લિફ્ટ સેફ્ટી: લિફ્ટ વચ્ચે અટકી ગઈ છે ? તો આ કામ ક્યારેય ન કરતા, નહીંતર મુસીબત વધશે !
ક્યારેય લિફ્ટમાં ફસાઈ ગયા છો? શું તમે જાણો છો કે તમે રોજ જે લિફ્ટ વાપરો છો, તેમાં એક ભૂલ તમારા જીવ માટે જોખમી બની શકે છે? જાણી લો લિફ્ટમાં ફસાતી વખતે શું કરવું અને શું ન કરવું.

લિફ્ટ અચાનક બંધ થઈ જાય ત્યારે મોટાભાગના લોકો ગભરાઈને બુમાબુમ કરે છે અથવા દરવાજો તોડવાનો પ્રયાસ કરે છે. યાદ રાખો, લિફ્ટમાં ફસાઓ ત્યારે ગભરાવું એ જ તમારી સૌથી મોટી ભૂલ છે. ગભરાવાને બદલે શાંત રહો અને લિફ્ટમાં આપેલા ઈમરજન્સી બટન અથવા એલાર્મનો ઉપયોગ કરો.

ઘણીવાર આપણે ઉતાવળમાં લિફ્ટમાં પ્રવેશીએ છીએ, પરંતુ લિફ્ટ અને ફ્લોર વચ્ચે રહેલો નાનો ગેપ (ખાલી જગ્યા) ગંભીર અકસ્માત નોતરી શકે છે. લિફ્ટમાં પગ મુકતા પહેલા હંમેશા નીચે જુઓ, કારણ કે એક નાનકડી લપસણ તમને મોટી ઈજા પહોંચાડી શકે છે.

લિફ્ટને રોકવા માટે હાથ કે પગ વચ્ચે મૂકવાની આદત આજે જ છોડી દો. લોકો માને છે કે સેન્સર કામ કરશે જ, પણ ટેકનિકલ ખામીને કારણે સેન્સર ફેલ થઈ શકે છે. દરવાજો બંધ થતો હોય ત્યારે તેને હાથથી રોકવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.

લિફ્ટમાં બેગ, કપડાં કે પાલતુ પ્રાણીઓની દોરી દરવાજામાં ફસાઈ જવી સામાન્ય છે, પણ તે જીવલેણ સાબિત થઈ શકે છે. લિફ્ટમાં પ્રવેશતી વખતે અને નીકળતી વખતે તમારા સામાનને તમારી સાથે સુરક્ષિત રીતે રાખો, જેથી તે દરવાજામાં ન ફસાય.

જો ઇમારતમાં આગ લાગે, તો ભૂલથી પણ લિફ્ટનો ઉપયોગ ન કરો. આગ દરમિયાન વીજળી કપાઈ શકે છે અથવા સિસ્ટમ ફેલ થઈ શકે છે, જેનાથી તમે લિફ્ટમાં જ ફસાઈ શકો છો. ઈમરજન્સીમાં હંમેશા સીડીઓનો જ ઉપયોગ કરવો જોઈએ.

લિફ્ટના કંટ્રોલ પેનલ પર હંમેશા એક લાલ કે અલગ રંગનું 'સેફ્ટી' અથવા 'એલાર્મ' બટન હોય છે. ગભરાટમાં ઘણા લોકો આ શોધવાનું ભૂલી જાય છે. યાદ રાખો, આ બટન દબાવવાથી ઈમારતના સિક્યોરિટી રૂમ કે મેઈન કંટ્રોલ પેનલમાં એલાર્મ વાગે છે.

જો લિફ્ટમાં ઇન્ટરકોમ (Intercom) સુવિધા હોય, તો સૌથી પહેલા તેનો ઉપયોગ કરો. ઘણીવાર લોકો બૂમો પાડીને ઉર્જા બગાડે છે, જે ગૂંગળામણનું કારણ બની શકે છે. શાંતિથી ઇન્ટરકોમ દ્વારા સિક્યોરિટીને તમારી સ્થિતિ જણાવો.
Investment Guide 2026 : ઈક્વિટી, ગોલ્ડ, FD કે મ્યુચ્યુઅલ ફંડ ? જાણો વર્ષ 2026 માં કયો વિકલ્પ તમને બનાવી શકે છે માલામાલ!, વાંચવા માટે અહીં ક્લિક કરો
