સંસદમાં હંગામો કરવા બદલ સત્તાવાર ફરિયાદ નોંધાઈ, તપાસ માટે સમિતિની રચના કરાશે: સૂત્રો
ગુરુવારે, ઉપલા ગૃહમાં વિપક્ષી સાંસદો અને માર્શલો વચ્ચે થયેલા હંગામાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વિડીયો ફૂટેજમાં વિપક્ષના સાંસદોને સ્પીકરના પોડિયમ પાસે આવતા અટકાવવા માર્શલોને માનવ ઢાલ બનાવતા જોઇ શકાય છે.
વિવિધ મુદ્દાઓ પર વિપક્ષી પાર્ટીઓ દ્વારા કરવામાં આવેલી ધમાલને કારણે સંસદ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આ ઘટનાના થોડાં દિવસો બાદ હવે સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને નક્કી કરવામાં આવ્યું છે કે, આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં સમાપ્ત થયેલા ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હંગામો મચાવનારા સાંસદો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજ્યસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે એક સમિતિની રચના કરવામાં આવશે અને ચર્ચા બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.ગૃહમાં વિપક્ષી સાંસદોના હંગામાને લઈને ભાજપના વરિષ્ઠ મંત્રીઓ રવિવારે દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને મળ્યા હતા.
આ બેઠક માટે કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, અર્જુન રામ મેઘવાલ, મુખ્તાર અબ્બાસ નકવી અને ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યસભામાં ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સહીતના નેતાઓ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુના ઘરે પહોંચ્યા હતા.
રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ શુક્રવારે કહ્યું કે ગૃહમાં વિપક્ષ અને ટ્રેઝરી બેન્ચ તેમની બે આંખો સમાન છે. નાયડુએ સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ મીડિયા કર્મચારીઓના નાના જૂથ સાથે અનૌપચારિક વાતચીત દરમિયાન આ વાત કરી હતી.
ગૃહની શાંતિપૂર્ણ કાર્યવાહી બંને પક્ષોની સામૂહિક જવાબદારી
અધ્યક્ષે કહ્યું કે બંને આંખોથી જ યોગ્ય દ્રષ્ટિ શક્ય બને છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ બંને પક્ષોને સમાન સન્માન આપે છે અને ગૃહની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થાય એ જોવું બંને પક્ષોની સામૂહિક જવાબદારી છે.
ગુરુવારે, ઉપલા ગૃહમાં વિપક્ષી સાંસદો અને માર્શલો વચ્ચે થયેલી ધમાલના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ વિડીયો ફૂટેજમાં વિપક્ષના સાંસદોને સ્પીકરના પોડિયમ પાસે આવતા અટકાવવા માર્શલો માનવ ઢાલ બનાવી રહ્યા છે તે સ્પષ્ટપણે જોઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, આ ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે વિવિધ મુદ્દે જેવાં કે પેગાસસ જાસુસીનો મુદ્દો, કૃષિ કાયદાનો મુદ્દો, તેમજ બીજાં પણ ઘણાં મુદ્દા પર સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા અને તેના કારણે સંસદમાં ભારે હંગામો થયો હતો અને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Corona Vaccination : રાજ્યો પાસે કોરોના વેક્સિનના 56 કરોડથી પણ વધારે ડોઝ, આરોગ્ય મંત્રાલયે આપી જાણકારી
આ પણ વાંચો : સ્વતંત્રતા દિવસ પર Shilpa Shetty એ કહી દિલની વાત, કહ્યું- તમામ ભારતવાસિયોને શુભેચ્છા