Surya Grahan 2025 : ભારે કરી ! શું 2 ઓગસ્ટે સૂર્ય ‘ગાયબ’ થઈ જશે? જાણો આ વાત સાચી કે ખોટી
સોશિયલ મીડિયા પર 2 ઓગસ્ટ, 2025 ના રોજ સૂર્યગ્રહણના અંધકાર વિશેની અફવાઓ ચાલી રહી છે. સૂર્યગ્રહણના અંધકારની આ જે અફવા ફેલાઈ છે, તેને લઈને લોકો ચિંતિત છે. હવે આ વાત ખરેખરમાં સાચી છે કે ખોટી? જાણો શું છે આની પાછળનું રહસ્ય...
સોશિયલ મીડિયા પર 2 ઓગસ્ટના રોજ ગ્રહણમાં સૂર્ય ‘ગાયબ’ થશે તેવી અફવાઓએ સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. આ વાયરલ મેસેજને લઈને લોકો ખરેખરમાં વિચારી રહ્યા છે કે, જો સૂર્ય ‘ગાયબ’ થશે તો શું દિવસ દરમિયાન અંધકાર છવાઈ જશે?
2 ઓગસ્ટ, 2025 ના રોજ સૂર્યગ્રહણ થશે કે નહી?
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 2 ઓગસ્ટ, 2025 ના રોજ આખું વિશ્વ 6 મિનિટ માટે અંધકારમાં ડૂબી જશે અને સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે.
વૈજ્ઞાનિક સંસ્થાઓ, નાસા અને પંચાંગના અનુસાર 2 ઓગસ્ટ, 2025 ના રોજ કોઈ સૂર્યગ્રહણ થવાનો નથી. આ દિવસે ભારતમાં કે વિશ્વમાં ક્યાંય પણ સૂર્યગ્રહણ દેખાશે નહીં. વર્ષ 2025માં સૂર્યગ્રહણ ફક્ત 21 સપ્ટેમ્બરના રોજ થશે અને તે ભારતમાં દેખાશે નહીં. જે ખગોળીય ઘટનાને સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ કહેવામાં આવી રહ્યું છે, તે ખરેખર 2 ઓગસ્ટ 2027ના રોજ થશે.
આજથી બે વર્ષ પછી તે દિવસે સૂર્યગ્રહણ ખરેખરમાં ખાસ રહેશે. આવું એટલા માટે કેમ કે, ચંદ્ર લગભગ 6 મિનિટ 22 સેકન્ડ માટે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી દેશે. જે સ્થળોએ આ ઘટના બનશે, તે સ્થળો પર દિવસે રાત જેવું અંધારું થઈ જશે.
ભારત માટે વાસ્તવિકતા શું છે?
- 2 ઓગસ્ટ 2025 ના રોજ, ભારતમાં કોઈ સૂર્યગ્રહણ નહીં થાય અને ન તો સુતક જેવા ધાર્મિક પ્રતિબંધો લાદવામાં આવશે.
- 2 ઓગસ્ટ 2027 ના રોજ, ભારતના કેટલાક ભાગો (મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા વગેરે) માં આંશિક ગ્રહણ દેખાઈ શકે છે પરંતુ સંપૂર્ણ અંધકાર નહીં જોવા મળે.
શા માટે લોકો મૂંઝવણમાં છે?
આ સમગ્ર મૂંઝવણનું મૂળ સોશિયલ મીડિયા છે, જ્યાં કેટલાક યુઝર્સે પોસ્ટ કરી હતી કે આ વર્ષે ગ્રહણ 2 ઓગસ્ટ 2025 ના રોજ થઈ રહ્યું છે. હવે સત્ય એ છે કે, ગ્રહણ 2 ઓગસ્ટ 2027 ના રોજ થશે. વાસ્તવમાં, છેલ્લા 100 વર્ષનું સૌથી મોટું સૂર્યગ્રહણ 2025 માં નહીં પરંતુ 2027 માં આવશે.
