અખિલેશ યાદવ મમતા બેનર્જીના વૈકલ્પિક મોરચામાં જોડાશે ! સપા પ્રમુખે કહ્યું- બંગાળની જેમ યુપીમાં પણ ભાજપનો સફાયો થશે
સપા અધ્યક્ષે કહ્યું કે યુપીના લોકો કોંગ્રેસને વોટ નહીં આપે. તેમણે ટોણો માર્યો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે. પ્રિયંકાના હુમલા પર પણ વળતો પ્રહાર કર્યો હતો.
સમાજવાદી પાર્ટીના (SP) પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) ટૂંક સમયમાં બંગાળના સીએમ મમતા બેનર્જીના નેતૃત્વમાં વૈકલ્પિક મોરચામાં સામેલ થઈ શકે છે. અખિલેશ યાદવે પોતે શુક્રવારે આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમની પાસે મમતા બેનર્જીના વૈકલ્પિક મોરચામાં (Mamata Benarjee Political Front) જોડાવાનો વિકલ્પ છે. સપા પ્રમુખે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે યુપીમાંથી ભાજપ સરકારનો સફાયો થઈ જશે.
અખિલેશ યાદવે કહ્યું કે જે રીતે બંગાળની ચૂંટણીમાં સીએમ મમતા બેનર્જી દ્વારા બીજેપીને ખતમ કરવામાં આવી હતી, તે જ રીતે યુપીની ચૂંટણીમાં પણ થશે. આ દિવસોમાં અખિલેશ યાદવ યુપીની આગામી વિધાનસભા ચૂંટણીમાં (UP Assembly Election 2022) ભાજપને હરાવવા માટે મંચ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
શુક્રવારે ઝાંસી પહોંચેલા અખિલેશ યાદવે મીડિયાને કહ્યું કે તેઓ મમતા બેનર્જીનું સ્વાગત કરે છે. જેમ બંગાળમાં ભાજપને (BJP) ખતમ કરી નાખ્યું, તેવી જ રીતે યુપીના લોકો પણ ભાજપનો સફાયો કરશે. મમતા બેનર્જીના મોરચામાં સામેલ થવાના સવાલ પર અખિલેશ યાદવે કહ્યું કે તે આ અંગે યોગ્ય સમયે વાત કરશે. આ દરમિયાન અખિલેશ યાદવે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા.
યુપીના લોકો કોંગ્રેસને વોટ નહીં આપે સપા અધ્યક્ષે કહ્યું કે યુપીના લોકો કોંગ્રેસને (Congress) વોટ નહીં આપે. તેમણે ટોણો માર્યો કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને શૂન્ય બેઠકો મળશે. પ્રિયંકાના હુમલા પર પણ વળતો પ્રહાર કર્યો હતો. વાસ્તવમાં, તેની મુરાદાબાદ રેલીમાં પ્રિયંકાએ અખિલેશ યાદવ પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે લખીમપુરમાં મંત્રી અજય મિશ્રાના પુત્રએ ખેડૂતોને કાર વડે કચડી નાખ્યા ત્યારે સપા અધ્યક્ષ ક્યાં ગાયબ હતા.
યુપીમાંથી ભાજપનો સફાયો થઈ જશે સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા સપા પ્રમુખ અખિલેશ યાદવનું કહેવું છે કે યુપીની જનતાએ કોંગ્રેસને નકારી દીધી છે. તેમણે કહ્યું કે સપાએ 2017માં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી, પરંતુ તેમનો અનુભવ સારો નહોતો. સપા પ્રમુખ આ સમયગાળા દરમિયાન પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ભાજપ પર હુમલો કરતા દાવો કર્યો હતો કે સપા દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સનો શ્રેય ભાજપ લઈ રહી છે.
તેમણે ટોણો માર્યો કે જો સપા 22 મહિનામાં એક્સપ્રેસ વે બનાવી શકતી હોય તો ભાજપે આ જ કામ માટે 4.5 વર્ષ કેમ લીધા. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ રાજ્યના લોકોના ભલા માટે કામ કરવા માંગતી નથી.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં 18,000 કરોડ રૂપિયાના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો