારે હનુમાનજી અને શનિદેવને તેલ સિંદુર કે અડદ કે કાળા તલ અર્પણ કરવા
- શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું
- પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાનું ગરીબોને દાન કરવું
- ગરીબોને કાળા કામળા તેમજ લોખંડના વાસણોનું દાન કરવું
- કાળા અડદ કાળા તલ કે તલના તેલનું દાન કરવું
- બ્રાહ્મણોને ભોજન કે અનાજનું યથાશક્તિ દાન કરવું
- પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પુરતું વળતર આપવુ મજુર ના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ આપો
- ગરીબ જરૂરિયાત વાળા લોકો કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું
- કાગડાઓને ભોજન કરાવવું
- સામાન્ય ગરીબ લોકો ને લાભ થાય તેવા કાર્યો કરવા
- જાહેર જન સમુહ નું અહિત થાય તેવા કાર્યો થી બચવું
નોંધ- આ લેખ જાણીતા જ્યોતિષી ચેતન પટેલ દ્વારા તેમના અનુભવ અને રીસર્ચ કરીને લખવામાં આવ્યો છે. લેખનાં આધારે વાચકોને માર્ગદર્શન મળી રહે તે જ મુખ્ય હેતુ છે. આ લેખ સાથે ટીવી 9 સંપૂર્ણ પણે સંમત થાય જ છે તેમ માનવુ નહી.