કારધારકોને મળી રાહત, FASTAG લગાવવાની સમય મર્યાદા વધારીને 15 ફેબ્રુઆરી કરાઈ
માર્ગ અને પરિવહન મંત્રાલયે, 1 જાન્યુ. 2021થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટોલટેક્સની વસૂલાત ફરજીયાતપણે ફાસ્ટેગ દ્વારા કરવાની કરી હતી જાહેરાત, હવે તે મુદત વધારીને 15 ફેબ્રુઆરીની કરાઈ

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટોલટેક્સ ફરજીયાત પણે ફાસ્ટૈગથી જ કરવા જાહેર કરેલ સમય મર્યાદામાં ફેરફાર કર્યો છે. પહેલા 1 જાન્યુઆરી 2021થી ફરજીયાત ફાસ્ટેગથી ટોલટેક્સ વસૂલવાની જાહેરાત કરી હતી. જે હવે આગામી 15 ફેબ્રુઆરી 2021 સુધી લંબાવી છે.
ગુજરાતમાં આવેલ વિવિધ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટેગની સાથેસાથે રોકડથી પણ ટોલ વસૂલવામાં આવી રહ્યો છે ફાસ્ટેગની સરખામણીએ રોકડથી ટોલ ભરનારાઓની સંખ્યા હજુ પણ વધુ હોવાથી કારધારકોને ફાસ્ટેગ સુવિધા મેળવી લેવા માટે, કેન્દ્રીય પરિવહન મંત્રાલયે મુદતમાં વધારો કર્યો છે. અગાઉ માર્ગ અને પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ પણ જાહેરાત કરી હતી કે, આગામી પહેલી જાન્યુઆરી 2021થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપરના ટોલ પ્લાઝા ખાતે ફાસ્ટેગથી જ ટોલ વસૂલવામાં આવશે.
