Delhi Mumbai Expressway: PM નરેન્દ્ર મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- આ વિકસિત ભારતની ભવ્ય તસવીર
આ એક્સપ્રેસ વે 6 રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાજસ્થાનના દૌસા પહોંચ્યા છે. પીએમ મોદીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આજે મને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના પ્રથમ તબક્કાને રાષ્ટ્રને સમર્પિત કરતાં ખૂબ જ ગર્વ છે. તે દેશના સૌથી મોટા અને સૌથી આધુનિક એક્સપ્રેસ-વેમાંથી એક છે. વિકસિત ભારતનું આ બીજું ભવ્ય ચિત્ર છે.
હું દૌસાના રહેવાસીઓ અને દેશવાસીઓને અભિનંદન આપું છું. આ સાથે તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજસ્થાન અને દેશની પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ્સ આગામી સમયમાં રાજસ્થાન સહિત આ સમગ્ર વિસ્તારનું ચિત્ર બદલી નાખશે.
મહત્વનું છે કે, 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનને 12,150 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે. આ હાઈવે ખુલ્લો મુકાતા દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય 5 કલાકથી ઘટીને 3 કલાક થઈ જશે. તેનાથી સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને પણ મોટો વેગ મળશે.
PMO અનુસાર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે 1,386 કિલોમીટરની લંબાઈ સાથે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે. આ એક્સપ્રેસ વેથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી 12 ટકા ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે અને મુસાફરીનો સમય 24 કલાકથી 50 ટકા ઘટીને 12 કલાક થઈ જશે.
PM મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ
ઉદ્ઘાટન સમયે બોલતા પીએમ મોદીએ કહ્યું કે, આ આધુનિક કનેક્ટિવિટીથી સરિસ્કા ટાઇગર રિઝર્વ, કેઓલાદેવ અને રણથંભોર નેશનલ પાર્ક, જયપુર, અજમેર જેવા ઘણા પ્રવાસન સ્થળોને પણ ફાયદો થશે. રાજસ્થાન પહેલાથી જ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષક રહ્યું છે, હવે તેનું આકર્ષણ વધુ વધશે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આવા આધુનિક રસ્તાઓ, આધુનિક રેલ્વે સ્ટેશન, રેલ્વે ટ્રેક, મેટ્રો અને એરપોર્ટ બનાવવામાં આવે છે, ત્યારે દેશની પ્રગતિ વેગ પકડે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014માં જોગવાઈ કરાયેલી રકમ કરતાં પાંચ ગણી છે. આ રોકાણથી રાજસ્થાનને ઘણો ફાયદો થવાનો છે.
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત મોટું રોકાણ કરી રહી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ વધુ રોકાણ આકર્ષે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ આ હાઈવેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ઓપ્ટિકલ ફાઈબર કેબલ, પાઈપલાઈન, સોલાર એનર્જી અને વોટર હાર્વેસ્ટિંગ માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
#दिल्ली_मुंबई_एक्सप्रेस_वे पर ऑप्टिकल फाइबर केबल, पाइपलाईन, सौर ऊर्जा एवं वाटर हार्वेस्टिंग के लिए विशेष प्रावधान !#BuildingTheNation #Delhi_Mumbai_Express_Way #PragatiKaHighway #GatiShakti pic.twitter.com/UNTcgk9G0E
— Nitin Gadkari (@nitin_gadkari) February 12, 2023
કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ કહ્યું કે પીએમ મોદીનું સપનું હતું કે જો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હશે તો દેશને તાકાત મળશે અને તે સપનું સાકાર કરીને અમે આ એક્સપ્રેસ વે બનાવ્યો છે. તેમણે કહ્યું કે મને આશા છે કે 2024 સુધીમાં અમે ભારતના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અમેરિકાની જેવુ બનાવવાનો પ્રયાસ કરીશું.
આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ: નીતિન ગડકરી
ગડકરીએ કહ્યું કે, અમે એક્સપ્રેસ વેમાં દરેક હાઇટેક ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે અને અમે આત્મનિર્ભર ભારત બનાવવાના સપનાને સાકાર કરવા માટે રોડ મેનેજમેન્ટને મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છીએ. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું હજારો અધિકારીઓ, એન્જિનિયરો અને કારીગરોનો આભાર માનું છું જેમણે આ એક્સપ્રેસ વે બનાવવા માટે સખત મહેનત કરી છે.
ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ
મહત્વનું છે કે, આ એક્સપ્રેસ વે છ રાજ્યો દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઇન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે. એક્સપ્રેસ વે 500 મીટરના અંતરે 2,000 વોટર રિચાર્જ પોઈન્ટ પર વરસાદી પાણી સંગ્રહ કરવાની સુવિધા પૂરી પાડે છે. ઓટોમેટિક ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ પણ છે.