Breaking News : પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન ગુંડિચા મંદિર પાસે નાસભાગ, 3 ના મોત, 50 થી વધુ ઘાયલ
ઓડિશાના પુરીમાં જાણીતા ગુંડિચા મંદિર પાસે ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ભાગદોડ મચી ગઈ. અકસ્માતમાં 3 લોકોના મોત થયા હોવાના સામાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં આજે રવિવારે વહેલી સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ થયો હતો. નાસભાગ મચી તે સમય દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર હતા. સરકારે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના પણ આદેશ આપ્યા છે.

રવિવારે જગન્નાથ રથયાત્રા દરમિયાન સરધાબલીમાં નાસભાગ મચી હતી. પુરીમાં ગુંડિચા મંદિર નજીક એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન એક ગંભીર અકસ્માત થયો હતો, જેમાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયાની આશંકા છે, જ્યારે 50 થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના આજે સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે સરધાબલીમાં બની હતી. જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સ્થાનિક મીડિયા અનુસાર, મૃતકોની ઓળખ પ્રેમકાંત મોહંતી (80), બસંતી સાહુ (36) અને પ્રભાતી દાસ (42) તરીકે થઈ છે.
બે ટ્રકના આવવાથી નાસભાગ થઈ
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, ઘટનાસ્થળ પાસે પહેલેથી જ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. પરંતુ બે ટ્રકો અચાનક ત્યાંથી ઘૂસવાનો પ્રયાસ કરતા ભાગદોડ મચી ગઈ હતી. સાંકડી જગ્યા, પૂરતી પોલીસ હાજરીનો અભાવ અને રથ પાસે વિખેરાયેલા ખજૂરીના ઝાડના લાકડાને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી.
ઓડિશા સરકારે આ નાસભાગની ઘટના પર તાત્કાલિક કાર્યવાહી કરી અને કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદને અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો. તેમણે દુર્ઘટનાનું વાસ્તવિક કારણ શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરી. મંત્રીએ નાસભાગ માટે જવાબદાર લોકો સામે સંપૂર્ણ તપાસ અને યોગ્ય પગલાં લેવાનું વચન આપ્યું.
જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે: કાયદા પ્રધાન
તેમણે કહ્યું, “આ દુર્ઘટના જેમાં ત્રણ લોકોના મોત થયા છે તેનાથી અમને ખૂબ દુઃખ થયું છે. અમે સંપૂર્ણ તપાસ કરીશું અને જેમની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની તેમની સામે યોગ્ય પગલાં લેવામાં આવશે.”
આ ઘટના પુરીમાં આરોગ્ય કટોકટીના એક દિવસ પછી બની હતી, જેમાં ઓછામાં ઓછા 750 ભક્તો થાક અને ભારે ભીડને કારણે બેભાન થઈ ગયા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ 230 થી વધુ ભક્તોને ચેપી રોગોની હોસ્પિટલમાં (IDH) દાખલ કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં ભક્તો બેભાન થઈ ગયા હોવાથી, લગભગ 520 અન્ય લોકોને સારવાર માટે જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ (DHH) ખસેડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના ભક્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જોકે, એક ભક્તની હાલત ગંભીર છે અને તેને કટકની SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો