ભારતીય વાયુસેનાની કમાલ, સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું મધ્યરાત્રીએ પર્વતોથી ઘેરાયેલા કારગીલમાં કર્યું સફળ લેન્ડિંગ, જુઓ રોચક વીડિયો
વિષમ પર્વતીય ક્ષેત્રમાં મધ્યરાત્રીએ સુપર હરક્યુલસ એરક્રાફ્ટને લેન્ડિગ કરાવવું એ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે તૈનાત કરી શકાય. વાયુસેનાએ લેન્ડિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતીય વાયુસેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. વાયુસેનાએ પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને મધ્ય રાત્રીએ, પર્વતોથી ઘેરાયેલા કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે, ગમે તેવી કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે મોકલી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટના લેન્ડિંગનો રોંચક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં મધ્યરાત્રીએ સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવું એ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. પરંતુ આ વખતે ખાસ વાત એ છે કે, સુપર હરક્યુલસ એરક્રાફ્ટ આ લેન્ડિંગ પડકારજનક હવામાનમાં કરવામાં આવ્યું હતું. ધારસુમાં જ્યાં લેન્ડિંગ કરવામાં આવ્યું હતું તે જગ્યા 3000 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.
In a first, an IAF C-130 J aircraft recently carried out a night landing at the Kargil airstrip. Employing terrain masking enroute, the exercise also dovetailed a training mission of the Garuds.#SakshamSashaktAtmanirbhar pic.twitter.com/MNwLzaQDz7
— Indian Air Force (@IAF_MCC) January 7, 2024
અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા ઉત્પાદિત C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટ એક પરિવહન વિમાન છે, જે વાયુસેનાના 12મા ફ્લીટનો ભાગ છે. તેમને વર્ષ 2011માં એરફોર્સમાં સામેલ કરવામાં આવ્યા હતા.