Hijab Controversy : સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો કર્યો ઇનકાર , કહ્યું કે..
સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશને પડકારતી અરજી પર તાકીદે સુનાવણી કરવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટ કર્ણાટક હાઈકોર્ટની સુનાવણી પર નજર રાખી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં આજે ફરી કર્ણાટક હિજાબ વિવાદ (Hijab Controversy) પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. ચીફ જસ્ટિસ (CJI) NV રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું. આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની બેન્ચે અરજદારોને કહ્યું કે તેને રાષ્ટ્રીય મુદ્દો ન બનાવો. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
એસજી તુષાર મહેતાને અટકાવતા સીજેઆઈએ કહ્યું કે અમે તમામ નાગરિકોના મૂળભૂત અધિકારોની સુરક્ષા માટે બેઠા છીએ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમે સાંભળીશું.યોગ્ય સમયે સુપ્રીમ કોર્ટ તરફથી હસ્તક્ષેપ કરવામાં આવશે. કોર્ટે કહ્યું કે તે આ મામલે યોગ્ય સમયે સુનાવણી કરશે. કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું, “કર્ણાટકમાં શું થઈ રહ્યું છે તે અમે જોઈ રહ્યા છીએ અને આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.”
Supreme Court refuses to give an urgent hearing on plea challenging interim order of Karnataka High Court.#HijabRow pic.twitter.com/Yr9Qr7RCpO
— ANI (@ANI) February 11, 2022
કોંગ્રેસના નેતા બીવી શ્રીનિવાસ રાવે અરજી દાખલ કરી હતી
અરજદારોએ કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોંગ્રેસ નેતા બીવી શ્રીનિવાસ રાવ દ્વારા પણ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ પહેલા ગુરુવારે કર્ણાટક હાઈકોર્ટની ત્રણ જજની બેન્ચે આગામી આદેશ સુધી શાળાઓ અને કોલેજોમાં ધાર્મિક વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુક્યો હતો. મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હિજાબના સમર્થનમાં દેખાવો થયા છે. આ પ્રદર્શનોમાં એવું કહેવામાં આવ્યું છે કે હિજાબ એ પસંદગીની બાબત છે અને તે બંધારણ હેઠળનો અધિકાર છે. એથી તેને મંજૂરી આપવી જોઈએ.