Modi Surname Case : રાહુલ ગાંધીને SC તરફથી રાહત નહી, પૂર્ણેશ મોદી-ગુજરાત સરકારને નોટીસ, 4 ઓગસ્ટે થશે વધુ સુનાવણી
Rahul Gandhi defamation case : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં મોદી જ્ઞાતીને લઈને નિવેદન આપ્યું હતું, જેના સંદર્ભમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા બદનક્ષીનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ નિવેદનના કારણે રાહુલને થયેલી સજાને કારણે, તેમનુ સંસદસભ્ય પદ જતુ રહ્યુ હતુ.
Rahul Gandhi Modi Surname Case :કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. શુક્રવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અરજદાર પૂર્ણેશ મોદી અને ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. હવે આ મામલે આગામી સુનાવણી 4 ઓગસ્ટે થશે, ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય અમલમાં રહેશે.
મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાતની કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી, ત્યારબાદ તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા પરંતુ ત્યાંથી પણ તેમને રાહત મળી ન હતી અને સજા યથાવત રાખવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટના આ નિર્ણય સામે રાહુલ ગાંધી વતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
આજે શુક્રવારે જ્યારે આ મામલાની સુનાવણી શરૂ થઈ ત્યારે રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવીએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે સવાલ માત્ર એટલો જ છે કે દોષારોપણ પર પ્રતિબંધ મૂકવો કે નહીં, આવી સ્થિતિમાં બંને પક્ષોની વાત સાંભળવી જરૂરી છે. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને 10 દિવસમાં નોટિસનો જવાબ આપવા કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વર્ષ 2019માં એક નિવેદન આપ્યું હતું, જેને લઈને વિવાદ થયો હતો. આ કેસમાં રાહુલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, સુરત કોર્ટે આ વર્ષે માર્ચમાં આ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી. આ કારણે રાહુલ ગાંધીએ સંસદની સદસ્યતા ગુમાવી દીધી છે, સાથે જ તેઓ સજા પૂર્ણ થયાના 6 વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં.
કોંગ્રેસના નેતાએ તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી, જોકે હાઈકોર્ટે તેને ફગાવી દીધી હતી અને સજા યથાવત રાખી હતી. સાથે જ હાઈકોર્ટે કડક ટીપ્પણી કરતા કહ્યું હતું કે તમારી સામે આવા અન્ય કેસ પણ છે. હાઈકોર્ટના નિર્ણય સામે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.