ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી શું છે ? જાણો BJP સૌથી મોટા નિર્ણયો કેવી રીતે લે છે ?
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક આજે સોમવારથી નવી દિલ્લીના NDMC સેન્ટરમાં શરૂ થઈ છે. બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકનો મુખ્ય એજન્ડા 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની સાથેસાથે 2023માં યોજાનાર રાજ્યોની વિધાનસભા ચૂંટણી પણ હશે.
ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ દિલ્લીમાં એકઠા થયા છે. અવસર છે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો. દિલ્લીના એનડીએમસી ભવનમાં સોમવારથી શરૂ થયેલી બેઠકમાં ભાજપ આગળની રણનીતિ નક્કી કરશે. આ મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે. આ સાથે ચૂંટણી માટે પાર્ટીની રણનીતિ પણ ચર્ચાના આધારે ઘડવામાં આવશે. રાષ્ટ્રીય કાર્યકારિણી ભાજપની સર્વોચ્ચ બેઠક છે. આ બેઠકમાં તમામ મોટા નિર્ણયો લેવામાં આવે છે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો ભાજપની રાજકીય દિશા નક્કી કરે છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી શું છે?
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પક્ષનુ સર્વોચ્ચ એકમ છે. તેમાં કુલ 80 સભ્યો છે. આ સિવાય 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 કાયમી આમંત્રિત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ એક એવી બેઠક હોય છે, કે રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય કાર્યકારિણીની સંમતિ લીધા પછી જ નિર્ણયો લેવાના હોય છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યો કોણ છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત પાર્ટી શાસિત રાજ્યોના 12 મુખ્ય પ્રધાન અને પાંચ નાયબ મુખ્ય પ્રધાન, 35 કેન્દ્રીય પ્રધાન, 17 રાજ્ય સ્થિત પાર્ટીના નેતાઓ, લગભગ 350 નેતાઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેશે. ભાજપની સત્તાવાર વેબસાઇટ પર રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્યોની યાદી જાહેર કરાયેલ છે. આ યાદી મુજબ, ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં સમાવિષ્ટ અગ્રણી સભ્યો નીચે મુજબ છે.
નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, ડૉ મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, વિશાલ જોલી, કન્ના લક્ષ્મીનારાયણ, કિરેન રિજિજુ, બિજોયા ચક્રવર્તી, રવિશંકર પ્રસાદ, ગિરિરાજ સિંહ, ભાગીરથી દેવી, નિત્યાનંદ રાય, સરોજ પાંડે, અજય ચંદ્રાકર, લતા યુસેન્ડી, ડૉ.હર્ષવર્ધન, ડૉ સુબ્રહ્મણ્યમ, જયશંકર, મીનાક્ષી લેખી, રમેશ બિધુરી, મનોજ તિવારી, શ્રીપદ યેસો નાઈક, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, ભૂપેન્દ્ર યાદવ, કૃષ્ણ પાલ ગુર્જર, સુનીતા દુગ્ગલ, અનુરાગ ઠાકુર, જીતેન્દ્ર સિંહ, પ્રહલાદ જોષી, નિર્મલા સીતારામન, વી મુરલીધરન, કુમ્માનમ રાજશેખરન, નરેન્દ્ર સિંહ તોમર, જ્યોતિરાદિત્ય સિંધિયા, નરોત્તમ મિશ્રા, પ્રકાશ જાવડેકર, ડૉ. વિનય સહસ્રબુદ્ધે, ચિત્રા કિશોર વાળાનો સમાવેશ થાય છે.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી કેટલી શક્તિશાળી છે ?
ભાજપમાં લેવાયેલા દરેક મોટા નિર્ણયો રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં મંજૂર થયેલા હોય છે. રાષ્ટ્રીય કાર્યકારિણી પાસે પક્ષ પ્રમુખને હટાવવાની સત્તા છે. ભાજપના બંધારણમાં સુધારો કરવાનો અધિકાર પણ રાષ્ટ્રીય કાર્યકારિણીને જ આપવામાં આવ્યો છે. પાર્ટી માટે નવા નિયમો ઘડવાની જવાબદારી પણ રાષ્ટ્રીય કાર્યકારિણીની હોય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકોમાં સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવે છે. જો મતભેદ થાય તો મતદાન પણ થાય છે. ભાજપના બંધારણ મુજબ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક વર્ષમાં ઓછામાં ઓછી ત્રણ વખત મળવી જરૂરી છે. પાર્ટીની નીતિ પણ રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા થાય છે.
રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હી બેઠકમાં શું થશે ?
રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનુ મુખ્ય લક્ષ્ય 2024ની લોકસભા ચૂંટણી પર રહેશે. તો સાથોસાથ 2023માં યોજાનાર વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ કાર્યક્રમ અને રણનીતિ ઘડવામાં આવશે. લોકસભાની ચૂંટણી પૂર્વે કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજનાર છે. તેમના વિશે પણ ચર્ચા થશે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ રવિવારે કહ્યું કે, રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં રાજકીય, આર્થિક અને સામાજિક ઠરાવો પસાર કરવામાં આવશે. સોમવારે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાના સંબોધન સાથે બેઠક શરૂ થશે. અને મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે.