Rahul Gandhi on Pegasus : પેગાસસ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા, કહ્યું અમારી વાત પર સુપ્રીમ કોર્ટે પણ મહોર લગાવી
Pegasus Case : રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન કે ગૃહપ્રધાન સિવાય કોઈ આ પ્રકારની જાસૂસીનો આદેશ આપી શકે નહીં. અમે આ મામલે વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો જવાબ જાણવા માંગીએ છીએ.
DELHI: પેગાસસ જાસૂસી (Pegasus espionage case) મામલે બુધવારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના મહત્વપૂર્ણ આદેશ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)એ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશની લોકશાહીને કચડી નાખવાનો આરોપ લગાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું, “અમે સંસદમાં સવાલ પૂછ્યો હતો કે પેગાસસ કોણે ખરીદ્યો? આને કોઈ વ્યક્તિ ખરીદી શકતી નથી, સરકાર તેને ખરીદી શકે છે. કોના ઈશારે તે ખરીદાયું હતું અને તેમાં જાસૂસી કરનારા લોકો કોણ છે? ભાજપના અનેક સાંસદો, મંત્રીઓ, પૂર્વ વડાપ્રધાનો, પૂર્વ મુખ્યમંત્રીઓ ઉપરાંત અનેક કાર્યકરોમાં ન્યાયતંત્રના લોકોના નામ છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ગત સંસદ સત્ર દરમિયાન અમે પેગાસસનો મુદ્દો ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે આજે આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે. અમે જે કહ્યું તેને કોર્ટે સમર્થન આપ્યું છે. અમે ત્રણ પ્રશ્નો પૂછતા હતા, આજે પૂછી રહ્યા છીએ અને પૂછતા રહીશું – પેગાસસને કોણે અધિકૃત કર્યા છે? તેનો ઉપયોગ કોની સામે થયો? શું અન્ય કોઈ દેશ પાસે આપણા લોકો વિશે માહિતી છે?
પેગાસસનો મુદ્દો ફરી સંસદમાં ઉઠાવીશું : રાહુલ ગાંધી રાહુલ ગાંધીએ કહ્યું, “અમને આનંદ છે કે સુપ્રીમ કોર્ટે પેગાસસ મુદ્દા પર સંજ્ઞાન લીધું છે અને તેના પર વિચાર કરવા માટે સંમત થયા છે.” અમે ફરીથી આ મુદ્દો સંસદમાં ઉઠાવીશું. અમારો પ્રયાસ રહેશે કે સંસદમાં આ અંગે ચર્ચા થઈ શકે. જોકે, ભાજપ સરકાર તેના પર ચર્ચા કરવાનું પસંદ કરશે નહીં.
રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન કે ગૃહપ્રધાન સિવાય આ પ્રકારની જાસૂસીનો આદેશ કોઈ આપી શકે નહીં. અમે આ મામલે વડાપ્રધાન અને ગૃહપ્રધાનનો જવાબ જાણવા માંગીએ છીએ. તેમણે કહ્યું, “જેઓની જાસૂસી કરવામાં આવી હતી તેનો ડેટા કોને આપવામાં આવી રહ્યો હતો. શું વિપક્ષના નેતાઓનો ડેટા, ચૂંટણી પંચનો ડેટા વડાપ્રધાન સુધી પહોંચતો હતો? આવા પ્રશ્નો છે જેના જવાબની જરૂર છે. પેગાસસ કેસમાં સરકાર જવાબ આપવા સક્ષમ નથી. તેનો અર્થ એ છે કે તેઓએ કંઈક ખોટું કર્યું છે, જે તેઓ છુપાવી રહ્યા છે.
આ પણ વાંચો : દિવાળી આવતા જ ફરી ગ્રીન ફટાકડાની ચર્ચા શરૂ થઇ, જાણો કેવા હોય છે આ ગ્રીન ફટાકડા
આ પણ વાંચો : એલોપેથી વિવાદ : બાબા રામદેવને દિલ્હી હાઈકોર્ટે નોટીસ ફટકારી, 4 અઠવાડિયામાં સોગંધનામું રજૂ કરવા આદેશ આપ્યો