દેશભરમાં યોજાઈ NEET ની રિએક્ઝામ, વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે શિક્ષણ જગત અને NTA ની પણ અગ્નિપરીક્ષા
100 % ગેરરીતિ મુક્ત પરીક્ષાની સરકારે આ વખતે ગેરન્ટી આપી છે. તમામ સેન્ટર અને પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા તો લાગેલા જ છે. સાથોસાથે ઝામર પણ લગાવી દેવામાં આવ્યા છે. પોલીસ અને CRPF દ્વારા પરીક્ષા કેન્દ્રો પર કડક પહેરો ભરવામાં આવી રહ્યો છે. જાણે કોઈ યુદ્ધ હોય તેવી તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ માત્ર વિદ્યાર્થીઓની પરીક્ષા નથી પરંતુ સિસ્ટમ ની પણ અગ્નિ પરીક્ષા છે.

અભી પાઉ કે છાલે ન દેખ અભી સફર કી ઈબ્તિદા હૈ,
અભી કદમ-કદમ પે મંઝિલેં, અભી તો સારા રફર બાકી હૈ।
આજે વિદ્યાર્થીઓના મનમાં અનેક સવાલો છે અને એક મહત્વપૂર્ણ અગ્નિપરીક્ષાની ઘડી છે જે તેમને ફરીથી આપવી પડી રહી છે. મેડિકલની સૌથી મોટી એન્ટ્રેન્સ ટેસ્ટ NEET UG જેનુ પેપર લીક થયુ તો લાખો વિદ્યાર્થીઓનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી ગયો. હવે એ જ ભરોસાને બહાલ કરવા માટે આજે NEET ની રિએક્ઝામ લેવાઈ રહી છે. આ પરીક્ષા માત્ર વિદ્યાર્થીઓની નથી પરંતુ સિસ્ટમની પણ છે. વાલીઓની પણ છે, અને NTA ની પણ કસોટી છે. દેશભરમાં NEET ની રિએક્ઝામ કન્ડક્ટ કરવામાં આવી રહી છે. સરકારે આ વખતે ફુલપ્રુફ પરીક્ષાની ખાતરી આપી છે.
આ વખતે દેશના 551 શહેરોમાં 5 હજારથી વધુ કેન્દ્રો પર 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ એક્ઝામ પહેલા સુરક્ષા જવાનો દ્વારા મોકડ્રીલ પણ યોજાઈ હતી, જેથી કોઈપણ પ્રકારની ગરબડી વિના NEET ની પરીક્ષા યોજી શકાય અને વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
NEET ની પરીક્ષા, NTA, શિક્ષણમંત્રી માટે પડકાર
આ તરફ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ વિદ્યાર્થીઓને કોઈપણ ડર કે ગભરાયા વિના પરીક્ષામાં જવા માટે શુભેચ્છા પાઠવી હતી. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યુ કે મને દેશના તમામ રાજ્યોની સરકારો પર, NTA પર અને દેશની શિક્ષણ વ્યવસ્થા સામે સંપૂર્ણ વિશ્વાસ છે, જેમા ખાસ કરીને દેશના વિદ્યાર્થીઓ પર પુરેપુરો વિશ્વાસ છે અને તેઓ નિર્ભય અને ચિંતામુક્ત થઈને પરીક્ષા આપે. સારુ જ કરશે તેવા વિશ્વાસ સાથે પરીક્ષા ખંડમાં જાય.
ગયા મહિને પેપરલીકને કારણે દેશભરમાં પરીક્ષા રદ કરવી પડી હતી. જેને ધ્યાને રાખી આ વખતે પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને સાયબર સેલ ઈન્ટરનેટ પરની દરેક ગતિવિધિ પર નજર રાખી રહ્યુ છે. જેના માટે દેશભરમાં સાયબર કમાન્ડો તૈયાર કરાયા છે. સોશિયલ મીડિયા પર 24/7 દેખરેખ રખાઈ રહી છે. કેન્દ્રીય સુરક્ષા દળોથી લઈને સ્થાનિક પોલીસની મદદ પણ લેવાઈ છે. જેનાથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ પણ વધ્યો છે. આજે જ્યારે વિદ્યાર્થીઓ NEET ની રિએક્ઝામ આપી રહ્યા છે ત્યારે આ મુદ્દે રાજનીતિની અસર પણ સ્પષ્ટ જોવા મળી છે.
સરકાર સુનિશ્ચિત કરે કે વિદ્યાર્થીઓને હવે કોઈ સ્ટ્રેસમાંથી પસાર ન થવુ પડે- રાહુલ ગાંધી
વિપક્ષ ના નેતા રાહુલ ગાંધીએ કોઈ ગરબડી વિના નીટની રિએક્ઝામની આશા વ્યક્ત કરતા વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી કે તમે સારી રીતે પરીક્ષા આપો. આ સાથે રાહુલ ગાંધીએ કહ્યુ કે સરકારને અપીલ કરી કે આ વખતે સુપેરે કોઈ જ ગરબડી વિના પરીક્ષા લેવાય તે સુનિશ્ચિ કરે. અને વિદ્યાર્થીઓન હવે કોઈપણ સ્ટ્રેસ કે આઘાતમાંથી પસાર ન થવુ પડે તે ખાસ જુએ. શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ રાહુલ ગાંધીના નિવેદન નો જવાબ આપ્યો કે કૃપા કરીને કોઈ એવા નિવેદનો ન કરે જેનાથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ બગડે. કેટલાક જવાબદાર લોકો વિદ્યાર્થીઓને હાથો બનાવીને રાજનીતિ ન કરે, આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે.
આજે નીટની પરીક્ષા ફરી લેવાઈ રહી છે ત્યારે દેશભરની નજરો સંપૂર્ણ તેના પર ટકેલી છે. જો કે જે પણ ખામીઓ હતી તેને દૂર કરવામાં આવી છે. જો કે સવાલ તો એ પણ હજુ ઊભો જ છે કે શું પરીક્ષા વ્યવસ્થાની ખામીઓ ખરેખર દૂર થઈ છે. ઉલ્લેખનીય છે કે ગયા મહિને યોજાયેલી NEET ની પરીક્ષામાં પેપરલીકને કારણે આજે ફરી પરીક્ષા આયોજિત કરવામાં આવી છે અને આ જ ફરી એક્ઝામમાં બરોબર જોઈએ તેવુ પરફોર્મ ન કરી શકવાના ડરને કારણે દેશભરમાંથી 12 જેટલા વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓએ આત્મહત્યા કરી લીધી છે. ત્યારે હવે કોઈ જ ચૂક ન રહી જાય અને કોઈ જ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા યોજાય તેવી આશા સહુ કોઈ વિદ્યાર્થીઓ અને ખાસ કરીને તેમના માતાપિતા રાખી રહ્યા છે. કારણ કે રિએક્ઝામને કારણે પરેશાની, હેરાનગતિ માત્ર વિદ્યાર્થીઓને નથી થઈ, તેમના માતાપિતા પણ પારાવાર માનસિક અને શારીરિક પીડા, યાતનામાંથી પસાર થઈ રહ્યા છે.
વિદ્યાર્થીઓની સાથે માતાપિતાની પણ કસોટી
વિદ્યાર્થીઓ નાસીપાસ ન થાય અને તેમનું મનોબળ ન તૂટે તે માટે માતાપિતા પણ સતત બાળકોની સાથે રહીને તેમની હિંમત વધારી રહ્યા છે. જ્યાં ત્રણ કલાક વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસીને એક્ઝામ આપી રહ્યા છે ત્યારે વાલીઓ પણ પરીક્ષા ખંડની બહાર મેદાનમાં તેમની રાહ જોઈ રહ્યા છે. દૂર દૂરથી વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવવા માટે માતાપિતા પણ બાળકોની સાથે જ સફર કરી રહ્યા છે. કોઈ બસ માં કે ટ્રેન દ્વારા પરીક્ષા આપવા આવ્યા હશે. પરીક્ષા આપ્યા પછી બાળકના મનના હાવભાવ જોયા બાદ કદાચ આ માતાપિતા રાહતનો શ્વાસ લઈ શકશે. જ્યારે બાળક તેમને કહેશે તેમની પરીક્ષા સારી રહી છે ત્યારે આ માતાપિતાના મનને ખરી શાંતિ મળશે. ત્યાં સુધી તેઓ પણ એક પ્રકારના ઉચાટમાં સમય પસાર કરી રહ્યા છે.
