Hijab Controversy: હિજાબ વિવાદ મામલાની વચ્ચે શાળામાં નમાજ અદા કરવાનો વીડિયો થયો વાયરલ
એક બાજુ કર્ણાટકમાં હિજાબ પહેરીને કલાસરૂમમાં પ્રવેશ ના આપતા વિવાદ સર્જાયો છે. જેના પડઘા ફક્ત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ પડયા છે. આ વચ્ચે એક વિડીયો હાલ વાયરલ થઇ રહ્યો છે.
આ દિવસોમાં ‘હિજાબ’ને (Hijab) લઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. આ મામલે રાજકીય વ્યક્તિઓ અને ઘણી સેલિબ્રિટી પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. આ વચ્ચે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે કર્ણાટકનો વીડિયો હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ ડેવલપમેન્ટ એન્ડ મોનિટરિંગ કમિટી આરોપ લગાવી રહી છે કે હિજાબ વિવાદ વચ્ચે પણ અહીં નમાજ અદા કરવામાં આવે છે. આ વીડિયો કડપા તાલુકા અંકુટ્ટક્કડ સરકારી શાળાનો હોવાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ અઠવાડિયાથી નમાઝ અદા કરી રહ્યા છે.
જો સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો કોલેજની છ વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે હિજાબ પહેરવા બદલ તેમને ક્લાસમાં પ્રવેશ ન આપવામાં આવ્યો હતો. આ પછી બેલગામના રામાદુર્ગ મહાવિદ્યાલય અને હસન, ચિકમગલુર અને શિવમોગામાં શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ હિજાબ અને કેસરી શાલ પહેરીને સૂત્રોચ્ચાર કર્યા. આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જે બાદ હાઈકોર્ટે નિર્ણય ન આવે ત્યાં સુધી શાળા અને કોલેજોમાં હિજાબ કે અન્ય કોઈ ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હાઈકોર્ટે વિદ્યાર્થિનીઓને કહ્યું કે જ્યાં સુધી આ વિવાદનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં આવા કપડા ન પહેરવા જોઈએ.
વિવાદની ગંભીરતાને જોતા કર્ણાટક સરકારે રાજ્યની ઉચ્ચ શિક્ષણ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં રજાઓ 16 ફેબ્રુઆરી સુધી વધારી દીધી છે. રાજ્યના ઉચ્ચ શિક્ષણ પ્રધાન સીએન અશ્વથ નારાયણે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પરીક્ષાઓ, જોકે, સમયસર લેવામાં આવશે અને ઑનલાઇન વર્ગો હાથ ધરવા સૂચના આપવામાં આવી છે. નોંધપાત્ર રીતે, ભારતમાં હિજાબ પરનો સમગ્ર વિવાદ કર્ણાટક રાજ્યમાં શરૂ થયો હતો જ્યારે કેટલીક છોકરીઓએ આરોપ લગાવ્યો હતો કે હિજાબ પહેરવાને કારણે તેમને કૉલેજ અને ક્લાસમાં પ્રવેશવા દેવામાં આવતો નથી.
આ મામલે અમેરિકી સરકારમાં ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમના એમ્બેસેડર રશાદ હુસૈને કહ્યું, ‘ધાર્મિક સ્વતંત્રતામાં લોકોને તેમના ધાર્મિક કપડાં પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે. ભારતના કર્ણાટક રાજ્યએ ધાર્મિક વસ્ત્રોને મંજૂરી છે કે નહીં તે નક્કી કરવું જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પરનો પ્રતિબંધ ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને છોકરીઓને કલંકિત અને હાંસિયામાં ધકેલી દે છે.
(નોંધ : આ વીડિયોની TV9 ગુજરાતી પૃષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો : Statue Of Equality: સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને લીધી ‘સ્ટેચ્યુ ઑફ ઈક્વાલિટી’ની મુલાકાત