પ્રિયંકા ગાંધીની સાથે ED ઓફિસ પહોચ્યા રાહુલ ગાંધી, નેશનલ હેરાલ્ડ કેસમા ત્રણ તબક્કામાં 55 પ્રશ્નોની થશે પુછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના (RAHUL GANDHI) હાજર થવા માટે કોંગ્રેસની પ્રસ્તાવિત કૂચ પહેલા, દિલ્લી પોલીસે સોમવારે કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયની આસપાસ આઈપીસી કલમ 144 લાગુ કરી છે.
National Herald case : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (RAHUL GANDHI) આજે નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate) સમક્ષ હાજર થયા છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય નેતાઓ ED ઓફિસ સુધી પહોચ્યા હતા. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીની પુછપરછ કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતુ કે, રાહુલ ગાંધીને કુલ 55 જેટલા પ્રશ્નો 3 તબક્કામાં પુછવામાં આવશે. કોંગ્રેસ કાર્યાલયથી ઈડી ઓફિસે જવા, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ તેમજ કાર્યકર્તાઓ, કોંગ્રેસ મુખ્યાલયથી ED ઓફિસ સુધી રાહુલ ઝુકેગા નહીં’ના પોસ્ટર સાથે રેલી સ્વરૂપે નીકળ્યા હતા. જો કે દિલ્લી પોલીસે રેલી સ્વરૂપે નીકળેલા કોંગ્રેસના કાર્યકર્તાઓને રસ્તામાં અટકાવ્યા હતા.
રાહુલ ગાંધીને ગેટ નંબર એક ખાતેથી લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ હાજર હતા. થોડીવારમાં તેમની પૂછપરછ શરૂ થશે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘અમારું કામ વિરોધ કરવાનું છે, જો તેઓ 144 કલમ લાગુ કરીને અમને રોકવા માંગતા હોય તો રોકો. આ રાજકીય પ્રશ્ન નથી, આ લોકો દરેકને હેરાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસને ઝુકાવવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ કોંગ્રેસ ઝુકવાની નથી. કોંગ્રેસ લડતી રહેશે.
Congress MP Rahul Gandhi appears before ED for questioning in National Herald money laundering case
— Press Trust of India (@PTI_News) June 13, 2022
કોંગ્રેસે દેશભરમાં ઈડી ઓફિસ બહાર કર્યા દેખાવ
કોંગ્રેસે રવિવારે દેશભરમાં અનેક જગ્યાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને રાહુલ ગાંધી સાથે એકતા દર્શાવી અને ભાજપ પર બદલાની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. લખનૌમાં સચિન પાયલોટ, રાયપુરમાં વિવેક ટંખા, ભોપાલમાં દિગ્વિજય સિંહ, સિમલામાં સંજય નિરુપમ, ચંદીગઢમાં રંજીત રંજન, અમદાવાદમાં પવન ખેરા અને દેહરાદૂનમાં અલકા લાંબાએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં દેશમાં વિવિધ રાજ્યોમાં આવેલ ઈડી ઓફિસ સામે દેખાવો કરવાની જાહેરાત કરી હતી. જે મુજબ આજે સોમવારે સમગ્ર દેશમાં જ્યા જ્યા પણ ઈડીની ઓફિસ આવેલી છે ત્યા કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધીના સમર્થનમાં પ્લેકાર્ડ સાથે દેખાવો યોજ્યા હતા.
સુબ્રમણ્યમ સ્વામીએ કરી હતી નેશનલ હેરાલ્ડ કેસ ફરિયાદ
નેશનલ હેરાલ્ડ કેસની તપાસ સુબ્રમણ્યમ સ્વામીની (Subramaniam Swamy) ફરિયાદના આધારે શરૂ કરવામાં આવી હતી. તેમણે 2012માં કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના નેતાઓએ યંગ ઈન્ડિયા લિમિટેડ (Young India Ltd.) કંપની હેઠળ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને હસ્તગત કરી હતી.
સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિવંગત નેતા મોતીલાલ વોરા, પત્રકાર સુમન દુબે અને ટેકનોક્રેટ સામ પિત્રોડા પર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તે યંગ ઈન્ડિયા લિમિટેડ દ્વારા ખોટી રીતે હસ્તગત કરવામાં આવી હતી અને કોંગ્રેસના નેતાઓએ 2,000 કરોડ રૂપિયા સુધીની સંપત્તિ મેળવી હતી. આ કેસની તપાસ ED દ્વારા 2014માં શરૂ કરવામાં આવી હતી.