ખરાબ હવામાન વચ્ચે આજે અમિત શાહ લેશે ઉત્તરાખંડની મુલાકાત, આવતીકાલે કરશે હવાઈ સર્વેક્ષણ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડની મુલાકાત લેવાના છે. ત્યાર જાહેર છે કે હાલમાં ત્યાં વાતાવરણ ખરાબ હોવાના કારણે ખરાબ પરિસ્થિતિ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ખરાબ થતી પરિસ્થિતિ વચ્ચે દેહરાદૂનની મુલાકાત લેશે. ત્યાં ગૃહમંત્રી ઉચ્ચ અધિકારીઓ અને રાહત ટીમમાં સામેલ લોકો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. આવતીકાલે અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. એક તરફ હવામાન ખરાબ હોવાના અહેવાલ છે ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે અમિત શાહ ઉત્તરાખંડ જવાના છે.
માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તરાખંડની મુલાકાત લેશે. ત્યાં આવતીકાલે હવાઈ સર્વે દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ગૃહમંત્રી અમિત શાહે સાંજે ઉત્તરાખંડમાં રાહત કાર્યની સમીક્ષા બેઠક બોલાવી છે. જ્યાં તમામ એજન્સીઓના અધિકારીઓ એનડીઆરએફ સાથે રહેશે. તેમજ હાલની સ્થિતિ પર નજર રાખવામાં આવશે. આ હોનારત બાદ કેન્દ્રએ રાજ્ય સરકારને તમામ શક્ય મદદ આપવાનું વચન આપ્યું છે.
જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં ભારે વરસાદી તબાહી મચાવતા જમીની મોટા ભાગના રસ્તાઓ બંધ થયા હતા. જેને લીધે મોટી સંખ્યામાં કેદારનાથમા યાત્રાળુઓ ફસાયા હતા. ત્યારે કેદારનાથમાં ફસાયેલા લોકોને હવે હેલિકોપ્ટર મારફતે સુરક્ષિત સ્થળ પર લઈ જવાશે. તેમજ મળતી માહીતી મુજબ હાલ ગુજરાતના તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. ત્યારે હવે કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી છે. વરસાદ બંધ થતા અને વાતાવરણ ચોખ્ખું હોવાથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ છે.
જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે વિનાશનું ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે. રાજ્યના ઘણા ભાગોમાં આ કુદરતી આફતમાં મૃત્યુઆંક 47 પર પહોંચી ગયો છે. માત્ર નૈનિતાલમાં 25 લોકોના મોત થયા છે. તે જ સમયે ઘણા બધા લોકો ગુમ છે. ઉત્તરાખંડમાં આકાશમાંથી આવેલા વરસાદી વાવાઝોડાથી દરેક બાજુ ગભરાટનું વાતાવરણ છે.
ભૂસ્ખલન અને વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ફસાયેલા લોકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. મળતી માહિતી મુજબ, કુમાઉમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે પરંતુ રસ્તાઓ ખોલવામાં સમય લાગશે. વરસાદ અને પૂરને કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. મોટી સંખ્યામાં લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે. એસડીઆરએફ અને એનડીઆરએફની સાથે પોલીસની ટીમો પણ લોકોના બચાવમાં લાગેલી છે.
આ પણ વાંચો: રાહત: વરસાદ બંધ થતા કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી, ગુજરાતના તમામ યાત્રાળુઓ સુરક્ષિત
આ પણ વાંચો: દાદરા નગર હવેલી લોકસભા પેટાચૂંટણીમાં CR પાટીલની ભાજપ આગેવાનોને ટકોર, ‘પેજ-કમિટીની જલ્દી જ રચના કરવામાં આવે’