Breaking News : PM મોદીનો મન કી બાતમાં મકકમ નિર્ધાર – પહેલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે
Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, વિશ્વના અનેક નેતાઓ, પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને ભારત જે કોઈ પગલાં ભરે તેની સાથે ઊભા રહેવાનો કોલ આપ્યો છે. સમગ્ર દુનિયામાંથી સંવેદના પ્રાપ્ત થઈ રહી છે. આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ ભારતની પડખે ઊભુ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના પ્રતિમાસ પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં, શરૂઆતમાં જ પહેલગામ બૈસરન આતંકી હુમલાનો ઉલ્લેખ કરીને પીડિત પરિવારને આશ્વાસન આપતા કહ્યું હતું કે, આતંકી હુમલાનો ભોગ બનેલાને ન્યાય મળશે, ન્યાય મળીને રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, હુમલાખોર આતંકવાદીઓને દેશના, કાશ્મીરના દુશ્મન ગણાવીને કહ્યું કે, કાશ્મીરમાં સ્થિતિ પૂર્વવત થઈ રહી હતી. સ્કુલ કોલેજ ચાલતી હતી. લોકોની કમાણીમાં વૃદ્ધિ થઈ રહી હતી. યુવાઓ માટે રોજગારની નવી તક સર્જાઈ રહી હતી. અનેક નવા બાંધકામ થઈ રહ્યાં હતા. લોકશાહી મજબૂત થઈ રહી હતી. પ્રવાસીઓ વિક્રમી સંખ્યામાં મુલાકાત લઈ રહ્યાં હતા તેવા સમયે કાશ્મીરની પ્રગતિના દુશ્મનોએ નિર્દોષ પ્રવાસીઓને ભોગ બનાવ્યા છે.
આતંકવાદીઓ અને તેમના આકાઓ ઇચ્છે છે કે કાશ્મીર ફરીથી બરબાદ થાય અને તેથી જ તેમણે આટલું મોટું કાવતરાને અંજામ આપ્યો. દેશ સામેના આ પડકારનો સામનો કરવા માટે આપણે આપણા સંકલ્પને મજબૂત બનાવવો પડશે.
આ ઘટનાથી સમગ્ર દેશ દુખી છે. પરંતુ 140 કરોડ ભારતીયોની એકતા પણ એટલી જ મજબૂત રહી છે. દેશની 140 કરોડ જનતાની શક્તિ મોટી તાકાત છે. અને આતંકવાદ સામેની નિર્ણાયક લડાઈ લડવામાં મુખ્ય આધાર પણ આ એકતાની શક્તિ જ છે.
વિશ્વના અનેક નેતાઓ, પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને ભારત જે કોઈ પગલાં ભરે તેની સાથે ઊભા રહેવાનો કોલ આપ્યો છે. સમગ્ર દુનિયામાંથી સંવેદના પ્રાપ્ત થઈ રહી છે. આતંકવાદ સામેની લડાઈમાં સમગ્ર વિશ્વ ભારતની પડખે ઊભુ છે.
જમ્મુ કાશ્મીર સહીત દેશભરના મહત્વના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.