ઓપરેશન સિંદૂર બાદ ભારતનું એર ડિફેન્સ વધુ મજબૂત થશે : રશિયા પાસેથી ₹50,000 કરોડમાં વધુ 5 S-400 ખરીદવાની તૈયારી
ઓપરેશન સિંદૂરમાં S-400 ના શાનદાર પ્રદર્શન બાદ ભારત પોતાના એર ડિફેન્સને વધુ અભેદ્ય બનાવવા જઈ રહ્યું છે. રશિયાએ ભારતીય સંરક્ષણ મંત્રાલયને ₹50,000 કરોડથી વધુ કિંમતના 5 નવા S-400 સ્ક્વોડ્રનનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ ડીલ પૂર્ણ થતાં ભારત પાસે કુલ 10 S-400 સ્ક્વોડ્રન થઈ જશે.

ઓપરેશન સિંદૂરમાં S-400 ના પ્રદર્શન બાદ ભારતે પોતાની એર ડિફેન્સ ક્ષમતાને વધુ મજબૂત બનાવવાની કવાયત તેજ કરી દીધી છે. રશિયાએ ભારતીય રક્ષા મંત્રાલયને પાંચ નવા S-400 સ્ક્વોડ્રન ખરીદવાનો પ્રસ્તાવ મોકલ્યો છે, જેની અંદાજિત કિંમત ₹50,000 કરોડથી વધુ હોવાનું મનાય છે.
સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતના ટેન્ડરના જવાબમાં રશિયા તરફથી આ ઓફર મળી ચૂકી છે અને હાલમાં તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ ડેવલપમેન્ટ એવા સમયે સામે આવ્યું છે જ્યારે ભારત પોતાની મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા સતત કામ કરી રહ્યું છે.
વધુ પાંચ S-400 ખરીદવાની તૈયારી
ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ માર્ચ 2026 માં ભારતીય વાયુસેના માટે પાંચ વધારાના S-400 સ્ક્વોડ્રનની ખરીદીને મંજૂરી આપી હતી. હવે રશિયા તરફથી તેનો વિગતવાર પ્રસ્તાવ મળ્યા બાદ આગળની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ખરીદીનો મુખ્ય હેતુ દેશના મહત્વપૂર્ણ વિસ્તારોને લાંબા અંતરની એર ડિફેન્સ સિસ્ટમથી વધુ સુરક્ષિત કરવાનો છે. નવી સિસ્ટમ્સ પશ્ચિમી અને ઉત્તરીય સરહદો પર ભારતની સુરક્ષા વ્યવસ્થાને વધારે મજબૂત કરશે.
S-400 અલગ-અલગ ઊંચાઈ અને અંતર પરથી આવતા વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા તમામ પ્રકારના હવાઈ જોખમોને ટ્રેક કરીને તોડી પાડવા સક્ષમ છે.
ભારત પાસે પહેલેથી જ ચાર સ્ક્વોડ્રન ઉપલબ્ધ
ભારતે રશિયા સાથે 2018 માં આશરે 5.43 અબજ ડોલર (આશરે ₹51,838 કરોડ) નો કરાર કર્યો હતો. આ ડીલ હેઠળ પાંચ S-400 સ્ક્વોડ્રન ખરીદવાના હતા. તેમાંથી ચાર સિસ્ટમ ભારતને મળી ચૂકી છે, જ્યારે પાંચમા અને અંતિમ સ્ક્વોડ્રનની ડિલિવરી નવેમ્બર 2026 સુધીમાં મળવાની અપેક્ષા છે.
પ્રથમ ત્રણ સ્ક્વોડ્રન દેશના વ્યૂહાત્મક વિસ્તારોમાં તૈનાત કરવામાં આવ્યા છે. જો આ નવી પાંચ સ્ક્વોડ્રનની ડીલ ફાઇનલ થશે, તો ભારત પાસે કુલ 10 S-400 સ્ક્વોડ્રન થઈ જશે, એટલે કે હાલની સરખામણીએ ભારતનો S-400 નો કાફલો બમણો થઈ જશે.
ઓપરેશન સિંદૂર બાદ વધ્યો વિશ્વાસ
ઓપરેશન સિંદૂર બાદ S-400 પર ભારતનો ભરોસો વધુ મજબૂત થયો છે. મે 2025 માં પાકિસ્તાન તરફથી ઊભા થયેલા હવાઈ જોખમો સામે ભારતના એર ડિફેન્સ નેટવર્કે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. વેસ્ટર્ન એર કમાન્ડના પ્રમુખ એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે S-400 એ સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ દ્વારા સૌથી લાંબા અંતરે ટાર્ગેટ તોડી પાડવાનો રેકોર્ડ બનાવ્યો છે. સિસ્ટમે આશરે 314 કિલોમીટરના અંતરે પાકિસ્તાની સર્વેલન્સ વિમાનને તોડી પાડ્યું હતું.
