Breaking News : ચેન્નાઈમાં ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ, 7 લોકોના મોત, 10થી વધુની હાલત ગંભીર
તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લામાં આવેલી ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં ભયાનક એમોનિયા ગેસ લીકેજ થયું છે. આ દુર્ઘટનામાં 7 કામદારોના કરુણ મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લાના પેરીયાપલયમ વિસ્તારમાં આવેલી એક ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાના કારણે વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસના સંપર્કમાં આવેલા અનેક કામદારોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી સાત લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 10થી વધુ લોકોની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે.
બચાવ ટીમો અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી
મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાં રોજની જેમ કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એમોનિયા ગેસનું લીકેજ શરૂ થયું. ગેસ ફેલાતાં કામદારોને શ્વાસ લેવામાં ભારે તકલીફ થવા લાગી અને ઘણા લોકો બેભાન થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો અને સ્થાનિક પ્રશાસન તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયું હતું.
અહેવાલો મુજબ, 45થી વધુ કામદારો ગેસની અસરથી બેભાન થઈ ગયા હતા. તમામને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક કામદારોના મોં અને નાકમાંથી લોહી નીકળવાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે ઘટનાની ગંભીરતા વધુ સ્પષ્ટ થઈ છે.
Ammonia Gas Leak at Tamil Nadu Seafood Factory Kills 7 Women | TV9Gujarati#TamilNadu #GasLeak #IndustrialAccident #BreakingNews #SeafoodFactory #TV9Gujarati pic.twitter.com/VmPfvznZJJ
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2026
દર્દીઓની સ્થિતિ હજુ પણ ચિંતાજનક
આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ સાત લોકોના મોત થયા છે, જેમાં છ કામદારોનો સમાવેશ થાય છે. અનેક ઘાયલોને વધુ સારવાર માટે ચેન્નાઈની સ્ટેનલી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાક દર્દીઓની સ્થિતિ હજુ પણ ચિંતાજનક હોવાનું તબીબો દ્વારા જણાવાયું છે.
ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસને તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં ગેસ લીકેજ કેવી રીતે થયું અને સલામતીના નિયમોમાં કોઈ બેદરકારી રહી હતી કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના
આ ઘટનાને લઈને તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. રાજ્યપાલે એક નિવેદનમાં કહ્યું કે પેરીયાપલયમ નજીક આવેલી ઝીંગા પ્રોસેસિંગ ફેક્ટરીમાં થયેલી આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને ગેસ હેન્ડલિંગ સંબંધિત વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક લોકો અને કામદારોમાં પણ ઘટનાને લઈને ચિંતા વ્યાપી છે.
બંગાળ બંધનોથી મુક્ત થઈ રહ્યું છે, તેનું ગૌરવ ફરી પાછું આવી રહ્યું છે: પશ્ચિમ બંગાળ દિવસ પર PM મોદી
