વિઝા ન મળતા પાકિસ્તાની દંપતી ગેરકાયદેસર રીતે ભારત તરફ રવાના થયું, જેસલમેરમાં ડિહાઇડ્રેશનથી બંનેનું થયું મૃત્યુ
વિઝા ન મળતા પાકિસ્તાની દંપતીએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, ભારે ગરમીને કારણે બંનેનું ડિહાઇડ્રેશનથી મૃત્યુ થયું હતું.

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના સાદેવાલા વિસ્તારમાં એક પાકિસ્તાની દંપતીનું તરસથી મૃત્યુ થયું હતું. મીડિયા રિપોર્ટસથી જાણવા મળ્યું છે કે, આ દંપતી ગેરકાયદેસર રીતે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. બંનેના મૃતદેહ લગભગ ચાર-પાંચ દિવસ બાદ મળી આવ્યા હતા.
મૃતદેહની ઓળખ કેવી રીતે થઈ?
મૃતદેહની પાસેથી વોટર આઈડી કાર્ડ (પાકિસ્તાની ભાષામાં) મળી આવતા બંને મૃતદેહોને ઓળખવામાં મદદ મળી હતી. યુવકનું નામ રવિ કુમાર (18) અને છોકરી સગીર છે. છોકરીનું નામ શાંતિબાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને આઈડી કાર્ડ પર ‘પાકિસ્તાન’ લખેલું હતું અને પાછળના ભાગ પર ઉર્દૂમાં લખાણ જોવા મળ્યું હતું. આ જોડું પાકિસ્તાનનું હતું અને તેમણે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.
પોલીસે બંને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. બંનેના મૃતદેહને સ્થાનિક હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, મૃતદેહો પાસેથી આઈડી કાર્ડ ઉપરાંત એક મોબાઇલ અને પાકિસ્તાની સિમ કાર્ડ પણ મળી આવ્યું છે.
વિઝા ન મળવાને કારણે ઉઠાવ્યું આ પગલું
બંનેના લગ્ન છ મહિના પહેલા થયા હતા. લગ્ન પછી શાંતિપૂર્ણ જીવન જીવવાનું સ્વપ્ન જોનારા આ દંપતીએ ભારતમાં વિઝા માટે અરજી કરી હતી પરંતુ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને કારણે તેમને વિઝા મળી શક્યા નહીં. વિઝા ન મળવાને કારણે, તેમણે ગેરકાયદેસર રીતે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો અને રસ્તામાં પીવાનું પાણી ન મળવાને કારણે તેઓનું તરસથી મૃત્યુ થયું હતું.
આ મામલે એસપીએ શું કહ્યું?
એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું હતું કે, રવિ કુમાર અને શાંતિ બાઈ વિઝા ન મળતાં ભારતમાં નવું જીવન શરૂ કરવા માટે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મૃતદેહો જૂના હોવાથી સડી ગયા હતા. સુરક્ષા એજન્સીઓ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને જેસલમેર પોલીસ મૃતદેહો પાસે મળેલા પાકિસ્તાની આઈડી અને સિમ કાર્ડ થકી આગળની તપાસ કરી રહી છે . આ સિવાય નજીકના ગામોમાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.