મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શિવરાજ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી રહેલા મોહન યાદવની પસંદગી, ઉજ્જૈન દક્ષિણથી છે ધારાસભ્ય
મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 230માંથી 163 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી છે. આ પછી, અહીં સીએમ ચહેરાને લઈને ચર્ચા શરૂ થઈ. શિવરાજ સિંહ ચૌહાણ ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, રાકેશ સિંહ, કૈલાશ વિજયવર્ગીયના નામ પણ સીએમ પદની રેસને લઈને ચર્ચામાં હતા.
મોહન યાદવ મધ્યપ્રદેશના નવા સીએમ બનશે, સોમવારે ધારાસભ્ય દળની બેઠકમાં ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવના નામની જાહેરાત કરવામાં આવી. આ સાથે નરેન્દ્ર સિંહ તોમરને સ્પીકર બનાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશમાં પણ બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
કોણ છે મોહન યાદવ?
મોહન યાદવ 2013માં પ્રથમવાર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. શિવરાજ કેબિનેટમાં તેઓ ઉચ્ચ શિક્ષણ મંત્રી હતા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય છે અને સંઘની અત્યંત નજીક ગણાય છે. મળતી જાણકારી અનુસાર શિવરાજસિંહ ચૌહાણે જ મોહન યાદવના નામનો પ્રસ્તાવ ધારાસભ્ય દળની બેઠકમાં લીધો હતો. આ એલાન સાથે જ તમામ અટકળો પર હવે પૂર્ણવિરામ લાગી ગયુ છે. હવે પ્રદેશની કમાન મોહન યાદવના હાથમાં હશે.
શિવરાજ સિંહ ચૌહાણે રાખ્યો હતો મોહન યાદવના નામનો પ્રસ્તાવ
આ પહેલા નિરીક્ષકોએ મધ્યપ્રદેશના સીએમનું નામ નક્કી કરવા માટે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી હતી. આ પછી, નિરીક્ષક હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, બીજેપી સાંસદ કે લક્ષ્મણ અને પાર્ટીના નેતા આશા લાકરાએ ભોપાલમાં રાજ્યના મુખ્યાલયમાં ધારાસભ્યો સાથે બેઠક કરી. સીએમની રેસમા વીડી શર્મા, નરેન્દ્રસિંહ તોમર, કૈલાશ વિજયવર્ગિય, પ્રહલાદ પટેલ સહિતના નામો હતા. જેમા શિવરાજ સિંહ ચૌહાણે જ ડૉ મોહન યાદવના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યમાં શાળા સંચાલકો દ્વારા ફરી આંદોલનના મંડાણની શક્યતા, ગ્રાન્ટેડ શાળામાં FRCનું માળખુ રદ કરવાની કરી માગ
નામની જાહેરાત પહેલા કરાયુ ફોટો સેશન
ભોપાલમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક પહેલા ધારાસભ્યોએ ફોટો સેશન પણ કર્યું હતું. અહીં, રાજ્યના ત્રણ નિરીક્ષકો, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, બીજેપી સાંસદ કે લક્ષ્મણ અને પાર્ટીના નેતા આશા લાકરા સાથે શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર હતા