તવાંગના યાંગત્સેને જ કેમ ચીને બનાવ્યું નિશાન ? ભારતીય સૈન્યને કેમ હટાવવા માગે છે ડ્રેગન ?
અરુણાચલ પ્રદેશના તવાંગ સેકટરમાં ચીન કરતા ભારતના સૈન્યનુ પ્રભુત્વ છે. જ્યારે પણ ચીનના સૈનિકોએ, આ ક્ષેત્રમાં ધૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ભારતીય સૈન્યે તેમને બળપૂર્વક ખદેડી મૂક્યા છે.

અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં આવેલ યાંગત્સેમાં 17 હજાર ફૂટની ઉંચાઈએ આવેલ ભારતીય સેનાની ચેકપોસ્ટને ચીન હટાવવા માંગે છે. જેના કારણે ચીનના સૈન્યે, ગત 9 અને 11 ડિસેમ્બરના રોજ યાંગત્સે ક્ષેત્રમાં ધૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કોઈ પણ સ્થિતિને પહોચી વળવા સક્ષમ ભારતીય સૈન્યે, ચીનના સૈનિકોને બળપૂર્વક પાછા ધકેલ્યા હતા. આ ઘટના બાદ ફરી એકવાર ભારત અને ચીન વચ્ચે સરહદે તણાવ વધી ગયો છે.
લદ્દાખમાં ગલવાન ખીણમાં, ભારત અને ચીનના સૈન્ય જવાનો વચ્ચે થયેલ ઘર્ષણ બાદ સર્જાયેલ સ્થિતિને થાળે પાડવા માટે બન્ને દેશના સૈન્ય અધિકારીઓ વચ્ચે 13મા રાઉન્ડની સૈન્ય વાટાઘાટો થવાની હતી. તે સમયે જ ચીન દ્વારા ફરી એકવાર યાંગત્સેમાં ઘર્ષણ સર્જવાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં ભારતીય સૈન્યે ચીનના પિપલ્સ લિબરેશન આર્મી (PLA)ને તેમની સરહદમાં પાછળ ધકેલ્યું છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ગત ઓક્ટોબરમાં પણ ચીનના સૈનિકોએ, યાંગત્સે ખાતે મોટી સંખ્યામાં પહોંચીને ભારતીય સરહદમાં ધૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એ સમયે પણ ભારતના બહાદુર સૈનિકોએ ચીનના સૈન્ય જવાનોને બળપૂર્વક પાછળ ધકેલી દીધા હતા. આ દરમિયાન બન્ને દેશના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. બન્ને દેશના સૈન્ય અધિકારીઓએ દરમિયાનગીરી કરીને મામલો એ સમયે શાંત પાડ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અરુણાચલ પ્રદેશમાં વિવિધ વિકાસકાર્યોનુ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું ત્યારે પણ ચીન દ્વારા અરુણાચલ પ્રદેશને વિવાદિત ગણાવીને ભારે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ચીને એ સમયે કહ્યું હતું કે, અરુણાચલ પ્રદેશમાં કોઈ પણ પ્રકારની કામગીરીથી બન્ને દેશ વચ્ચે તણાવ વધી શકે છે. જો કે ભારતે ભારપૂર્વક કહ્યું હતું કે અરુણાચલ પ્રદેશ એ ભારતનો અવિભાજ્ય ભાગ છે. તેને લઈને વિવાદને કોઈ સ્થાન નથી.
અરુણાચલ પ્રદેશની ભૌગોલીક સ્થિતિમાં આપણી સરહદમા ઊચા પર્વતીય વિસ્તારો આવેલ છે. જેના કારણે આ ક્ષેત્રમાં ચીનની સરખામણીએ ભારતનુ વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. પર્વતીય ઊચાઈ ઉપર આવેલ ભારતીય સૈન્યની પોસ્ટ ઉપરથી ચીનના સૈન્યની તમામ હિલચાલ ઉપર ભારતની નજર રહી શકે છે. આ સ્થિતિને પલટાવવા માટે ચીન દ્વારા અવારનવાર આ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવામા આવે છે પરંતુ ભારતના જવાનો ચીનના સૈનિકોને પાછા તેમની સરહદમાં ધકેલી દે છે.
ભારત અને ચીન વચ્ચે આવેલ આંતરરાષ્ટ્રીય સરહદને, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) અથવા તો મેકમોહન લાઈન કહેવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે આવેલ વાસ્તવિક નિયંત્રણ રેખાની લંબાઈ આશરે 3488 કિમી છે. સમગ્ર નિયંત્રણ રેખા ઉપર આશરે 25 એવા પોઈન્ટ છે જેને ચીન વિવાદાસ્પદ ગણાવે છે. જે પૈકી યાંગત્સેનો પોઈન્ટ એક છે. ચીન શરૂઆતથી જ વાસ્તવિક નિયંત્રણ રેખાને માનતુ નથી એના કારણે જ બંને દેશો વચ્ચે 1962માં યુદ્ધ થયું હતું.
વિસ્તારવાદમાં માનતા ચીને 1951માં તીબેટ ઉપર બળજબરીથી કબજો કરી લીધો હતો. ત્યાર બાદ લદ્દાખની 38 હજાર ચોરસ કિલોમીટર જમીન ઉપર ચીનનો ડોળો પડ્યો હતો. અને તેને બળપૂર્વક કબજો કરી લીધો હતો. જેને અકસાઈ ચીન તરીકે ઓળખવામાં આવે છે. ભારત આ ક્ષેત્રને પોતાનું ગણીને અકસાઈ ચીનને ગેરકાયદે ગણાવે છે. ભારતના આ વિરોધને ખાળવા માટે ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ ગણાવીને વિવાદાસ્પદ લેખાવે છે. જો કે અરુણાચલ પ્રદેશ શરૂઆતથી જ ભારતનો એક ભાગ રહ્યું છે. અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ અરુણાચલ પ્રદેશને ભારતનો જ ભાગ ગણવામાં આવી રહ્યો છે.
ચીન અરુણાચલ પ્રદેશના ઉત્તરીય ભાગમાં આવેલ તવાંગ પર શરૂઆતથી જ દાવો કરતું આવ્યું છે. આ ક્ષેત્રમાં સૌથી મોટું બૌદ્ધ મંદિર પણ આવેલું છે. ફરી એકવાર યાંગત્સે અને તવાંગ ક્ષેત્રમાં ધૂસણખોરી કરીને ચીને અરુણાચલ પ્રદેશનો વિવાદ સર્જવાનો કુટિલ પ્રયાસ કર્યો છે.
ચીન તવાંગ સહીત અરુણાચલ પ્રદેશ ઉપર પોતાનો કબજો કરવા માંગે છે. પરંતુ યાંગત્સેમાં રાત દિવસ સજાગ રહેતી ભારતીય સેના, ચીનની આ યોજનાને કોઈ પણ ભોગે સફળ થવા દેતી નથી. એટલા માટે ચીન ઈચ્છે છે કે ભારતીય સૈનિકોને યાંગત્સેથી પાછા ધકેલવામાં આવે.