હવે ઉત્તરાખંડમાં લાગુ થશે સમાન નાગરિક ધારો, ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરતા CM પુષ્કર સિંહ ધામી
હવે ઉત્તરાખંડ રાજ્યમાં UCC લાગુ થઈ શકે છે. ઉત્તરાખંડ રાજ્યમાં ટૂંક સમયમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સમાન નાગરિક ધારા સંદર્ભમાં બુધવારે રાત્રે સીએમ પુષ્કર સિંહ ધામીએ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં યુસીસી કમિટીના ચેરપર્સન રિટાયર્ડ જજ જસ્ટિસ રંજના પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યાં હતા. એવું કહેવામાં આવી રહ્યું કે યુસીસી કમિટી ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં અથવા નવેમ્બરના પહેલા સપ્તાહમાં ઉત્તરાખંડ સરકારને અંતિમ રિપોર્ટ સોંપી શકે છે.
સમગ્ર દેશમાં UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની શકે છે. તેના માટેનો ડ્રાફ્ટ ઉત્તરાખંડ રાજ્યમાં તૈયાર થઈ ચૂક્યો છે. આજે બુધવારે મોડી સાંજે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફરી એકવાર મુલાકાત કરી છે. આ બેઠકમાં ઉત્તરાખંડ યુસીસી સમિતિના પ્રમુખ રંજના દેસાઈ અને સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
ઉત્તરાખંડ રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ, વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉત્તરાખંડ રાજ્યમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાનું વચન આપ્યું હતું. આ માટે તેમણે સત્તામાં આવ્યા બાદ એક સમિતિની રચના પણ કરી હતી. કમિટીએ લોકો પાસેથી સૂચનો મેળવવા ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું હતું. જેમાં લગભગ 20 લાખ લોકોએ સૂચનો કર્યાં હતા. આ સિવાય યુસીસી માટેનો એક ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો. માનવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહ સાથેની બેઠકમાં આ ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હોઈ શકે છે.
જુલાઈમાં ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે
ઉત્તરાખંડ રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે રચાયેલી યુસીસી કમિટીએ, ગયા જુલાઈ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરી લીધો હતો. કમિટીના ચેરપર્સન રિટાયર્ડ જજ જસ્ટિસ રંજના દેસાઈએ આ માહિતી આપતા કહ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ માટેની સમિતિએ ઉત્તરાખંડમાં પ્રચલિત વિવિધ પ્રથાઓને વિગતવાર સમજવાનો પ્રયાસ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, યુનિફોર્મ સિવિલ કોડ સમિતિનો સમગ્ર ભાર લિંગ આધારિત સમાનતા સુનિશ્ચિત કરવા પર મુકવામાં આવ્યો છે. દેશના વર્તમાન કાયદાકીય માળખા સહિત, વિવિધ કાયદાઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને આ સુચિત ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથેની બેઠકનો મુદ્દો કમિટીના ડ્રાફ્ટ પર ચર્ચા થઈ હોવાનું કહેવાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો આજની શાહ અને ધામી સાથેની બેઠકમાં સર્વસંમતિ સધાઈ હશે તો, આગામી ઓક્ટોબર મહિનાના અંતિમ સપ્તાહ અથવા નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં યુ.સી.સી. કમિટી પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડ સરકારને સોંપી દેશે.
શું છે યુસીસી
યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC નો સીધો અને સરળ અર્થ એવો થાય કે, એક દેશ અને એક કાયદો. હકીકતમાં, અત્યાર સુધી દેશમાં છૂટાછેડા, લગ્ન, દત્તક લેવાના નિયમો, ઉત્તરાધિકાર અને સંપત્તિ સંબંધિત બાબતોને લઈને અલગ-અલગ કાયદા છે. ઉત્તરાખંડમાં UCC લાગુ થયા પછી, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા સિવાય દરેક માટે એક જ કાયદો અમલમાં આવશે. આ કાયદાની જોગવાઈ અનુસાર છૂટાછેડા, લગ્ન, દત્તક લેવાના નિયમો, ઉત્તરાધિકાર અને સંપત્તિ સંબંધિત બાબતોને લઈને અલગ-અલગ કાયદા છે તે તમામ કાયદાઓ બિનઉપયોગી થઈ જશે અને તેના સાથે એક જ કાયદો અમલમાં રહેશે.