
દેશના તમામ રાજ્યોની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પોલીસ વિભાગમાં ઘણી મહત્વપૂર્ણ પોસ્ટ હોય છે, જેમાં SP અને DCP પણ મહત્વપૂર્ણ પોસ્ટમાં સામેલ છે. પણ શું તમે જાણો છો કે SP અને DCP વચ્ચે શું તફાવત છે ?

પોલીસ દળમાં ઘણા અધિકારીઓ હોય છે, જેમાં ત્રણ મહત્વપૂર્ણ પદો SSP, SP અને DCP છે. સૌ પ્રથમ આ પોસ્ટનું ફૂલફોર્મ શું થાય છે, તે જાણી લઈએ. તમને જણાવી દઈએ કે SSP એટલે સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, SP એટલે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, જ્યારે DCPને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તરીકે ઓળખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે દેશના ઘણા મોટા શહેરો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પોલીસ કમિશનર સિસ્ટમ સ્થાપિત થઈ ગઈ છે. જે અંતર્ગત મેટ્રોપોલિટન શહેર અથવા જિલ્લાને અલગ અલગ પોલીસ જિલ્લાઓમાં વિભાજિત કરવામાં આવે છે અને ત્યાં પોલીસ વડા તરીકે DCPની નિમણૂક કરવામાં આવે છે. DCP પોલીસ કમિશનરને રિપોર્ટ કરે છે અને તે રાજ્યના DGPને રિપોર્ટ કરે છે.

પોલીસ તંત્રમાં, મોટાભાગના જિલ્લાઓમાં જિલ્લા પોલીસની કમાન SSP અથવા SP ના હાથમાં હોય છે. જે જિલ્લાના સૌથી ઉચ્ચ પોલીસ અધિકારી છે. જો કે, SSP અને SP વચ્ચે કોઈ ફરક નથી, તે બંને IPS છે.

મોટા જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SSP કહેવામાં આવે છે. જ્યારે નાના જિલ્લામાં તૈનાત પોલીસ અધિકારીને SP કહેવામાં આવે છે. પરંતુ બંને હોદ્દા ધરાવતા અધિકારીઓનું કામ અને સત્તા સમાન છે.

SSP, SP અને DCPને સમાન સુવિધાઓ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે જિલ્લામાં આ અધિકારીઓ પોસ્ટેડ હોય છે, ત્યાં તેમને સરકારી બંગલો, ડ્રાઇવર સાથેની સરકારી ગાડી, ગાર્ડ, સુરક્ષા કર્મચારીઓ વગેરે જેવી બધી સુવિધાઓ મળે છે. આ ઉપરાંત સરકારી ભથ્થું અલગથી આપવામાં આવે છે.