આખરે કેનેડાએ ભારતને સુપ્રત કરી 100 વર્ષ પહેલા ચોરાયેલી મા અન્નપૂર્ણાની પ્રતિમા, કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાની જાણો વિશેષતા
આજે યુપીના 18 જિલ્લામાંથી પસાર થઈને મા અન્નપૂર્ણાની મૂર્તિ સવારે શિવ નગરી કાશી પહોંચી. સીએમ યોગીએ તેમની પૂજા અર્ચના કરી. પૂરાતત્વ વિભાગની ખાસ દેખરેખ હેઠળ મા અન્નપૂર્ણાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર(Kashi Vishwanath Temple)માં 100 વર્ષ પછી કેનેડા(Canada)થી લાવવામાં આવેલી માતા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મા અન્નપૂર્ણાની પ્રતિમાની પૂજા અર્ચના કરી હતી.
ઉત્તર પ્રદેશના 18 જિલ્લામાંથી પસાર થઈને સવારે આ મૂર્તિ શિવ નગરી કાશી પહોંચી હતી. કાશીમાં માતા અન્નપૂર્ણાની પ્રતિમાનું શાનદાર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ, બાબા વિશ્વનાથની ચાંદીની પાલખીમાં ચાંદીના સિંહાસન પર બિરાજમાન માતા અન્નપૂર્ણા શ્રી કાશી વિશ્વનાથ ધામમાં પ્રવેશ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા પછી હવે ભક્તો પણ માની પ્રતિમાના દર્શન કરી શકશે.
100 વર્ષ પહેલા મૂર્તિની ચોરી થઇ હતી. આ મૂર્તિ વર્ષ 1913 ની આસપાસ પીએમ મોદીના વર્તમાન સંસદીય ક્ષેત્ર વારાણસીમાંથી ચોરાઈ હતી અને જે તસ્કરી કરીને કેનેડા પહોંચાડાઇ હતી. ગત વર્ષે નવેમ્બર મહિનામાં મન કી બાતના 29માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મૂર્તિ અંગે ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, એક સદી પહેલા ભારતમાંથી ચોરાયેલી દેવી અન્નપૂર્ણાની મૂર્તિ કેનેડાથી પરત લાવવામાં આવશે.
કેનેડાની આર્ટ ગેલેરીમાં હતી પ્રતિમા બનારસ શૈલીમાં કોતરવામાં આવેલી 18મી સદીની આ પ્રતિમા કેનેડાની યુનિવર્સિટી ઓફ રેજીનામાં મેકેન્ઝી આર્ટ ગેલેરીને શોભાવતી હતી. આ આર્ટ ગેલેરી 1936 માં વકીલ નોર્મન મેકેન્ઝીની ઇચ્છા અનુસાર બનાવવામાં આવી હતી. જેમાં વર્ષ 2019માં વિનીપેગમાં રહેતા ભારતીય મૂળના શિલ્પકાર અને કલા નિષ્ણાત દિવ્યા મહેરાને પ્રદર્શન જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીં તેણે મૂર્તિ પર ઊંડો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેને આ મૂર્તિ ભારતની હોવાની ખબર પડી હતી
કેનેડાએ શિષ્ટાચાર રુપે પ્રતિમા પરત કરી ભારતીય મૂળના શિલ્પકાર દિવ્યા મેહરાએ રિસર્ચ કરીને જાણ્યુ કે માતા અન્નપૂર્ણાની મૂર્તિ આઝાદી પહેલાના ભારતમાં વારાણસીમાં ગંગાના કિનારે આવેલા વિસ્તારમાંથી 1913ની આસપાસ ચોરાઈ હતી. ચોરી કર્યા બાદ તસ્કરોએ મૂર્તિને ગુપ્ત રીતે કેનેડા પહોંચાડી હતી. ત્યારબાદથી આ પ્રતિમા મેકેન્ઝી આર્ટ ગેલેરીને શણગારતી હતી. પ્રતિમાનો અભ્યાસ કર્યા બાદ દિવ્યા મહેરાએ ભારતીય દૂતાવાસને તેની જાણકારી આપી હતી. પ્રતિમાનો ઈતિહાસ પ્રકાશમાં આવ્યા બાદ કેનેડાની સરકારે તેને સૌજન્ય ભેટ તરીકે ભારત સરકારને પરત કરવાની ઓફર કરી હતી. હવે આ મૂર્તિ નવી દિલ્હી નેશનલ મ્યુઝિયમ થઈને વારાણસી પહોંચી છે.
મૂર્તિની વિશેષતાઓ શું છે? ચુનાર રેતીના પથ્થરમાંથી બનેલી અન્નપૂર્ણાની આ મૂર્તિ ખૂબ જ ખાસ છે. મૂર્તિ નિષ્ણાતોએ તેને 18મી સદીની હોવાનું જણાવ્યું છે. લગભગ ત્રણ સદી કરતા જૂની આ મૂર્તિ મોટાભાગે તેની પ્રકૃતિ ગુમાવી ચૂકી છે. જોકે કેનેડાની આર્ટ ગેલેરીમાં તેની જાળવણી વધુ સારી રીતે કરવામાં આવી છે. આજે પણ વારાણસીમાં આ સમયગાળાના ઘણા શિલ્પો છે, જે કાશીના શિલ્પ કળાની ઓળખ છે.
આસ્થા જોડાયેલી છે આ મૂર્તિમાં માતા અન્નપૂર્ણા એક હાથમાં ખીર અને બીજા હાથમાં ચમચી ધરાવે છે. માતાનું આ સ્વરૂપ આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા ભક્તોમાં ચમચી ખીરનો પ્રસાદ વહેંચે છે, તેમને સંપત્તિથી ભરપૂર થવાનો આશીર્વાદ આપે છે. ખાસ કરીને કાશીમાં અન્નપૂર્ણા માતા વિશે એવી માન્યતા છે કે અહીં ક્યારેય કોઈ ભૂખ્યું નથી રહેતું.
ભારતીય વારસાનું પુનરાગમન સતત થઈ રહ્યું છે ઐતિહાસિક અને પૌરાણિક માન્યતાઓ સાથેના ઘણા શિલ્પો અને વારસો છેલ્લા કેટલાક વર્ષોમાં પાછા લાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સંસદના સત્ર દરમિયાન રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે 7 વર્ષમાં 75 ટકા ઐતિહાસિક વારસો પાછો લાવવામાં આવ્યો છે. તેમના મતે, 2014 થી 2020 સુધીમાં, 41 હેરિટેજ વસ્તુઓ અને શિલ્પો ભારતમાં પરત આવ્યા છે, જે 75 ટકાથી વધુ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને જર્મનીથી પણ ઘણી મૂર્તિઓ ભારત પરત આવી છે. કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલયના જણાવ્યા અનુસાર કાયદાકીય પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગે છે.
પુરાતત્વ વિભાગની દેખરેખ હેઠળ પ્રતિષ્ઠા મા અન્નપૂર્ણાની પ્રતિમા ત્રણ સદી કરતા વધુ જુના છે. જેથી કાશી વિશ્વનાથ મંદિરની પ્રાચીન ટીમ કાશી યુનિવર્સિટી કાઉન્સિલની દેખરેખ હેઠળ મા અન્નપૂર્ણાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી.
મા અન્નપૂર્ણાની મૂર્તિને કાશી વિશ્વનાથ કોરિડોરમાં, રાણી ભવાની સ્થિત ઉત્તર દ્વારની બાજુમાં સ્થાપિત કરવામાં આવી છે. હવે વિશ્વભરના લોકો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરમાં દેવી અન્નપૂર્ણાના દર્શન અને પૂજા કરી શકશે.
આ પણ વાંચોઃ ભાવનગર : હવેથી ૧૫ નવેમ્બરને બાળવાર્તા દિન તરીકે ઉજવણી કરવામાં આવશે, શિક્ષણ મંત્રીની જાહેરાત
આ પણ વાંચોઃ છત્રપતિ શિવાજીના ઈતિહાસને ઉજાગર કરનાર પદ્મ વિભૂષણથી સન્માનિત પુરંદરેનું નિધન, PM મોદીએ શોક વ્યક્ત કર્યો