પશ્ચિમ બંગાળમાં બીજા દિવસે પણ વંદે ભારત પર પથ્થરમારો, કાચ તુટ્યા
મંગળવારે ફણસીવા વિસ્તાર પાસે સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ પર કેટલાક તોફાનીઓ દ્વારા પથ્થરમારો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસ બારીના બે કાચ અને એક દરવાજાનો કાચ તુટી ગયો હતો. પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં 24 કલાકમાં વંદે ભારત પર પથ્થરમારો કરવાની આ બીજી ઘટના છે.
હાવડા-નવી જલપાઈગુડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ઉદ્ઘાટનના થોડા દિવસો બાદ, મંગળવારે પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના સિલિગુડી સબડિવિઝનમાં ફણસીદેવ વિસ્તાર નજીક કેટલાક તોફાનીઓએ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ ઉપર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં વંદે ભારત એક્સપ્રેસની બારીના બે કાચ અને એક દરવાજાનો કાચ તુટી ગયો હતો. પશ્ચિમ બંગાળમાં રાજ્યમાં 24 કલાકમાં વંદે ભારત પર પથ્થરમારો કરવાની આ બીજી ઘટના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેન (22301) ગઈકાલ હાવડાથી ન્યૂ જલપાઈગુડી આવી રહી હતી.
જોકે, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઓફિસર સબ્યસાચી ડેએ આ હકીકતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે આવું કોઈ ટેકનિકલ કારણોસર થયું હતું. તેમણે ફોન પર મીડિયા સાથેની વાતચીતમાં એમ પણ જણાવ્યું કે કોઈ મુસાફરને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. જો કે રેલવેના આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)ના અધિકારીઓએ આ ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી છે.
માલદામાં પણ બની હતી પથ્થરમારાની ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા માલદા જિલ્લામાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ ઘટનાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તપાસ કરાવવાની માંગ કરી છે. જ્યારે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ તેને પશ્ચિમ બંગાળ રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે માલદા શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર કુમારગંજ રેલવે સ્ટેશન પાસે સોમવારે સાંજે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.
વડાપ્રધાને 30 ડિસેમ્બરે લીલી ઝંડી બતાવી હતી
અત્રે એ નોંધનીય છે કે, ગત 30 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા હાવડા સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પશ્ચિમ બંગાળના બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે આરોપ લગાવ્યો કે 2019ના CAA વિરોધી પ્રદર્શનમાં સામેલ લોકોએ ટ્રેન પર પથ્થરમારો કરવામાં સામેલ હતા. તેમણે કહ્યું કે અન્ય કોઈ રાજ્યમાં વંદે ભારત એક્સપ્રેસ પર હુમલો કે તોડફોડ કરવામાં આવી નથી. તેથી આ ઘટના શરમજનક છે. રાજ્ય સરકાર પોતાની વોટ બેંકને બચાવવા માટે ગુનેગારો સામે કોઈ પગલાં નહી ભરે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ પૂછ્યું કે શું આ ઘટના હાવડા સ્ટેશન પર ઉદ્ઘાટન સમારોહમાં જય શ્રી રામના નારા લગાવવાનો બદલો છે ?