Gujarati NewsNationalSupreme Court issues notice to centre election commission over promising freebies by political parties during elections
Freebies: રાજ્યની આવક કરતા દસ ગણા ચૂંટણી વાયદાઓ ! અરજી બાદ Supreme Courtની ચૂંટણી પંચ, કેન્દ્રને નોટિસ
સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુનાવણી થઈ. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે ગેરવાજબી વચનો આપનારા અને મફત ભેટો વહેંચનારા પક્ષોની માન્યતા રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) આજે ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાયની(BJP Leader Ashwini Upadhyay) અરજી પર સુનાવણી થઈ. આ અરજીમાં એવી માગણી કરવામાં આવી હતી કે ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે ગેરવાજબી વચનો આપનારા અને મફત ભેટો (Freebies) વહેંચનારા પક્ષોની માન્યતા રદ કરવામાં આવે. સુનાવણી દરમિયાન, કોર્ટે પૂછ્યું કે જ્યારે તમામ રાજકીય પક્ષો આવી મફત ભેટ આપવાનું વચન આપી રહ્યા છે, તો પછી તમે અરજીમાં ફક્ત બે પક્ષોનો ઉલ્લેખ કેમ કર્યો ? બાકીનો ઉલ્લેખ કેમ ન થયો ? કોર્ટે આ મામલે કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે. આ અંગે ચાર સપ્તાહમાં જવાબ માંગવામાં આવ્યો છે.
સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરાયેલી અરજીમાં ગેરવાજબી વચનો આપનાર અથવા ચૂંટણી પહેલા જનતાના પૈસામાંથી મફત ભેટોનું વિતરણ કરનાર રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મતદારો પાસેથી અયોગ્ય રાજકીય લાભ મેળવવા માટેના આવા પગલાં પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે તે બંધારણનું ઉલ્લંઘન કરે છે અને ચૂંટણી પંચે યોગ્ય પગલાં લેવા જોઈએ. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે ચૂંટણી પહેલાં જાહેર નાણાંનો આવો બગાડ મતદારો પર પ્રભાવ પાડે છે.
એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં વિકલ્પ તરીકે આ સંદર્ભે કાયદો ઘડવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છે કે તાજેતરની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોને મફતમાં ગિફ્ટ આપીને પ્રભાવિત કરવાની રાજકીય પાર્ટીઓની વૃત્તિ માત્ર લોકતાંત્રિક મૂલ્યોના અસ્તિત્વ માટે સૌથી મોટો ખતરો નથી પરંતુ બંધારણની ભાવનાને પણ ઠેસ પહોંચાડે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ અનૈતિક પ્રથા સત્તામાં રહેવા માટે સરકારી તિજોરીના ખર્ચે મતદારોને લાંચ આપવા સમાન છે અને લોકતાંત્રિક સિદ્ધાંતો અને પ્રથાઓનું ઉલ્લંઘન કરવાનું ટાળવું જોઈએ.
અરજદારે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરી છે કે કોર્ટ જાહેર કરે કે સરકારી નાણાંથી ખાનગી ચીજવસ્તુઓ અથવા સેવાઓ, જે જાહેર હેતુઓ માટે નથી, તેની ચૂંટણી પહેલા જાહેરાત ન થઈ શકે. તે બંધારણની ઘણી કલમોનું ઉલ્લંઘન કરે છે જેમાં કલમ 14 (Article-14,કાયદા સમક્ષ સમાનતા)નો સમાવેશ થાય છે. અરજીમાં કેટલાક રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીમાં કેટલાક રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા વચનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.